<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

૨૦૧૩ ના બહુચર્ચિત ઝીરામ ખીણ નરસંહારમાં એનઆઈએ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: તમામ ૧૦ દોષિતોને મૃત્યુદંડની સજા

કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સહિત ૨૯ લોકોની હત્યા કરનાર નક્સલીઓને ફાંસી: આઈપીસી અને યુએપીએ ની કડક કલમો હેઠળ આકરી સજા જાહેર

જગદલપુર:  છત્તીસગઢના ચર્ચિત અને દેશભરને હચમચાવી મુકનાર ૨૦૧૩ ના ઝીરામ ખીણ માઓવાદી હુમલા કેસમાં જગદલપુરની વિશેષ એનઆઈએ (NIA) કોર્ટે અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે આ કાયરતાપૂર્ણ નરસંહારમાં દોષિત ઠરેલા તમામ ૧૦ નક્સલીઓને મૃત્યુદંડ (ફાંસી) ની આકરી સજા ફટકારી છે. ૨૫ મે, ૨૦૧૩ ના રોજ બસ્તરની ઝીરામ ખીણમાં થયેલા આ ભયાનક હુમલામાં રાજ્યના ટોચના કોંગ્રેસ નેતૃત્વ સહિત ૨૯ લોકોના મોત નીપજ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ ટ્રાયલ કોર્ટે આ ૧૦ આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા અને સજાની માત્રા પર નિર્ણય અનામત રાખ્યો હતો. આ કેસમાં કોર્ટે આરોપીઓને ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૨૧, ૧૨૧(એ), ૧૨૨, ૩૪૧, ૩૦૨, ૩૦૭, ૩૯૬, ૩૯૭, ૪૨૭ અને ૧૨૦(બી); શસ્ત્ર અધિનિયમની કલમ ૨૫ અને ૨૭; વિસ્ફોટક પદાર્થ અધિનિયમની કલમ ૩, ૪ અને ૫; તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) ની કલમ ૧૬, ૧૮, ૨૦, ૩૮, ૩૯ અને ૪૦ હેઠળ દોષિત ઠેરવી આકરી સજા સંભળાવી છે.

આ સમગ્ર કેસ ૨૫ મે, ૨૦૧૩ ના રોજ છત્તીસગઢના બસ્તર જિલ્લાના દરભા વિસ્તારમાં નેશનલ હાઈવે-૨૨૧ પર આવેલી ઝીરામ ખીણમાંથી પસાર થઈ રહેલા કોંગ્રેસ પાર્ટીની "પરિવર્તન યાત્રા" ના કાફલા પર પ્રતિબંધિત સીપીઆઈ (માઓવાદી) ના સશસ્ત્ર કાર્યકરો દ્વારા કરાયેલા પૂર્વયોજિત હુમલા સાથે જોડાયેલો છે. હુમલાખોરોએ આઈઈડી (IED) વિસ્ફોટ, આડેધડ ગોળીબાર અને ગ્રેનેડથી હુમલો કરી સ્થળ પર જ ૨૪ નેતાઓ તથા સુરક્ષાકર્મીઓની નિર્મમ હત્યા કરી હતી, જ્યારે ૩૫ થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. બાદમાં ઘાયલો પૈકી વધુ ૩ લોકોના મોત થતાં કુલ મૃત્યુઆંક ૨૯ થયો હતો. મૃતકોમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિદ્યા ચરણ શુક્લા, મહેન્દ્ર કર્મા અને તત્કાલીન પ્રદેશ પ્રમુખ નંદકુમાર પટેલ સહિતના અગ્રણીઓ સામેલ હતા.

રાષ્ટ્રીય તપાસ એજન્સી એ તપાસ હાથ ધરીને ૨૫ સપ્ટેમ્બર, ૨૦૧૪ અને ૨૮ સપ્ટેમ્બર, ૨૦૧૫ ના રોજ કુલ ૩૯ આરોપીઓ સામે ચાર્જશીટ અને પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી. ૧૦૧ સાક્ષીઓની જુબાની અને સઘન તપાસ બાદ એનઆઈએ સાબિત કર્યું હતું કે સીપીઆઈ (માઓવાદી) ની સ્થાનિક કમિટીઓએ કોંગ્રેસના કાફલાને નિશાન બનાવી નેતાઓની હત્યા કરવાનું આતંકી કાવતરું રચ્યું હતું. હુમલા બાદ નક્સલીઓ સૈનિકો અને નેતાઓ પાસેથી શસ્ત્રો, વોકી-ટોકી અને મોબાઈલ ફોન પણ લૂંટી ગયા હતા. અદાલતના આ ચુકાદાથી પીડિત પરિવારોને ૧૩ વર્ષ બાદ આખરે ન્યાય મળ્યો છે.

(10:01 PM IST)