તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th September 2026
લોધિકા સંઘ ચૂંટણી જંગ : રાદડિયા જૂથનો દબદબોઃ રૈયાણી હાર્યાઃ મોટો ઉલટફેર સર્જાયોઃ ર બળવાખોરો જીત્યા
ભાજપના સત્તાવાર મેન્ડેટ વિરૂધ્ધ જઇને ફોર્મ ભરનાર બળવાખોર ઉમેદવારો બે મહત્વની બેઠકો ઉપર વિજયી નિવડયાઃ પૃથ્વીસિંહ જાડેજા હાર્યાઃ વિજય સખિયા જીત્યા : નીતીન ચોવટીયા, વિજય સખીયા, બાબુભાઇ નસીત, નીતીન રૈયાણી, મહેશ આસોદરીયાનો વિજય :ત્રંબા બેઠકમાં ટાઇ થયા બાદ ચિઠ્ઠી નખાતા નીતીન રૈયાણીનો વિજય : ૧૦ મીનીટમાં મતગણત્રી પુરીઃ ગણત્રી સ્થળે આગેવાનો ઉમટયા : ૩ બેઠકમાં ભાજપના વ્હીપનો અનાદરઃ હવે ચેરમેન - વાઇસ ચેરમેન કોણ બનશે? જબરી ચર્ચા : રાજકોટ લોધીકા સહકારી સંઘ એશીયાનો સૌથી મોટો સહકારી સંઘ છેઃ કરોડો રૂપીયાનું ટર્નઓવર છે : ચુંટણીમાં ભાજપને ખુદ બળવાખોરોના હાથે હાર ખમવી પડી

રાજકોટ લોધીકા સંઘ ચુંટણીની મતગણત્રી પુરીઃ રાદડીયા જુથના ઉમેદવારોનો ભવ્ય વિજય : રાજકોટઃ આજે સવારે રાજકોટ-લોધીકા સહકારી સંઘની ચુંટણીની મતગણત્રી યોજાઇ હતી. તેમાં પુર્વ મંત્રી અરવિંદ રૈયાણીનો ઘોર પરાજય થયો હતો. તસ્વીરમાં વિજેતા ઉમેદવારો વિજયભાઇ સખીયા, નીતીન ચોવટીયા, બાબુભાઇ નસીત, નીતીનભાઇ રૈયાણી, મહેશભાઇ આસોદરીયા, વિજયી મુદ્રામાં અને અભિનંદન આપતા નજરે પડે છે. ગણત્રી સ્થળે આગેવાનો ઉમટી પડયા હતા. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
રાજકોટ તા.૯: રાજકોટ લોધિકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણીના મતદાન બાદ ઉમેદવારોનું પરિણામ જાહેર થયું છે. જયેશ રાદડિયાએ ભાજપના ધુરંધર રૈયાણીને હરાવીને પાવર બતાવ્યો હતો. સખિયાને પણ વટભેર જીતાડ્યા હતા. રાજકોટ લોધિક સંઘની પાંચ બેઠકની ચૂંટણીમાં જયેશ રાદડિયા જૂથના ચાર ઉમેદવારો વિજેતા થયા હતા. જેના પરથી રાજકોટ લોધિકા સંઘમાં જયેશ રાદડિયાનો દબદબો હોવાનું ફરી એક વખત સાબિત થયું હતું.
આ ચૂંટણીમાં ૯૫ ટકા મતદાન થયું હતું. લોધિકા સંઘમાં ૧૫ ડિરેક્ટરોની ચૂંટણી જાહેર થતાંની સાથે જ ભાજપના બે જૂથ વચ્ચે ઉમેદવારોને લઈ ભારે ખેંચતાણ સર્જાઈ હતી. આજે આ ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે અને તેમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. આ ચૂંટણીમાં રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને સૌરાષ્ટ્ર ભાજપના દિગ્ગજ નેતા અરવિદ રૈયાણીનો પરાજય થયો છે. જ્યારે માધાપર બેઠક પર વિજય સખીયાનો વિજય થયો છે.
રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે.જેમાં હલેન્ડા બેઠક પર મહેશ આસોદરિયાની શાનદાર જીત થઈ છે અને પરિણામ જાહેર થાય તે પૂર્વે જ ધીરુભાઈ રોકડ દ્વારા તેમને ખુલ્લું સમર્થન અપાયું હોવાથી પરિણામ પહેલાં જ ઢોલ નગારા વગાડીને ઉજવણી શરૂ થઈ ગઈ હતી.બીજી તરફ,માધાપર બેઠક ઉપર ભાજપ દ્વારા પૃથ્વીસિહ જાડેજાને મત આપવા માટે વ્હિપ આપવામાં આવ્યો હોવા છતાં ચારેય મતદારોએ રાદડિયા જૂથના માનવામાં આવતા વિજય સખિયાને મત આપતા પૃથ્વીસિહ જાડેજાનો પરાજય થયો હતો અને વિજય સખિયાની જીત થઈ હતી.
આ ચૂંટણીના અન્ય પરિણામોમાં કુવાડવા બેઠક ઉપર પૂર્વ મંત્રી અરવિદ રૈયાણીની હાર થઈ છે.જ્યારે આ બેઠક પર નીતિન રૈયાણીનો વિજય મેળવ્યો છે.સહકારી ક્ષેત્રની આ અત્યંત મહત્વપૂર્ણ ચૂંટણીમાં દિગ્ગજ નેતાઓની હાર અને સમીકરણો બદલાતા રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે. ભાજપના દિગ્ગજ નેતાઓ હારી જતાં અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. મતદાન સમયે પણ ભારે ઉત્તેજના જોવા મળી હતી.
રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીના પરિણામોએ સહકારી રાજકારણમાં ભારે ચકચાર મચાવી દીધી છે. સવારે ૯ વાગ્યે મતગણતરી શરૂ થયા બાદ આવેલા પરિણામોમાં ભાજપના જ બે દિગ્ગજ જૂથો (જયેશ રાદડિયા જૂથ અને પ્રશાંત કોરાટ જૂથ) સામસામે હોવાથી ચૂંટણી અત્યંત રસાકસીભરી બની હતી. કુલ ૧૫ બેઠકોમાંથી ૧૦ બેઠકો અગાઉ બિનહરીફ થઈ ચૂકી હતી, જ્યારે બાકી રહેલી અન્ય ૫ બેઠકો પર મતદાન યોજાયું હતું. આ ૫ બેઠકો માટે કુલ ૨૧માંથી ૨૦ મતદારોએ પોતાના મતદાનનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણીના આ જંગમાં પૂર્વ મંત્રી અરવિદ રૈયાણી, પૃથ્વીસિહ જાડેજા ઉર્ફે ઘોઘુભા, બાબુ નસિત, મહેશ આસોદરિયા અને વિજય સખિયા સહિતના અનેક દિગ્ગજ નેતાઓ મેદાનમાં હતા.
આ ચૂંટણીમાં રાજકોટ લોધિકા સંઘની બેઠકો પર મોટા રાજકીય ઉલટફેરો જોવા મળ્યા છે. ભાજપ દ્વારા જેને સત્તાવાર વ્હિપ આપવામાં આવ્યો હતો અને પક્ષના તમામ ૪ મતદારોને મત આપવા આદેશ કરાયો હતો તેવા પૃથ્વીસિહ જાડેજા ઉર્ફે ઘોઘુભાનો પરાજય થયો છે. તેમની સામે વિજય સખિયાની શાનદાર જીત થઈ છે. માધાપર જૂથ બેઠક પર વિજય સખિયા અને કુંવાડવા જૂથ બેઠક પર નીતિન ચોવટિયાની જીત થઈ છે. ખાસ વાત એ છે કે આ બંને સીટો પર રાદડિયા જૂથના ટેકેદારોને સત્તાવાર મેન્ડેટ ન મળવા છતાં તેમણે બળવો કરીને ફોર્મ ભર્યા હતા અને અંતે આ બળવાખોર ઉમેદવારોની જીત થઈ હતી. આ સાથે જ પૂર્વ મંત્રી અરવિદ રૈયાણી પણ કુંવાડવા બેઠક પર નીતિન ચોવટિયા સામે ચૂંટણી હારી ગયા છે.
ચૂંટણીના અંતિમ આંકડા મુજબ આ સમગ્ર જંગમાં જયેશ રાદડિયા જૂથનો સ્પષ્ટ દબદબો જોવા મળ્યો છે. ત્રંબા સીટ પર ચૂંટણી ટાઈ થઈ હતી, ત્યારબાદ હાથ ધરાયેલી ચિઠ્ઠી પદ્ધતિમાં નીતિન રામાણીની જીત થઈ હતી. હલેન્ડા બેઠક પર મહેશ આસોદરિયાની જીત થઈ છે, જેને પાર્ટી દ્વારા સત્તાવાર મેન્ડેટ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત ખોખડદડ બેઠક પર બાબુ નસિતની જીત થઈ છે, જેઓ જયેશ રાદડિયા વિરુદ્ધ જૂથના માનવામાં આવે છે. બાબુ નસિતની આ બેઠક પર મતદાન દરમિયાન એક મતદારે પોતાનો મત આપ્યો ન હતો. આમ, યોજાયેલી પાંચમાંથી ત્રણ મહત્વની બેઠકોમાં પક્ષના વ્હિપનો ખુલ્લેઆમ અનાદર થયો હોવાનું સામે આવ્યું છે.
આજે સવારે ૯ વાગ્યે રાજકોટ સીટી પ્રાંત-ર કચેરી ખાતે ચુંટણી અધિકારી શ્રી ભરતભાઇ ચાવડા અને સ્ટાફ દ્વારા સજ્જડ પોલીસ બંદોબસ્ત વચ્ચે રાજકોટ લોધીકા સહકારી સંઘની પાંચ બેઠકો કુવાડવા, માધાપર, ખોખડદળ, ત્રંબા અને હલેન્ડા બેઠકની મતગણત્રી શરૂ થઇ હતી. ગઇકાલે મતદાનમાં કુલ ર૧ મતદારો હતા. તેમાંથી ર૦ મતો પડયા હતા. ગૃપ-પ માં કોઠારીયા મંડળીના મતદાર શૈલેષ પરસાણાએ મતદાન કર્યુ ન હતું.
આજે સવારે ૯ વાગ્યે ગણત્રી શરૂ થઇ અને માત્ર ૧૦ મીનીટમાં શાંતિપુર્ણ રીતે મતગણત્રી પુરી થતા ગૃપ-૧ માં નીતીનભાઇ ચોવટીયા, ગૃપ-૩ માં વિજયભાઇ સખીયા, બાબુભાઇ નસીત, ગૃપ -૬ માં નીતીનભાઇ રૈયાણી (ટાઇ થતા વિજેતા અને ગૃપ-૧૦ માં મહેશભાઇ આસોદરીયાનો ભવ્ય વિજય થયો હતો.
સીટી પ્રાંત-ર શ્રી ચાવડાએ ‘અકિલા' ને માહિતી આપતા જણાવેલ કે કુવાડવા બેઠક ઉપર અરવિંદ રૈયાણીને-૧, અને નીતિન ચોવટીયાને-૩ મતો મળ્યા હતા. માધાપર બેઠક ઉપર પૃથ્વીસિંહ જાડેજા (ઘોઘુભા)ને-૧, અને વિજયભાઇ સખીયાને-૪ મતો મળ્યા છે. ખોખડદળ બેઠક ઉપર હરજીભાઇ પીપળીયાને-૧, અને બાબુભાઇ નસીતને-ર મતો મળ્યા છે. ત્રંબા બેઠક ઉપર ટાઇ થઇ હતી. અનીરૂધ્ધસિંહ જાડેજાને-ર, અને નિતિનભાઇ રૈયાણીને-ર મતો મળ્યા હતા. બન્નેને સરખા મતો મળતા ચિઠ્ઠી નખાઇ હતી, જેમાં નીતિન રૈયાણીનું નામ નીકળતા તેઓ વિજેતા જાહેર થયા હતા. જયારે હલેન્ડા બેઠક ઉપર મહેશભાઇ આસોદરીયાએ સપાટો સર્જી દિધો હતો. કુલ ૪ મતમાંથી તેઓ તમામ ૪ મત મેળવી ગયા હતા. ધીરૂભાઇ રોકડને ૧ પણ મત મળ્યો ન હતો. કુલ પાંચ ગ્રુપ ૧, ૩, પ, ૬ અને ૧૦ માં ઉમેદવારો વચ્ચે જંગ હતો. ખાસ કરીને એક વખતના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી શ્રી અરવિંદભાઇ રૈયાણીને માત્ર-૧ મત મળ્યો અને તેમને હારની કારમી પછડાટ મળી છે. તેમની સામે લડી રહેલા નીતિન ચોવટીયાનો ભવ્ય વિજય થયો છે.
મતગણત્રી પુર્ણ થઇ છે, હવે રાજકોટ લોધીકા સંઘના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણુંક-ચૂંટણી અંગે કાર્યવાહી થશે.
વિજેતા ઉમેદવારોમાં નીતિન ચોવટીયાને-૩, વિજય સખીયાને-૪, બાબુ નસીતને-ર, નીતિન રૈયાણીને-ર અને મહેસ આસોદરીયાને-૪ મત મળ્યા છે. ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા જુથના ૪ ઉમેદવારો વિજેતા જાહેર થયા છે.
સહકારી રાજકારણમાં ભાજપના મેન્ડેટનો ફિયાસ્કો કેમ ? ગુજરાતમાં ભાજપના નેતાઓ પક્ષ સામે જ પડી રહ્યા છે?
અમદાવાદ તા.૯: ગુજરાતના રાજકારણમાં મૂળભૂત રીતે રાજ્યકક્ષાનું રાજકારણ અને સ્થાનિક કક્ષાનું સહકારી રાજકારણ કાયમ અલગ જ રહ્યું છે. સહકારી ક્ષેત્રમાં પક્ષીય વિચારધારા કરતાં પરસ્પર સહયોગ અને સ્થાનિક પ્રભુત્વ વધુ મહત્ત્વ ધરાવે છે. પરંતુ તાજેતરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સહકારી સંસ્થાઓની ચૂંટણીઓમાં મેન્ડેટ (પક્ષનો સત્તાવાર આદેશ) પ્રથા લાગુ કરવામાં આવતા, સહકાર ક્ષેત્રમાં તેનો વિરોધ હવે ચરમસીમાએ પહોંચ્યો છે.
સહકાર ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આપવામાં આવતા મેન્ડેડનો વિરોધ હાલ ચરમસીમાએ પહોંચ્યો છે. પ્રદેશ કક્ષાએથી ઉમેદવારો માટે મેન્ડેડ જાહેર કરવામાં આવ્યો હોવા છતાં, સ્થાનિક સ્તરે ભાજપના જ આગેવાનો અને નેતાઓએ આ નિર્ણય સામે બળવો પોકારીને પોતાની ઉમેદવારી નોંધાવી છે. ભાજપની આ મેન્ડેડ પ્રથાના કારણે પાર્ટીએ અનેક સહકારી સંસ્થાઓમાં આંતરિક વિરોધ અને બળવાનો સામનો કરવો પડ્યો છે. આ વિવાદોના પરિણામે કેટલીક સહકારી સંસ્થાઓની ચૂંટણીઓ રદ કરવાની પણ ફરજ પડી છે, જ્યારે કેટલીક એપીએમસી (APMC) માં સ્થિતિ સંભાળવા પ્રદેશ કક્ષાના સિનિયર નેતાઓએ સામે ચાલીને ડેમેજ કંટ્રોલ કરવું પડ્યું હતું. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે મેન્ડેડ આપવાની આવી જ જીદના પગલે પાર્ટીએ બારડોલી સુગર મીલની સત્તા ગુમાવવી પડી છે, જ્યારે ઉમેદવારો અંગે મેન્ડેડ નક્કી ન થઈ શકવાને કારણે કેટલીક એપીએમસી અને સુમુલ ડેરીની ચૂંટણીઓ પણ અટકી પડી છે. તેમ જી ન્યુઝનો અહેવાલ જણાવે છે.
છેલ્લા કેટલાક સમયથી જોવા મળી રહ્યું છે કે અનેક સહકારી સંસ્થાઓમાં મેન્ડેટની વિરુદ્ધ ભાજપના જ આગેવાનો ખુલ્લો બળવો કરી રહ્યા છે. પક્ષના શિસ્તની વાતો વચ્ચે, પ્રદેશ કક્ષાએથી સત્તાવાર રીતે મેન્ડેટ આપવામાં આવ્યો હોવા છતાં, સ્થાનિક નેતાઓ તેની ખુલ્લેઆમ અવગણના કરીને પોતાની સ્વતંત્ર ઉમેદવારી નોંધાવી રહ્યા છે. ભાજપને આ મેન્ડેટ પ્રથાના આગ્રહને કારણે અનેક નાની-મોટી સહકારી સંસ્થાઓમાં પોતાના જ કાર્યકરો અને નેતાઓના બળવાનો સામનો કરવો પડી રહ્યો છે.
આંતરિક ખેંચતાણ અને બળવાની પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે કેટલીક સહકારી સંસ્થાઓમાં તો ચૂંટણીઓ રદ કરવાની ફરજ પડી છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ (એપીએમસી) માં વિખવાદ વધતા પ્રદેશ કક્ષાના મોટા નેતાઓએ દોડી જઈને ડેમેજ કંટ્રોલ કરવું પડ્યું હતું. એટલું જ નહીં, કેટલાક એપીએમસી અને દક્ષિણ ગુજરાતની પ્રતિષ્ઠિત સુમુલ ડેરી જેવી સંસ્થાઓની ચૂંટણીઓ પણ મેન્ડેટ નક્કી ન થવાના કારણે લાંબા સમય સુધી અટકી પડી હોવાની ઘટનાઓ બની છે.
રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા જોર પકડી રહી છે કે પક્ષ દ્વારા મેન્ડેટ આપવાની જીદના પગલે જ બારડોલી સુગર મિલમાં ભાજપે સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત, જો ભવિષ્યની જગ્યાએ ભૂતકાળ પર નજર કરીએ તો, ઇફકો (IFFCO) ની રાષ્ટ્રીય કક્ષાની ચૂંટણીમાં પણ પક્ષના મેન્ડેટ છતાં બીપીન ગોતાની જયેશ રાદડિયા સામે કારમી હાર થઈ હતી. હાલમાં જ રાજકોટ લોધિકા (રાલો) સંઘના વર્તમાન પરિણામોમાં પણ મેન્ડેટની સામે જયેશ રાદડિયાનો જબરદસ્ત દમ જોવા મળ્યો હતો, જે સાબિત કરે છે કે સહકારી ક્ષેત્રમાં વ્યક્તિગત વર્ચસ્વ મેન્ડેટ પર ભારે પડી રહ્યું છે.
લોકમુખે એવી ચર્ચા ચાલી રહી છે કે મેન્ડેટ પ્રથાને કારણે ભાજપના નેતાઓને સ્થાનિક કક્ષાના 'પરસ્પરના સહયોગ'ના રાજકારણથી વિરુદ્ધ જવાનો વારો આવ્યો છે. સહકારી ક્ષેત્ર વર્ષોથી એકબીજાના ટેકાથી ચાલતું ક્ષેત્ર છે, પરંતુ મેન્ડેટથી આ પરંપરા તૂટી રહી છે. આ જ કારણોસર ભાજપના જ નેતાઓ પોતાના પક્ષના મેન્ડેટ સામે પડી રહ્યા છે. મેન્ડેટ સામે ઉમેદવારી કરવા પાછળનું મુખ્ય કારણ એ છે કે સ્થાનિક નેતાઓ પોતાની પકડ અને વર્ચસ્વ કોઈપણ ભોગે ગુમાવવા માંગતા નથી, માટે તેઓ પોતાના રાજકીય અસ્તિત્વને ટકાવી રાખવા પક્ષ સામે જંગે ચડી રહ્યા છે.
(3:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
