News of Thursday, 16th July 2026
તહલકા મેગેઝિનના સ્થાપક તરુણ તેજપાલ કેસમાં નવો વળાંક: હાઈકોર્ટમાં લિફ્ટના સીસીટીવી ફૂટેજ દર્શાવાયા, પીડિતાના નિવેદનો પર વકીલે ઉઠાવ્યા સવાલો
૨૦૧૩ના કથિત જાતીય હુમલા કેસમાં ગોવા બેન્ચ સમક્ષ અંતિમ દલીલો શરૂ; બચાવ પક્ષે દાવો કર્યો કે 'હોટલની લિફ્ટ કોઈને બંધક બનાવવા માટે નથી હોતી'

પણજી : વર્ષ ૨૦૧૩ના ચર્ચિત અને હાઈપ્રોફાઈલ જાતીય સતામણી કેસમાં તહલકા મેગેઝિનના સ્થાપક-સંપાદક તરુણ તેજપાલની મુક્તિ સામેની અપીલ પર બોમ્બે હાઈકોર્ટમાં એક નવો વળાંક આવ્યો છે. ગુરુવારે બોમ્બે હાઈકોર્ટની ગોવા બેન્ચ સમક્ષ સુનાવણી દરમિયાન, તરુણ તેજપાલના વકીલે પીડિતા દ્વારા આપવામાં આવેલા નિવેદનોમાં રહેલા ગંભીર "વિરોધાભાસો" પર સવાલો ઉઠાવીને સમગ્ર કેસને શંકાના દાયરામાં લાવી દીધો છે. ૨૦૨૧માં નીચલી અદાલતે તેજપાલને નિર્દોષ જાહેર કર્યા બાદ ગોવા સરકારે આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો છે, જેના પર હવે અંતિમ દલીલોનો દોર શરૂ થઈ ચૂક્યો છે.
કોર્ટરૂમમાં સીસીટીવી વીડિયો ચલાવાયો, નિવેદનો ખોટા હોવાનો દાવો
ન્યાયાધીશ ડૉ. નીલા ગોખલે અને ન્યાયાધીશ અમિત જામસાંડેકરની બનેલી ડિવિઝન બેન્ચ સમક્ષ ગુરુવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન, જે હોટલની લિફ્ટમાં ઘટના બની હોવાનો દાવો કરાયો છે, તેના સીસીટીવી ફૂટેજ (વિડિયો ક્લિપ્સ) કોર્ટ સમક્ષ ચલાવવામાં આવ્યા હતા. આ દ્રશ્યો બતાવીને તેજપાલ વતી હાજર રહેલા એડવોકેટ આબાદ પોંડાએ પીડિતાની પોલીસ ફરિયાદ અને કોર્ટમાં અપાયેલી જુબાની વચ્ચેનો મોટો તફાવત કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો.
'લિફ્ટ ફસાવવા માટે નહોતી', બચાવ પક્ષની ધારદાર દલીલો
બચાવ પક્ષના વકીલ આબાદ પોંડાએ અદાલત સમક્ષ પીડિતાના દાવાઓને નકારતા મુખ્ય મુદ્દાઓ રજૂ કર્યા હતા:
· લિફ્ટ ટ્રેપનો દાવો: પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે આરોપી લિફ્ટના બટનો સતત દબાવતો રહ્યો હતો જેથી લિફ્ટ ચાલુ સર્કિટમાં ફસાયેલી રહે અને તે બહાર ન નીકળી શકે. આ અંગે વકીલે જણાવ્યું કે હોટલના સુરક્ષા પ્રભારી અને લિફ્ટ નિષ્ણાતોની જુબાનીથી સાબિત થાય છે કે આ નિવેદન તદ્દન ખોટું છે, કારણ કે હોટલની લિફ્ટ કોઈને અંદર બંધક બનાવવા માટેની ટેકનોલોજી ધરાવતી નથી.
· ધક્કામુક્કી અને પીછો કરવાનો આરોપ: પીડિતાના મતે તેને લિફ્ટમાં પાછળ ખેંચીને મારપીટ કરાઈ હતી, પરંતુ વીડિયો ફૂટેજમાં એવું કંઈ દેખાતું નથી. વધુમાં, વૈજ્ઞાનિક પુરાવા અને વીડિયો દર્શાવે છે કે જ્યારે તેઓ લિફ્ટમાંથી નીચે ઉતર્યા ત્યારે તેજપાલ પીડિતાની આગળ ચાલતા હતા, જેથી તેનો પીછો કરવાનો કે અનુસરવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી.
શું હતો સમગ્ર વિવાદ?
આ મામલો નવેમ્બર ૨૦૧૩નો છે, જ્યારે ગોવાની એક લક્ઝુરિયસ હોટલમાં તહેલકા મેગેઝિન દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન તેજપાલની એક ભૂતપૂર્વ મહિલા સાથીદારે તેમના પર લિફ્ટની અંદર જાતીય શોષણ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. લાંબી કાનૂની લડત બાદ, ૨૦૨૧માં ગોવાની સેશન્સ કોર્ટે તેજપાલને તમામ આરોપોમાંથી મુક્ત કર્યા હતા અને નોંધ્યું હતું કે ફરિયાદીનું વર્તન સામાન્ય પીડિત જેવું જણાતું નહોતું, જેની તે સમયે ભારે ટીકા પણ થઈ હતી. હવે હાઈકોર્ટ આ મામલે શુક્રવારે પણ વધુ દલીલો સાંભળવાનું ચાલુ રાખશે.
(7:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
