તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th April 2026
"મહિલા સશક્તિકરણ માટે કોઈ શુભ મુહૂર્તની જરૂર નથી": પીએમ મોદીના સંબોધન પર કોંગ્રેસના આકરા પ્રહાર અને પક્ષપાતી હોવાનો ગંભીર આક્ષેપ
જયરામ રમેશે વડાપ્રધાનના ભાષણને 'નિરાશાજનક' ગણાવી જૂઠ બોલવાની બીમારી ગણાવી, આધાર અને GST જેવા મુદ્દે ઐતિહાસિક તથ્યો સાથે કેન્દ્ર સરકારને ભીંસમાં લીધી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રને કરવામાં આવેલા તાજેતરના સંબોધન બાદ દેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસ પાર્ટીએ આ સંબોધનને સખત શબ્દોમાં વખોડી કાઢતા તેને અત્યંત પક્ષપાતી અને ગરિમા વગરનું ગણાવ્યું છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પ્રહાર કરતા કહ્યું કે, વડાપ્રધાનનું પદ દેશના સંકલ્પને મજબૂત કરવા માટે છે, નહીં કે રાજકીય પ્રચાર માટે. તેમણે પીએમ મોદી પર નિશાન સાધતા ઉમેર્યું કે, લોકસભામાં મળેલી હારથી વ્યથિત થઈને વડાપ્રધાન મીડિયાનો સામનો કરવાની હિંમત કરી શકતા નથી અને એટલે જ પ્રેસ કોન્ફરન્સને બદલે રાષ્ટ્રના નામે સંબોધનોનો સહારો લઈ રહ્યા છે.
મહિલા અનામત બિલ મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરતા કોંગ્રેસે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. જયરામ રમેશે સવાલ કર્યો કે જો 'નારી શક્તિ વંદન અધિનિયમ' સપ્ટેમ્બર 2023માં જ સર્વસંમતિથી પસાર થઈ ગયો હતો, તો તેને સૂચિત કરવામાં 30 મહિનાનો વિલંબ કેમ કરવામાં આવ્યો? કોંગ્રેસના મતે, મહિલાઓને તેમના અધિકારો આપવા માટે કોઈ 'શુભ સમય' કે 'સીમાંકન'ની રાહ જોવાની જરૂર નથી. તેમણે પીએમ મોદીને સીધો પડકાર ફેંક્યો છે કે જો તેમના ઇરાદા સાફ હોય તો આવતીકાલે જ સંસદમાં નવું બિલ રજૂ કરે જેથી કરીને વર્તમાન માળખામાં જ તાત્કાલિક ધોરણે મહિલા અનામતનો અમલ કરી શકાય. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપ સરકાર મહિલા સન્માનની વાતો માત્ર દંભ ખાતર કરી રહી છે.
વડાપ્રધાન દ્વારા કોંગ્રેસ પર જનધન, આધાર અને GSTના વિરોધ કરવાના આક્ષેપોનો જડબાતોડ જવાબ આપતા જયરામ રમેશે ઐતિહાસિક તથ્યો રજૂ કર્યા હતા. તેમણે યાદ અપાવ્યું કે આધાર યોજનાની શરૂઆત 29 સપ્ટેમ્બર, 2010ના રોજ ડૉ. મનમોહન સિંહની સરકારમાં મહારાષ્ટ્રથી થઈ હતી અને ડિજિટલ ક્રાંતિનો પાયો રાજીવ ગાંધીએ નાખ્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું કે GSTને પણ કોંગ્રેસ સરકાર જ આગળ વધારી રહી હતી, પરંતુ તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ જ તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો. કોંગ્રેસના મતે વડાપ્રધાનને 'જૂઠું બોલવાની બીમારી' છે અને તેઓ પોતે ભૂતકાળમાં મનરેગા અને ખાદ્ય સુરક્ષા કાયદાનો વિરોધ કરી ચૂક્યા છે, જે યોજનાઓએ કોરોના કાળમાં કરોડો લોકોના જીવ બચાવ્યા હતા.
(1:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
