તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd August 2026
અમેરિકન જેલમાંથી નિકોલસ માદુરોનો નવો મેસેજ વાયરલ: વેનેઝુએલામાં 'સંવાદના કોઈપણ માર્ગ'નું સ્વાગત કર્યું, રાજકીય સંક્રમણની વાટાઘાટો પહેલા શાંતિ અને સમાધાનની અપીલ
ન્યૂ યોર્કની જેલમાં બંધ પૂર્વ રાષ્ટ્રપતિએ ટેલિગ્રામ દ્વારા મોકલ્યો સંદેશ: વિપક્ષ અને વચગાળાની સરકાર વચ્ચે યુએસ-સમર્થિત બેઠક પહેલા સંવાદ, સન્માન અને સમાવેશની પદભ્રષ્ટ નેતાએ રજૂ કરી હિમાયત.

કારાકાસ: વેનેઝુએલાના જેલમાં બંધ પૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ અમેરિકન જેલમાંથી એક ખાસ સંદેશ મોકલીને દેશમાં "સંવાદના કોઈપણ માર્ગ" નું સ્વાગત કર્યું છે. લેટિન અમેરિકન દેશ વેનેઝુએલામાં વચગાળાના સેટ-અપમાંથી નવી રાજકીય વ્યવસ્થા તરફ સંક્રમણની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે આવતા અઠવાડિયે કારાકાસ ખાતે યુએસ-સમર્થિત વચગાળાની સરકાર અને વિપક્ષી નેતાઓ વચ્ચે મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. તે પહેલા માદુરોનો આ સંદેશ સામે આવતા વૈશ્વિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
ઉલ્લેખનીય છે કે ૩ જાન્યુઆરીના રોજ એક અમેરિકી લશ્કરી દરોડા દરમિયાન માદુરો અને તેમના પત્ની સિલિયા ફ્લોરેસની ધરપકડ કરવામાં આવી હતી. આ દંપતી હાલમાં ન્યૂ યોર્કના અટકાયત કેન્દ્રમાં ડ્રગ્સ અને હથિયારોની હેરફેરના ગંભીર આરોપો હેઠળ ટ્રાયલની રાહ જોઈ રહ્યું છે. પદભ્રષ્ટ રાષ્ટ્રપતિના અધિકૃત ટેલિગ્રામ એકાઉન્ટ પર મોકલાયેલા સંદેશમાં જણાવવામાં આવ્યું છે કે, "અમે એવા તમામ સંવાદનું સ્વાગત કરીએ છીએ જે વેનેઝુએલાના લોકોમાં શાંતિ, સહઅસ્તિત્વ અને સમાધાનને મજબૂત બનાવે. રાષ્ટ્રીય પુનરુજ્જીવન માટે દરેક માટે સન્માન અને સમાવેશ જરૂરી છે."
અમેરિકી ફેડરલ કોર્ટમાં કેસ લડી રહેલા માદુરોએ જેલની કોટડીમાંથી આ સંદેશ કેવી રીતે મોકલ્યો તે સ્પષ્ટ થયું નથી, પરંતુ તેઓ પોતાના વકીલો સાથે સતત સંપર્કમાં છે. તેમના સાંસદ પુત્ર નિકોલસ માદુરો ગુએરાએ પણ આ મેસેજ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. માદુરોની હકાલપટ્ટી બાદ વોશિંગ્ટનના દબાણ હેઠળ હાલ ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝ વચગાળાનું શાસન સંભાળી રહ્યા છે. હવે રાષ્ટ્રીય સભાના વડા જોર્જ રોડ્રિગ્ઝ અને વિપક્ષી નેતા દિનોરાહ ફિગુએરા વચ્ચે ટેલિફોનિક ચર્ચા બાદ રૂબરૂ સંક્રમણ વાટાઘાટો અને ભવિષ્યની ચૂંટણીઓના સમયપત્રક અંગે સંમતિ સાધવામાં આવી રહી છે.
(8:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
