<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th October 2026

JMB ની શાખા 'ઇમામ મહમૂદ કાફિલા' ના આતંકવાદી કાવતરા સામે NIA ની મોટી કાર્યવાહી: પશ્ચિમ બંગાળમાંથી વધુ એક આતંકીની ધરપકડ

ભારત વિરોધી પ્રચાર, યુવાનોનું બ્રેઇનવોશિંગ અને દેશવિરોધી નેટવર્ક ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ : દરોડા દરમિયાન મોબાઇલ અને મેમરી કાર્ડ સહિત ડિજિટલ સાહિત્ય જપ્ત

કોલકાતા :   બાંગ્લાદેશ સ્થિત પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશ (JMB) ની શાખા દ્વારા ભારતમાં આચરવામાં આવી રહેલા મોટા આતંકવાદી કાવતરાનો પર્દાફાશ કરતા રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ પશ્ચિમ બંગાળમાંથી વધુ એક સક્રિય આરોપીની ધરપકડ કરી છે. ગુપ્ત બાતમીના આધારે પાડવામાં આવેલા દરોડા દરમિયાન ધરપકડ કરાયેલા આ આરોપી પાસેથી મોબાઇલ ફોન, મેમરી કાર્ડ સહિત અનેક મહત્વપૂર્ણ ડિજિટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા છે, જેની ટેકનિકલ તપાસ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ પશ્ચિમ બંગાળ, આસામ અને કેરળના ૧૬ સ્થળોએ હાથ ધરાયેલા વ્યાપક સર્ચ ઓપરેશન દરમિયાન ૧૩ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલાં ૨૫ જૂન, ૨૦૨૬ ના રોજ NIA એ ગુવાહાટીની સ્પેશિયલ NIA કોર્ટમાં ૧૧ આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતા  અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA), ૧૯૬૭ ની ગંભીર કલમો હેઠળ ચાર્જશીટ દાખલ કરી હતી. તપાસમાં સામે આવ્યું છે કે આ તમામ આરોપીઓ JMB ના વરિષ્ઠ સભ્ય ઇમામ મહમૂદ હબીબુલ્લાહ દ્વારા ગઠિત પેટા-સંગઠન 'ઇમામ મહમૂદ કાફિલા' (IMK) સાથે સીધા જોડાયેલા હતા, જેનો મુખ્ય હેતુ પશ્ચિમ બંગાળ અને ઉત્તર-પૂર્વના રાજ્યોમાં ઉગ્રવાદી વિચારધારા ફેલાવી આતંકી નેટવર્કનો વિસ્તાર કરવાનો હતો.

NIA ના અધિકારીઓના જણાવ્યા મુજબ, IMK નો મુખ્ય એજન્ડા સંવેદનશીલ યુવાનોને કટ્ટરવાદી બનાવીને સંગઠનમાં ભરતી કરવાનો હતો. આરોપીઓ ગુપ્ત બેઠકો, ધાર્મિક ઉગ્રવાદી કાર્યક્રમો, કટ્ટરવાદી સાહિત્યના વિતરણ અને ટેલિગ્રામ જેવા એન્ક્રિપ્ટેડ ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ભારત વિરોધી પ્રચાર ચલાવતા હતા. આ નેટવર્ક દ્વારા દેશની એકતા અને અખંડિતતા સામે જોખમ ઊભું કરવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું હતું. હાલમાં NIA દ્વારા આ કેસમાં ઊંડાણપૂર્વકની વધુ તપાસ ચાલુ રાખવામાં આવી છે.

(10:23 PM IST)