તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 16th May 2026
"પરીક્ષા પર ચર્ચા નહીં, હવે તો સિસ્ટમની સમીક્ષા કરો": NEET મુદ્દે જયરામ રમેશના કેન્દ્ર પર આકરા પ્રહાર
વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થતી છેડાછાડ સામે વિપક્ષ લાલઘુમ; શિક્ષણ મંત્રાલયની અક્ષમતા અને સંસદીય સમિતિની અવગણના પર ઉઠ્યા ગંભીર સવાલો

નવી દિલ્હી: NEET-UG 2026 પેપર લીક કાંડ બાદ દેશભરના વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા દ્વારા મોદી સરકારની શિક્ષણ નીતિ અને પરીક્ષા પદ્ધતિ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે અત્યંત વ્યથા સાથે જણાવ્યું કે, એક વર્ષ સુધી દિવસ-રાત એક કરીને અને લાખો રૂપિયાની કોચિંગ ફી ભરીને તૈયારી કરનાર વિદ્યાર્થી જ્યારે પરીક્ષા આપે છે, ત્યારે તેને ખબર પડે છે કે આખી સિસ્ટમ ભ્રષ્ટાચાર અને અક્ષમતાની ઉધઈથી ખવાઈ ગઈ છે. રમેશે આ પરિસ્થિતિને ભારતના યુવાનો અને તેમના વાલીઓ સાથેનો ક્રૂર વિશ્વાસઘાત ગણાવ્યો છે અને સરકારને માત્ર ભાષણો આપવાને બદલે નક્કર સુધારા કરવાની ચેતવણી આપી છે.
જયરામ રમેશે સરકાર પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં શિક્ષણ સંસ્થાઓનું રાજકીયકરણ કરી દેવામાં આવ્યું છે. NCERT પાઠ્યપુસ્તકોમાં ફેરફારનો વિવાદ હોય, NAAC માં લાંચ લેવાના કિસ્સા હોય કે પછી કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં વર્ષોથી ખાલી પડેલી પ્રોફેસરોની હજારો જગ્યાઓ; દરેક સ્તરે શિક્ષણ પ્રણાલી નબળી પડી છે. ખાસ કરીને રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (NTA) માં સુધારા માટે સંસદીય સ્થાયી સમિતિએ જે ભલામણો કરી હતી, તેને માત્ર એટલા માટે અવગણવામાં આવી કે તેમાં વિપક્ષના સભ્યો હતા. આ મુદ્દે વળતો પ્રહાર કરતા તેમણે યાદ અપાવ્યું કે 30 સભ્યોની એ સમિતિમાં 17 સભ્યો તો ખુદ ભાજપના જ હતા, છતાં સુધારાના અહેવાલને નકારી કાઢવો એ લોકશાહી અને સંસદીય પરંપરાનું અપમાન છે.
વડાપ્રધાનના 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમ પર કટાક્ષ કરતા કોંગ્રેસ નેતાએ કહ્યું કે હવે દેશને 'પરીક્ષા પર ચર્ચા' ની નહીં પણ 'પરીક્ષાની સમીક્ષા' કરવાની તાતી જરૂર છે. દર વર્ષે થતા આ ભવ્ય આયોજનો અને પ્રસિદ્ધિ વચ્ચે વિદ્યાર્થીઓનો માનસિક તણાવ ઓછો થવાને બદલે પેપર લીક જેવી ઘટનાઓથી વધી રહ્યો છે. શિક્ષણ મંત્રાલયે પોતાનો અહંકાર ત્યાજીને લાખો વિદ્યાર્થીઓના આંસુ અને તેમની મહેનતની કદર કરવી જોઈએ. જો અત્યારે જ પરીક્ષા પ્રણાલીમાં આમૂલ પરિવર્તન લાવવામાં નહીં આવે, તો દેશની મેડિકલ અને અન્ય શૈક્ષણિક પ્રવેશ પ્રક્રિયાઓ પરથી સામાન્ય જનતાનો વિશ્વાસ કાયમ માટે ઉઠી જશે.
(5:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
