<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th June 2026

મોતનો કોઈ ડર નથી : આ વર્ષે જ બાંગ્લાદેશ પરત ફરીશ: શેખ હસીનાની સનસનાટીપૂર્ણ જાહેરાત

વચગાળાની સરકાર અને કટ્ટરપંથીઓ સામે ખોલ્યો મોરચો

નવી દિલ્હી: બાંગ્લાદેશમાં સત્તાપલટો થયા બાદ લાંબા સમયથી ભારતમાં આશરો લઈ રહેલા ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ એક ઈમેઈલ ઈન્ટરવ્યુમાં સનસનાટીપૂર્ણ જાહેરાત કરીને પાડોશી દેશના રાજકારણમાં નવો ભૂકંપ લાવી દીધો છે. પાંચ વખત બાંગ્લાદેશના વડાપ્રધાન રહી ચૂકેલા ૭૮ વર્ષીય શેખ હસીનાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તેઓ તમામ અવરોધો અને કાવતરાંઓને તોડીને આ વર્ષે જ પોતાના વતનમાં પરત ફરશે. બાંગ્લાદેશની વર્તમાન અદાલતો દ્વારા તેમને ફટકારેલી મૃત્યુદંડની સજાને રાજકીય રીતે પ્રેરિત અને ગેરબંધારણીય ગણાવતા તેમણે કહ્યું કે, ન્યાયતંત્રનો ઉપયોગ અવામી લીગને નેતાવિહીન કરવાના બદલાની ભાવનાથી થઈ રહ્યો છે. તેમણે હુંકાર કર્યો કે, "હું સત્તાની ભૂખી નથી, પરંતુ મારા પિતા બંગબંધુ શેખ મુજીબુર રહેમાનના 'સોનાર બાંગ્લા'ના સ્વપ્નને સાકાર કરવા અને લોકશાહીની પુનઃસ્થાપના માટે કોઈનાથી પણ ડર્યા વિના પરત ફરીશ."

પોતાના જીવ પરના જોખમો વિશે વાત કરતા શેખ હસીના ભાવુક અને આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. તેમણે ભૂતકાળના કાળા દિવસોને યાદ કરતા કહ્યું કે, ૧૯૭૫માં તેમણે તેમના માતા-પિતા અને ભાઈઓ સહિત આખા પરિવારને ગુમાવ્યો હતો અને ૨૧ ઓગસ્ટના રોજ પણ તેમના પર ઘાતક ગ્રેનેડ હુમલો કરીને હત્યાનો પ્રયાસ થયો હતો, તેથી તેઓ હવે મૃત્યુથી બિલકુલ ડરતા નથી. તેમણે વર્તમાન વચગાળાની સરકાર અને ત્યારપછીની બીએનપી (BNP) પ્રેરિત શાસનવ્યવસ્થા પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, આજે બાંગ્લાદેશમાં લઘુમતીઓ (ખાસ કરીને હિન્દુઓ) પર હુમલા થઈ રહ્યા છે, જે દેશની આઝાદી પર સીધો હુમલો છે. દેશમાં ઉગ્રવાદ ચરમસીમાએ છે, કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી છે અને આર્થિક સ્થિરતા જોખમાઈ છે, જેના કારણે સામાન્ય જનતા હવે અવામી લીગના શાંતિપૂર્ણ શાસનને યાદ કરી રહી છે.

છેલ્લા બે વર્ષથી દેશની બહાર હોવા છતાં પોતાની પાર્ટી 'અવામી લીગ'ની સંગઠનાત્મક શક્તિ પર વિશ્વાસ વ્યક્ત કરતા હસીનાએ કહ્યું કે, તેમની પાર્ટી કોઈ કાગળ પર ચાલતું સંગઠન નથી, પરંતુ તે બંગાળની માટી અને મુક્તિ સંગ્રામના ઇતિહાસ સાથે જોડાયેલી એક અતૂટ શક્તિ છે. ૨૩ જૂનના રોજ પાર્ટીના સ્થાપના દિવસે સરકાર દ્વારા સેના અને પોલીસ તૈનાત કરીને ડઝનબંધ કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હોવા છતાં, ગામડાઓ અને ઉપ-જિલ્લાઓમાં સામાન્ય જનતા રેલીઓમાં ઉમટી રહી છે. આ લોકપ્રિયતા જ સાબિત કરે છે કે વર્તમાન શાસકો અવામી લીગની તાકાતથી ફફડી રહ્યા છે. શેખ હસીનાની આ વર્ષે પરત ફરવાની જાહેરાતથી બાંગ્લાદેશની સરહદ પર અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકીય ગરમાવો વધી ગયો છે.

(4:30 PM IST)