<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th November 2026

હાઇવે પર રખડતા પશુઓ હટાવવા મુદ્દે NHAI એ હાથ ઊંચા કર્યા: 'અમારી પાસે ન તો સત્તા છે, ન તો 5,000 કરોડનું બજેટ' : સુપ્રીમ કોર્ટે CSR ફંડ વાપરવાની સલાહ આપી

દેશભરના 1.46 લાખ કિલોમીટર લાંબા નેશનલ હાઇવે પર પશુ આશ્રયસ્થાનો બનાવવા અને ઘાસચારાની વ્યવસ્થા કરવા પાછળ 5,000 કરોડથી વધુનો ખર્ચ થવાનો અંદાજ : ટોલ આવકનો ઉપયોગ માત્ર રસ્તાના નિર્માણ અને જાળવણી માટે જ થઈ શકે તેવી સોલિસિટર જનરલ તુષાર મહેતાની કોર્ટમાં દલીલ

નવી દિલ્હી : દેશભરના નેશનલ હાઇવે પર રખડતા ઢોર અને પશુઓને કારણે થતા જીવલેણ માર્ગ અકસ્માતોના ગંભીર મુદ્દે ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રાધિકરણે સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટ શબ્દોમાં હાથ ઊંચા કરી દીધા છે. NHAI એ કોર્ટને જણાવ્યું છે કે હાઇવે પરથી રખડતા પશુઓને હટાવવા કે ટોલ પ્લાઝા નજીક તેમના માટે આશ્રયસ્થાનો બનાવવા માટે તેમની પાસે ન તો કોઈ કાયદાકીય સત્તા છે, ન તો પૂરતું બજેટ. સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે દેશના અંદાજે 1.46 લાખ કિલોમીટર લાંબા હાઇવે નેટવર્ક પર જમીન સંપાદન કરવા, આશ્રયસ્થાનો ઊભા કરવા તેમજ પશુઓ માટે ઘાસચારો અને પાણીની વ્યવસ્થા કરવા પાછળ 5,000 કરોડ રૂપિયાથી પણ વધુનો તોતિંગ ખર્ચ થઈ શકે તેમ છે.

ઓથોરિટીએ પોતાનો પક્ષ રજૂ કરતા સ્પષ્ટ કર્યું હતું કે તેમનું મુખ્ય કાર્ય રસ્તાઓનું નિર્માણ અને જાળવણી કરવાનું છે, અને ટોલ પ્લાઝા પરથી થતી આવકનો ઉપયોગ પણ આ જ કામો અને દેવાની ચુકવણી માટે થાય છે. પશુઓને પકડવા, તેમની સારવાર કરવી અને આશ્રય આપવા માટે ખાસ પ્રકારના તાલીમબદ્ધ સ્ટાફ અને માળખાગત સુવિધાઓની જરૂર પડે છે, જે NHAI ના કાર્યક્ષેત્રની બહાર છે. બંધારણીય અને કાયદાકીય માળખા મુજબ, રખડતા પશુઓ પર નિયંત્રણ રાખવાની પ્રાથમિક જવાબદારી સ્થાનિક મ્યુનિસિપલ સંસ્થાઓ, જિલ્લા વહીવટીતંત્ર અને રાજ્ય સરકારોની હોવાનું જણાવી NHAI એ આ જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો હતો.

બીજી તરફ, જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ સંદીપ મહેતા અને જસ્ટિસ એન.વી. અંજારિયાની ખંડપીઠે હાઇવે પર રખડતા પશુઓના કારણે થતા માનવ મૃત્યુ અને અકસ્માતો અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે NHAI ની ભંડોળના અભાવની દલીલને ફગાવતા ટકોર કરી હતી કે ઓથોરિટી આ લોકહિતના કાર્ય માટે પોતાના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) ફંડનો ઉપયોગ કરવા અંગે વિચારી શકે છે. ઉલ્લેખનીય છે કે, નવેમ્બર 2025 માં સુપ્રીમ કોર્ટે વધતા અકસ્માતો અને રખડતા કૂતરા-ઢોરના ત્રાસને ધ્યાનમાં રાખીને તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને NHAI ને હાઇવે પરથી પશુઓને હટાવી આશ્રયસ્થાનોમાં ખસેડવાનો આદેશ આપ્યો હતો, જેના અનુસંધાને હવે આગામી દિવસોમાં રાજ્ય સરકારો અને કેન્દ્ર વચ્ચે જવાબદારીની વહેંચણી મુદ્દે વધુ મહત્વપૂર્ણ નિર્દેશો આવી શકે છે.

(10:41 PM IST)