News of Sunday, 4th October 2026
અમેરિકાનો નવો 'વિઝા બોન્ડ' કાયદો: ૫૦ દેશોના મુસાફરો માટે ડિપોઝિટ ફરજિયાત : ભારતને મળી મોટી રાહત
'વિઝા ઓવરસ્ટે' અને ગેરકાયદે રોકાણ અટકાવવા યુએસ સરકારે $૧૦,૦૦૦ થી $૨૦,૦૦૦ સુધીનો સુરક્ષા બોન્ડ લાદ્યો : બાંગ્લાદેશ, નેપાળ અને ભૂટાન જેવા પડોશી દેશો લિસ્ટમાં હોવા છતાં ભારતીયોનો શ્રેષ્ઠ વિઝા રેકોર્ડ રંગ લાવ્યો

નવી દિલ્હી : અમેરિકાની મુલાકાતે જતા પ્રવાસીઓ અને વ્યવસાયિક મુસાફરો માટે યુએસ સરકારે વિઝા નિયમોમાં મોટો અને કડક ફેરફાર કર્યો છે. વિશ્વના ૫૦ દેશોના નાગરિકો માટે હવેથી 'યુએસ વિઝા બોન્ડ' ભરવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે. વિઝા મેળવ્યા બાદ નક્કી કરેલી સમયમર્યાદા પૂરી થયા પછી પણ ગેરકાયદેસર રીતે અમેરિકામાં રોકાઈ જતા (ઓવરસ્ટે) મુસાફરો પર લગામ કસવા માટે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટે આ નિર્ણય લીધો છે. આ નવા કાયદા હેઠળ B1 (બિઝનેસ) અને B2 (ટૂરિસ્ટ) વિઝા મેળવનારાઓએ મુસાફરી પહેલાં $૧૦,૦૦૦ થી લઈને $૨૦,૦૦૦ (આશરે રૂ. ૮.૫ લાખથી રૂ. ૧૭ લાખ) સુધીની માતબર રકમ સુરક્ષા ડિપોઝિટ તરીકે જમા કરાવવી પડશે.
વિઝા બોન્ડ મૂળભૂત રીતે એક નાણાકીય ગેરંટી છે, જે યુએસ કોન્સ્યુલર અધિકારીઓ દ્વારા અરજદારના ઈન્ટરવ્યુ આધારે નક્કી કરવામાં આવશે. આ રકમ ઉમેદવારે DHS ફોર્મ I-352 ભરીને યુએસ ટ્રેઝરીના સત્તાવાર પોર્ટલ Pay.gov પર જમા કરવાની રહેશે. જો મુસાફર વિઝાની શરતો મુજબ સમયસર પોતાના દેશ પરત ફરી જશે, તો આ સમગ્ર રકમ યુએસ ડોલરમાં તેમને પાછી મળી જશે. પરંતુ, જો કોઈ નાગરિક ઓવરસ્ટે કરશે કે વિઝાના નિયમોનો ભંગ કરશે, તો તેની સંપૂર્ણ ડિપોઝિટ જપ્ત કરી લેવાશે. આ ઉપરાંત, બોન્ડ હેઠળ આવરી લેવાયેલા મુસાફરોને માત્ર કોમર્શિયલ ફ્લાઇટ્સ દ્વારા જ પ્રવેશ અને એક્ઝિટ મળશે; તેમને ચાર્ટર પ્લેન કે જમીની સરહદોથી મુસાફરી કરવાની મંજૂરી મળશે નહીં.
ભારતીય મુસાફરો માટે સૌથી રાહતના સમાચાર એ છે કે ભારતને આ કડક વિઝા બોન્ડ પ્રક્રિયામાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીના આંકડા મુજબ, ભારતીયોનો વિઝા નિયમો પાળવાનો અને સમયસર પરત ફરવાનો રેકોર્ડ અત્યંત ઉત્કૃષ્ટ રહ્યો છે. જોકે, ભારતના પડોશી દેશો જેવા કે બાંગ્લાદેશ, નેપાળ અને ભૂટાન ઉપરાંત નાઇજીરીયા, ક્યુબા અને વેનેઝુએલા જેવા ૫૦ દેશો આ બોન્ડની કડક યાદીમાં આવી ગયા છે. ભારતને મળેલી આ છૂટછાટના કારણે અમેરિકા જતા ભારતીય વિદ્યાર્થીઓ, ઉદ્યોગપતિઓ અને પ્રવાસીઓ પર કોઈ પણ પ્રકારનો વધારાનો નાણાકીય બોજ પડશે નહીં અને તેઓ સામાન્ય વિઝા ફી ભરીને પોતાની મુસાફરી ચાલુ રાખી શકશે.
(5:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
