<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

બિહારના રાજકારણમાં નીતીશ કુમારના પુત્રનો ભવ્ય પ્રવેશોત્સવ: ગાંધી મેદાનમાં નિશાંત કુમારે મંત્રી તરીકે લીધા શપથ, રાજકીય વારસાની નવી શરૂઆત

પુત્રએ પિતાના ચરણસ્પર્શ કરી લીધા આશીર્વાદ: પટનાના ઐતિહાસિક મેદાનમાં ૩૨ મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ, PM મોદીની હાજરીમાં બિહાર કેબિનેટનું વિસ્તરણ

પટના, તા.૦૭: બિહારની રાજનીતિમાં બુધવારે એક નવો ઇતિહાસ રચાયો છે. લાંબા સમય સુધી સક્રિય રાજકારણથી દૂર રહેનારા અને અત્યંત લો-પ્રોફાઇલ છબી ધરાવતા નીતીશ કુમારના પુત્ર નિશાંત કુમાર હવે સત્તાવાર રીતે સરકારનો હિસ્સો બની ગયા છે. પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં આયોજિત ભવ્ય સમારોહમાં નિશાંત કુમારે પહેલીવાર મંત્રી પદના શપથ લીધા હતા. તેમના શપથ ગ્રહણ સાથે જ ગાંધી મેદાનમાં હાજર JDU કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
શપથ ગ્રહણ સમારોહ દરમિયાન સૌથી ભાવુક ક્ષણ ત્યારે જોવા મળી જ્યારે નિશાંત કુમારે મંચ પર પિતા નીતીશ કુમારના ચરણસ્પર્શ કરીને આશીર્વાદ લીધા. નીતીશ કુમારે પણ પુત્રની પીઠ થપથપાવીને તેને અભિનંદન પાઠવ્યા હતા. રાજકીય નિષ્ણાતો આ ક્ષણને માત્ર પારિવારિક મિલન નહીં, પરંતુ JDUમાં નેતૃત્વ પરિવર્તન અને નવી પેઢીના આગમનના સ્પષ્ટ સંકેત તરીકે જોઈ રહ્યા છે. નિશાંત કુમાર છેલ્લા કેટલાક સમયથી 'બિહાર સદ્ભાવના યાત્રા' દ્વારા જનતાની વચ્ચે સક્રિય હતા.
ભાજપ-જેડીયુના ૩૨ મંત્રીઓનો સપાટો
સમ્રાટ ચૌધરી કેબિનેટના આ વિસ્તરણમાં ભાજપ અને જેડીયુના કુલ ૩૨ મંત્રીઓએ શપથ લીધા હતા. નિશાંત કુમારની સાથે શ્રવણ કુમાર, વિજય કુમાર સિંહા, દિલીપ જાયસ્વાલ અને લેસી સિંહ જેવા દિગ્ગજ ચહેરાઓએ પણ મંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતા. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મોટા નેતાઓ હાજર રહ્યા હતા. નિશાંત કુમારની એન્ટ્રીએ આખા સમારોહનું કેન્દ્રબિંદુ બદલી નાખ્યું હતું અને બિહારના રાજકારણમાં નવી ચર્ચાઓ છેડી દીધી છે.
કયા વિભાગની જવાબદારી મળશે?
સોફ્ટવેર એન્જિનિયર રહી ચૂકેલા નિશાંત કુમારને કેબિનેટમાં કયા મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવશે તેના પર હવે સૌની નજર ટકેલી છે. JDU કાર્યકરોનું માનવું છે કે નિશાંત કુમારના સરકારમાં આવવાથી પાર્ટીમાં નવી ઉર્જાનો સંચાર થશે અને આગામી ચૂંટણીઓમાં પણ તેની હકારાત્મક અસર જોવા મળશે. લાંબા સમય સુધી 'ના' કહ્યા બાદ આખરે રાતોરાત ચાલેલી બેઠકોના અંતે નિશાંત કુમાર મંત્રી બનવા માટે તૈયાર થયા હતા.

(5:07 PM IST)