News of Monday, 20th April 2026
વાયરલ ગર્લ મોનાલીસા કેસમાં નવો વળાંક :સગર્ભા હોવાથી અને હાઈકોર્ટનો ધરપકડ પર સ્ટે હોવાથી પોલીસ ખાલી હાથે પરત ફરી
પિતાના સગીર વયના દાવા અને પોક્સો એક્ટ હેઠળની આ તપાસ હવે કાયદાકીય જંગમાં ફેરવાઈ

પ્રયાગરાજ કુંભ મેળા દરમિયાન સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી જોડી મોનાલિસા ભોંસલે અને તેના પતિ મોહમ્મદ ફરમાનને કસ્ટડીમાં લેવા કેરળ પહોંચેલી મધ્ય પ્રદેશ પોલીસની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ફરમાને પોલીસને જણાવ્યું છે કે મોનાલિસા અત્યારે ગર્ભવતી છે, જેના કારણે તે મુસાફરી કરવા કે પોલીસ સમક્ષ હાજર થવા અસમર્થ છે. આ ચોંકાવનારી વિગત સામે આવ્યા બાદ 5 સભ્યોની પોલીસ ટીમ હાલ મધ્ય પ્રદેશ પરત ફરી છે.
આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે મોનાલિસાના પિતાએ મધ્ય પ્રદેશના મહેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે તેમની પુત્રીની ઉંમર માત્ર 16 વર્ષ છે અને તેનું અપહારણ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ (NCST) ની તપાસમાં પણ મોનાલિસા સગીર હોવાનું સામે આવ્યું હતું, જેના આધારે ફરમાન વિરુદ્ધ પોક્સો એક્ટ (POCSO Act) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જોકે, મોનાલિસાનો દાવો છે કે તે 18 વર્ષની પુખ્ત વયની છે અને તેણે પોતાની મરજીથી 11 માર્ચે તિરુવનંતપુરમના મંદિરમાં લગ્ન કર્યા છે
એમપી પોલીસ જ્યારે કેરળના કોચ્ચિ પહોંચી, ત્યારે મોનાલિસાએ કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયન અને પોલીસ કમિશનરને સુરક્ષા માટે પત્ર લખ્યો હતો. તેણે આક્ષેપ કર્યો હતો કે તેને પરાણે મધ્ય પ્રદેશ લઈ જવાનો પ્રયાસ થઈ શકે છે. દરમિયાન, કેરળ હાઈકોર્ટે પણ આ મામલે હસ્તક્ષેપ કરતા ફરમાન વિરુદ્ધના ધરપકડ વોરંટ પર 20 મે સુધી સ્ટે આપી દીધો છે. પોલીસ હવે ફરમાનના તે મિત્ર જોશુઆની પણ શોધ કરી રહી છે જેણે આ જોડીને આશરો આપવામાં મદદ કરી હતી. .
(11:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
