<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

મોદીને પ્રશ્ન પૂછનારી નોર્વેની પત્રકારને ભારતમાં નો એન્‍ટ્રી

હૈદરાબાદમાં ઈન્‍ડિયા સમિટમાં ભાગ લેવા આવી રહેલી નોર્વેની પત્રકારના વિઝા રદ કરવા બદલ કોંગ્રેસે કેન્‍દ્ર સરકારને ઘેરી

નવી દિલ્‍હી તા.૧૩: આ વર્ષે મે મહિનામાં ઓસ્‍લોની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીને પ્રશ્નો પૂછીને ચર્ચા જગાવનાર નોર્વેજીયન પત્રકાર હેલે લિગ સ્‍વેન્‍ડસેનના ભારત આવવા માટેના વિઝા રદ કરવામાં આવ્‍યા છે. પત્રકારનો આરોપ છે કે, હૈદરાબાદમાં યોજાનારા ઈન્‍ડિયા સમિટમાં ભાગ લેવા માટે રવાના થવાના થોડા કલાકો પહેલા જ ભારત સરકારે તેમના વિઝા રદ કરી દીધા હતા.

સ્‍વેન્‍ડસેનનો દાવો છે કે આ નિર્ણય કેન્‍દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા લેવામાં આવ્‍યો છે, જોકે વિઝા રદ કરવા પાછળ કોઈ ચોક્કસ કારણ આપવામાં આવ્‍યું નથી. આ ઘટનાક્રમ પર કોંગ્રેસ પક્ષે તીખી રાજકીય પ્રતિક્રિયા આપી છે; ઉલ્‍લેખનીય છે કે કોંગ્રેસ દ્વારા જ ૧૩-૧૪ નવેમ્‍બરે હૈદરાબાદમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

નોર્વેજીયન અખબાર ડેગસાવિસેન (Dagsavisen) માટે કામ કરતા સ્‍વેન્‍ડસેને જણાવ્‍યું હતું કે, તેમણે આ કાર્યક્રમમાં પેનલિસ્‍સ્‍ટ અને વક્‍તા તરીકે ભાગ લેવા માટે વિઝા અને જરૂરી રાજકીય મંજૂરી (political clearance) મેળવી લીધી હતી. આ કાર્યક્રમમાં મીડિયાનું ભવિષ્‍ય, પ્રેસની સ્‍વતંત્રતા અને લોકશાહી જેવા વિષયો પર ચર્ચા થવાની હતી. તેમણે જણાવ્‍યું કે, જ્‍યારે તે એરપોર્ટ જવા માટે નીકળવાની તૈયારીમાં હતી, ત્‍યારે નોર્વેમાં ભારતીય દૂતાવાસે તેમને વિઝા રદ થયા હોવાની જાણ કરી હતી.

સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ X (ટ્‍વિટર) પર પોસ્‍ટ કરાયેલા એક સેલ્‍ફી વીડિયોમાં સ્‍વેન્‍ડસેને કહ્યું કે, માન્‍ય વિઝા અને જરૂરી મંજૂરીઓ હોવા છતાં તેને જણાવવામાં આવ્‍યું કે તે ભારતની આવી શકશે નહીં.

તેણે જણાવ્‍યું, મારા પાસપોર્ટમાં વિઝા છે અને હું મુસાફરી કરવા માટે સંપૂર્ણપણે તૈયાર હતી. જોકે, ઉપરથી આવેલા આદેશોને પગલે ગૃહ મંત્રાલય દ્વારા મારા વિઝા રદ કરી દેવામાં આવ્‍યા છે. હું એરપોર્ટ જવા માટે નીકળું તેની માત્ર ૧૦ મિનિટ પહેલાં જ મને નોર્વેમાં ભારતીય દૂતાવાસ તરફથી ફોન આવ્‍યો, જેમાં મને જણાવવામાં આવ્‍યું કે મને ભારતમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

તેણે વધુમાં કહ્યું, હું સ્‍તબ્‍ધ થઈ ગઈ હતી, કારણ કે મારી પાસે રાજકીય મંજૂરી (political clearance) અને માન્‍ય વિઝા બંને હતા. મારે તેલંગાણાના હૈદરાબાદમાં એક પરિષદમાં હાજરી આપવાની હતી, જ્‍યાં લોકો મારી રાહ જોઈ રહ્યા હતા. મારે મીડિયા, પ્રેસની સ્‍વતંત્રતા, લોકશાહી અને આ ખ્‍યાલો એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે તે વિશે વાત કરવાની હતી. પત્રકારે એવી શંકા પણ વ્‍યક્‍ત કરી કે આ નિર્ણય પાછળ રાજકીય કારણો હોઈ શકે છે.

લિગને શંકા છે કે વડાપ્રધાન મોદી અને તેમની સરકારની તેમણે અગાઉ કરેલી ટીકાઓ કદાચ આ નિર્ણયમાં કારણભૂત હોઈ શકે છે. તેમણે મે ૨૦૨૬માં ઓસ્‍લોની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીને પૂછેલા એક પ્રશ્નનો પણ ઉલ્‍લેખ કર્યો.

ઉલ્‍લેખનીય છે કે, ૧૮ મેના રોજ નોર્વેના વડાપ્રધાન સાથેની સંયુક્‍ત પ્રેસ કોન્‍ફરન્‍સ દરમિયાન, લિગે વડાપ્રધાન મોદીને પૂછ્‍યું હતું કે તેઓ વિશ્વના સૌથી ફ્રી પ્રેસ ગણાતા માધ્‍યમોના પ્રશ્નોના જવાબ કેમ નથી આપતા. વડાપ્રધાન તેમના પ્રશ્નનો જવાબ આપ્‍યા વિના જ ત્‍યાંથી નીકળી ગયા હતા.

એક વીડિયોમાં તેમણે કહ્યું, મને આヘર્ય થાય છે કે શું આ બાબત મે ૨૦૨૬માં નોર્વેના ઓસ્‍લોમાં ભારતીય વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીને પ્રશ્ન પૂછીને મારી  પ્રેસની સ્‍વતંત્રતાનો ઉપયોગ કરવા સાથે જોડાયેલી છે? અથવા કદાચ એટલા માટે કે મેં નરેન્‍દ્ર મોદી અને તેમના વહીવટીતંત્રની ટીકા કરીને મારી અભિવ્‍યક્‍તિની સ્‍વતંત્રતાનો ઉપયોગ કર્યો હતો, જેમાં મારા નોર્વેજીયન અખબારના લેખો અને ઓનલાઇન પ્‍લેટફોર્મનો સમાવેશ થાય છે, જ્‍યાં મારા વિચારો ભારતીય દર્શકો/વાચકો સુધી પહોંચી શકતા હતા.

પત્રકારે એવી શક્‍યતા પણ વ્‍યક્‍ત કરી હતી કે ઉદ્યોગપતિઓ ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીની તેમણે કરેલી ટીકા, ભારતીય રાજકારણ અંગેના તેમના વિચારો અને કોકરોચ જનતા પાર્ટીના સ્‍થાપક અભિજીત દિપકે સાથે તાજેતરમાં કરેલી ચર્ચા-આ બાબતો તેમના વિઝા રદ કરવાના નિર્ણય પાછળના કારણો હોઈ શકે છે.

દરમિયાન, કોંગ્રેસ પક્ષે વિઝા છેલ્‍લી ઘડીએ રદ કરવાના કથિત નિર્ણયની ટીકા કરી છે અને સવાલ ઉઠાવ્‍યો છે કે શું વડાપ્રધાન મોદી કે તેમની સરકાર પ્રશ્નોનો સામનો કરવાથી ડરે છે? સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ X પરની એક પોસ્‍ટમાં, કોંગ્રેસે ઓસ્‍લોની એક ઘટનાનો ઉલ્‍લેખ કર્યો, જ્‍યાં આ પત્રકારે વડાપ્રધાન મોદીને એક પ્રશ્ન પૂછ્‍યો હતો. પક્ષે આરોપ લગાવ્‍યો છે કે હવે તેમને હૈદરાબાદમાં યોજાનારી ભારત સમિટમાં હાજરી આપતા રોકવામાં આવી રહ્યા છે

(9:57 AM IST)