તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 16th May 2026
ન્યૂ યોર્ક સ્તબ્ધ: ઉત્તર અમેરિકાની સૌથી મોટી રેલવે લાઇન પર 'બ્રેક' : લાખો મુસાફરો રઝળ્યા!
વેતન અને સ્વાસ્થ્ય સુવિધાઓના મુદ્દે LIRR યુનિયનની ૩૦ વર્ષમાં પહેલી સૌથી મોટી હડતાળ : મેનહટનથી લોંગ આઇલેન્ડ સુધીનો રફ્તાર થંભી ગયો

ન્યૂ યોર્ક: અમેરિકાનું આર્થિક કેન્દ્ર ગણાતું ન્યૂ યોર્ક શહેર અત્યારે એક મોટી પરિવહન કટોકટીનો સામનો કરી રહ્યું છે. ઉત્તર અમેરિકાની સૌથી વ્યસ્ત ગણાતી 'લોંગ આઇલેન્ડ રેલ રોડ' (LIRR) ના ૩,૫૦૦ થી વધુ કામદારોએ શનિવાર મધ્યરાત્રિથી કામકાજ ઠપ્પ કરી દીધું છે. ૩૦ વર્ષના લાંબા ગાળા બાદ પહેલીવાર આ સ્તરે હડતાળ પડતા પેન સ્ટેશન જેવા અત્યંત ધમધમતા રેલવે સ્ટેશનો પર સન્નાટો છવાઈ ગયો છે. આ હડતાળને કારણે દરરોજ મુસાફરી કરતા અંદાજે ૩ લાખ લોકો પરેશાનીમાં મુકાયા છે, જેઓ પોતાની રોજીરોટી અને કામકાજ માટે સંપૂર્ણપણે આ ટ્રેન નેટવર્ક પર નિર્ભર હતા.
આ વિવાદનું મુખ્ય કારણ પગાર વધારો અને મોંઘવારી છે. કામદાર યુનિયનોનું કહેવું છે કે છેલ્લા ત્રણ વર્ષમાં ફુગાવો આસમાને પહોંચ્યો છે, જેની સામે મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટી (MTA) દ્વારા આપવામાં આવતો પગાર વધારો પૂરતો નથી. યુનિયન ૫% વધારાની માંગ પર અડગ છે, જ્યારે વહીવટીતંત્ર ૩% થી વધુ આપવા તૈયાર નથી. ગવર્નર કેથી હોચુલ અને ટ્રમ્પ વહીવટીતંત્ર વચ્ચે આ મુદ્દે આરોપ-પ્રત્યારોપ શરૂ થયા છે, પરંતુ આ રાજકીય ખેંચતાણની વચ્ચે સામાન્ય મુસાફરો રસ્તાઓ પર ટ્રાફિક જામમાં ફસાયા છે. MTA એ વૈકલ્પિક વ્યવસ્થા તરીકે શટલ બસો દોડાવી છે, પરંતુ ટ્રેનની ક્ષમતા સામે તે દરિયામાં ટીપા સમાન સાબિત થઈ રહી છે.
વહીવટી તંત્રે લોકોને શક્ય હોય ત્યાં સુધી 'વર્ક ફ્રોમ હોમ' કરવાની સલાહ આપી છે, કારણ કે ટ્રેનો બંધ થવાને કારણે રસ્તાઓ પર વાહનોનું ભારણ અસહ્ય વધી ગયું છે. જો આ હડતાળ વધુ લાંબી ચાલશે, તો ન્યૂ યોર્કની અર્થવ્યવસ્થાને કરોડો ડોલરનું નુકસાન થવાની ભીતિ છે. લોકોમોટિવ એન્જિનિયરો અને સિગ્નલમેન સહિતના પાંચ મોટા યુનિયનોએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી વાજબી કરાર નહીં થાય ત્યાં સુધી તેઓ પાટા પર પરત ફરશે નહીં. હવે જોવાનું એ રહેશે કે ગવર્નરની આગામી ચૂંટણીના દબાણ હેઠળ સરકાર કોઈ મધ્યમ માર્ગ કાઢે છે કે પછી મુસાફરોએ હજુ વધુ દિવસો સુધી આ હાલાકી ભોગવવી પડશે.
(10:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
