<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

નેશનલ હાઇવે પર અકસ્માત કે બ્રેકડાઉનની સ્થિતિમાં મળતી મફત ટોઇંગ સેવા અંગે NHAI એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કરી મોટી સ્પષ્ટતા : ક્રેન વાહનને માત્ર નજીકના ટોલ પ્લાઝા કે સલામત સ્થળ સુધી જ વિનામૂલ્યે ખસેડશે

આગળના રિપેરિંગ અને ટોઇંગનો ખર્ચ વાહનચાલકે જાતે ઉઠાવવો પડશે : ઓથોરિટીના જણાવ્યા અનુસાર, NHAI ની મફત ટોઇંગ સુવિધા વાહનને મિકેનિક કે સર્વિસ સેન્ટર સુધી લઈ જવા માટે નથી

નવી દિલ્હી:રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મુસાફરી કરતી વખતે જો તમારું વાહન અચાનક ખરાબ થઈ જાય કે અકસ્માતનો ભોગ બને, તો નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા  દ્વારા 24x7 ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર 1033 પર તાત્કાલિક મદદ અને ટોઇંગ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જોકે, આ સેવાને લઈને વાહનચાલકોમાં એવી મોટી ગેરસમજ પ્રવર્તે છે કે NHAI ની ક્રેન આવીને તેમના બગડેલા વાહનને સીધા નજીકના ગેરેજ, વર્કશોપ અથવા મિકેનિક સુધી મફતમાં પહોંચાડી દેશે. મુસાફરી દરમિયાન કોઈ મૂંઝવણ કે વિવાદ ઊભો ન થાય તે માટે NHAI એ પોતાના સત્તાવાર X એકાઉન્ટ પર આ નિયમની સ્પષ્ટતા કરી છે.

ઓથોરિટીના જણાવ્યા અનુસાર, NHAI ની મફત ટોઇંગ સુવિધા વાહનને મિકેનિક કે સર્વિસ સેન્ટર સુધી લઈ જવા માટે નથી, પરંતુ મુખ્ય હાઇવે પરથી ખરાબ થયેલા વાહનને હટાવીને નજીકના સલામત સ્થળ જેમ કે ટોલ પ્લાઝા અથવા ટ્રક લે-બાય સુધી પહોંચાડવા પૂરતી જ મર્યાદિત છે. હાઇવેની વચ્ચે બંધ પડેલા વાહનને કારણે પાછળથી પૂરઝડપે આવતા વાહનો સાથે ગંભીર અકસ્માત થવાનું જોખમ રહે છે અને લાંબો ટ્રાફિક જામ પણ સર્જાય છે, તેથી માર્ગ સલામતી અને સરળ ટ્રાફિક પ્રવાહ જાળવવા માટે આ સેવા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે.

એકવાર NHAI ની ક્રેન તમારા વાહનને મુખ્ય રસ્તા પરથી ખસેડીને નજીકના ટોલ પ્લાઝા કે સલામત સ્થળે મૂકી દે, ત્યારબાદ સત્તાધિકારીની મફત સેવા પૂર્ણ થઈ જાય છે. ત્યાંથી આગળ વાહનને વર્કશોપ, સર્વિસ સેન્ટર કે ઘરે લઈ જવાની સંપૂર્ણ જવાબદારી વાહન માલિક અથવા ડ્રાઇવરની રહેશે, જેના માટે તમારે ખાનગી ટોઇંગની વ્યવસ્થા કરવી પડશે અને તેનો ખર્ચ પણ જાતે જ ઉઠાવવો પડશે.

(8:14 PM IST)