<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

પુણેના ચકચારી કેતન અગ્રવાલ હત્યા કેસમાં નવો વળાંક: પ્રેમી સાથે મળીને પ્રેમીની હત્યા કર્યા બાદ મૃતકના પિતાને જ આપી હતી આવી સાંત્વના

​ઘટનાના બીજા જ દિવસે કેતનનાં ઘરે પહોંચેલી મુખ્ય આરોપી સિયા ગોયલે અત્યંત ઠરેલા કલેજે કહ્યું હતું – ‘હિંમત રાખો, કેતન આપણને ઉપરથી જોઈ રહ્યો છે’; પુણે પોલીસની પૂછપરછમાં અને તપાસ દરમિયાન આરોપીઓની નિર્દયતા જોઈને સૌ કોઈ સ્તબ્ધ

​પુણે: મહારાષ્ટ્રના પુણેમાં તાજેતરમાં સામે આવેલા કેતન અગ્રવાલ હત્યાકાંડે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ મામલામાં હવે એક પછી એક ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. પોલીસ તપાસમાં એવું સામે આવ્યું છે કે, આ હત્યાકાંડની મુખ્ય આરોપી અને કેતનની મંગેતર સિયા ગોયલે ગુનાને અંજામ આપ્યા પછી પણ જે પ્રકારનું વર્તન કર્યું હતું, તે કોઈ પણ વ્યક્તિના રૂંવાડા ઉભા કરી દે તેવું છે. તપાસમાં ખુલાસો થયો છે કે કેતનને ૪૦૦ ફૂટ ઊંડી ખીણમાં ધકેલીને હત્યા કર્યાના બીજા જ દિવસે સિયા કેતનના ઘરે પહોંચી હતી અને તેના શોકાતુર પિતાને ખૂબ જ શાંતિથી કહ્યું હતું કે, "પપ્પા, હિંમત રાખો, કેતન આપણને ઉપરથી જોઈ રહ્યો છે."

​પોલીસના જણાવ્યા અનુસાર, ૧૮ જૂનના રોજ કેતનની હત્યા કરવામાં આવી હતી અને ૨૩ જૂનના રોજ સિયા અને તેના સાથી આરોપી ચેતન ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી. આ પાંચ દિવસના ગાળા દરમિયાન બંને આરોપીઓ એકદમ સામાન્ય જીવન જીવી રહ્યા હતા. ધરપકડ થયા બાદ પણ તેમના ચહેરા પર પોતાના કરેલા ગુનાનો જરા પણ પસ્તાવો કે ગમ જોવા મળ્યો ન હતો. પોલીસ સૂત્રોના મતે, આ હત્યા એક પૂર્વ-આયોજિત કાવતરું હતું, જેમાં સિયા અને ચેતન બંને સામેલ હતા.

​તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે, આ હત્યાનો પ્રયાસ ૧૪ જૂનના રોજ લોહગઢ કિલ્લા પર પણ કરવામાં આવ્યો હતો. તે સમયે સિયા કેતનને કિલ્લા પર લઈ ગઈ હતી અને તેને ખીણમાં ધક્કો મારી દીધો હતો, પરંતુ કેતન એક ઝાડની ડાળી પકડીને લટકી ગયો હતો અને માંડ-માંડ બચ્યો હતો. તે સમયે સિયાએ સાપ આવવાનું નાટક કરીને વાતને વાળી દીધી હતી અને કેતનનું ધ્યાન ભટકાવી દીધું હતું. કેતનના પરિવારજનોએ પણ આ અંગે ગંભીર આક્ષેપો કર્યા છે કે સિયાએ અત્યંત ઠંડા કલેજે આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો છે. હાલમાં બંને આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે અને પોલીસ આ મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. સિયાના માતા-પિતાએ પણ આઘાત સાથે જણાવ્યું છે કે જો તેમની દીકરી દોષિત સાબિત થાય છે, તો તેને કડકમાં કડક સજા મળવી જોઈએ.

(5:54 PM IST)