તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Tuesday, 5th May 2026
ઓસ્ટ્રેલિયામાં વિદેશી વિદ્યાર્થીઓને 'નો એન્ટ્રી', છતાં રિજેક્ટ થયેલા વિઝાની ફીમાંથી જ સરકારને અબજો રૂપિયાની કમાણી: વિદેશી વિદ્યાર્થીઓના વિઝા રિજેક્ટ કરવાની ગતિમાં ઐતિહાસિક વધારો કર્યો
એક વર્ષમાં સ્ટુડન્ટ વિઝા ફીમાંથી ૭૩૪ મિલિયન ડોલરની આવક: ભારત, નેપાળ અને બાંગ્લાદેશના ૪૦ થી ૬૫ ટકા વિદ્યાર્થીઓના વિઝા રદ કરી: જંગી રકમો ખંખેરી લીધા

સિડની: ઓસ્ટ્રેલિયા સરકારે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સના વિઝા મોટા પાયે નામંજૂર કરીને પણ કરોડો રૂપિયાની જંગી આવક ઊભી કરી છે. એક નવા રિપોર્ટ અનુસાર, વિઝા માટેની નોન-રિફંડેબલ ફીના કારણે, ઓસ્ટ્રેલિયાએ માત્ર રિજેક્ટ થયેલા વિઝામાંથી જ ૧૪૧ મિલિયન ડોલરથી વધુ કમાણી કરી છે, જ્યારે સ્ટુડન્ટ વિઝાની કુલ આવક ૭૩૪ મિલિયન ડોલરને પાર પહોંચી છે.
ઓસ્ટ્રેલિયામાં ઉચ્ચ શિક્ષણ મેળવવાનું સપનું જોતા એશિયન દેશોના વિદ્યાર્થીઓ માટે ઓસ્ટ્રેલિયન સરકારની નવી નીતિ આર્થિક રીતે ભારે નુકસાનકારક સાબિત થઈ રહી છે.
પ્રકાશિત વિસ્તૃત અહેવાલો મુજબ, ઓસ્ટ્રેલિયાએ વિદેશી વિદ્યાર્થીઓના વિઝા રિજેક્ટ કરવાની ગતિમાં ઐતિહાસિક વધારો કર્યો છે.
ઓસ્ટ્રેલિયાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સના ડેટા મુજબ, સરકારે સ્ટુડન્ટ વિઝા અરજીની ફી વધારીને ૨૦૦૦ ડોલર કરી દીધી છે, જે કોઈપણ સંજોગોમાં પરત મળતી નથી. ગયા એક વર્ષમાં ઓસ્ટ્રેલિયા સરકારે વિઝા એપ્લિકેશનમાંથી ૭૩૪ મિલિયન ડોલર કમાયા છે, જેમાંથી ૧૪૧.૮ મિલિયન ડોલરની આવક તો માત્ર એવા વિદ્યાર્થીઓ પાસેથી થઈ છે જેમના વિઝા નામંજૂર કરવામાં આવ્યા છે.
ફેબ્રુઆરી મહિનામાં ભારતના ૪૦ ટકા, બાંગ્લાદેશના ૫૧ ટકા અને નેપાળના ૬૫ ટકા વિદ્યાર્થીઓના વિઝા ફગાવી દેવાયા છે. વિઝા રિજેક્શનનો આ દર છેલ્લા ૨૧ વર્ષમાં સૌથી વધુ છે. માત્ર એક જ મહિનામાં રિજેક્ટ થયેલા વિઝામાંથી સરકારે ૧૦ મિલિયન ડોલર કમાઈ લીધા છે.
નિષ્ણાતોના મતે, ઓસ્ટ્રેલિયા પોતાના દેશમાં માઈગ્રેશન ઘટાડવા અને વસ્તી વધારાને કંટ્રોલ કરવા માટે આ કડક નીતિ અપનાવી રહ્યું છે. હવે વિદ્યાર્થીઓને રહેઠાણ અને ભોજન ખર્ચ પેટે અગાઉ કરતા વધુ, એટલે કે લગભગ ૩૦,૦૦૦ ડોલર જેટલું બેંક બેલેન્સ ફરજિયાત બતાવવું પડે છે. પૂરતા નાણાકીય પુરાવાના અભાવે અને શંકાસ્પદ ફંડિંગના નામે ધડાધડ વિઝા રદ થઈ રહ્યા છે.
ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓએ આ પગલાંનો વિરોધ કર્યો છે, પરંતુ સરકાર વિઝા ફીની કમાણીમાંથી પોતાની તિજોરી ભરી રહી છે.
(9:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
