તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th April 2026
ન્યૂયોર્ક સબવેમાં ખૌફનાક લોહીયાળ ખેલ: હુમલાખોરનો ખાતમો
ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશન પર છરી વડે નિર્દોષ મુસાફરો પર તૂટી પડ્યો શખ્સ, પોલીસે એન્કાઉન્ટરમાં હુમલાખોરને ઢેર કરીને મોટી હોનારત ટાળી, મેટ્રો રેલવે સેવામાં ભારે દોડધામ

ન્યૂ યોર્ક : અમેરિકાના સૌથી વ્યસ્ત ગણાતા ન્યૂ યોર્ક શહેરના સબવે સ્ટેશન પર શનિવારે સવારે લોહીયાળ જંગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. સવારના અંદાજે 9:40 વાગ્યે જ્યારે મુસાફરોની અવરજવર ફૂલ હતી, ત્યારે 42મી સ્ટ્રીટ સ્થિત ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશન પર એક માથાભારે શખ્સે અચાનક હાથમાં રહેલી છરી વડે મુસાફરો પર હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું. આ આંધળાધૂંધ હુમલામાં બે પુરુષો અને એક મહિલા ગંભીર રીતે ઘાયલ થયા હતા. સ્ટેશન પર અચાનક બનેલી આ ઘટનાથી મુસાફરોમાં નાસભાગ મચી ગઈ હતી અને લોકો જીવ બચાવવા માટે સુરક્ષિત જગ્યાએ ભાગવા લાગ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ ન્યૂ યોર્ક પોલીસ વિભાગ (NYPD) ના જવાનો તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયા હતા. સ્થળ પર પહોંચેલી પોલીસે જ્યારે હુમલાખોરને સરેન્ડર થવા ચેતવણી આપી, ત્યારે પણ તે કાબૂ બહાર જણાતો હતો. પરિસ્થિતિ વણસતી જોઈ પોલીસે સ્વબચાવમાં અને અન્ય મુસાફરોની સુરક્ષા માટે હુમલાખોર પર ફાયરિંગ કર્યું હતું. ગોળી વાગવાને કારણે હુમલાખોર ગંભીર રીતે ઘાયલ થયો હતો અને બાદમાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસે હુમલા પાછળનો હેતુ જાણવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ ભયાનક ઘટના બાદ સ્ટેશન પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો, જેને પગલે મેટ્રો ટ્રેનોની અવરજવર પર આંશિક રોક લગાવી દેવામાં આવી હતી. ગવર્નર કેથી હોચુલ અને સ્થાનિક અધિકારીઓએ પોલીસની બહાદુરીના વખાણ કર્યા છે અને જણાવ્યું છે કે સુરક્ષા દળોના ત્વરિત પ્રતિભાવને કારણે મોટી જાનહાનિ ટળી છે. હાલમાં ત્રણેય ઘાયલ પીડિતો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે સ્ટેશનના સીસીટીવી ફૂટેજ અને બોડી કેમેરા ફૂટેજ કબજે કરીને સમગ્ર મામલાની આંતરિક તપાસ શરૂ કરી છે.
(12:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
