તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd July 2026
પુણેના ચકચારી કેતન અગ્રવાલ હત્યાકાંડમાં નવો વળાંક: આરોપી સિયા અને ચેતન વચ્ચેની વાતચીતમાં 'કોડેડ લેંગ્વેજ'નો ઉપયોગ થયો હોવાનો પોલીસનો ઘટસ્ફોટ
તપાસ એજન્સીઓ દ્વારા સિયાના વધુ એક ગુપ્ત મોબાઈલ ફોન પરથી રહસ્યમય ચેટ અને સંકેતો મેળવ્યા: હવે આરોપીઓની 'કોડ વર્ડ્સ'ની માયાજાળ ઉકેલવા પોલીસ મથામણ

પુણે: પુણેના લોહગઢ કિલ્લા નજીક ઉદ્યોગપતિ કેતન અગ્રવાલની હત્યાના મામલે તપાસ કરી રહેલી પોલીસને વધુ એક મહત્વની કડી મળી છે. આ ગંભીર હત્યાકાંડના મુખ્ય આરોપી અને કેતનની મંગેતર સિયા ગોયલ તથા તેના પ્રેમી ચેતન ચૌધરીએ હત્યાના કાવતરાને અંજામ આપવા માટે સોશિયલ મીડિયા અને મોબાઈલ ચેટમાં સામાન્ય ભાષાને બદલે ખાસ પ્રકારના 'કોડ વર્ડ્સ' અને સંકેતોનો ઉપયોગ કર્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસ દરમિયાન સિયા પાસેથી વધુ એક મોબાઈલ ફોન મળી આવ્યો છે, જેને પોલીસે જપ્ત કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યો છે. પોલીસનું માનવું છે કે સિયા અને ચેતન વચ્ચે થયેલી આ વાતચીત અને તેમાં વપરાયેલા કોડ શબ્દો જ હત્યાના સંપૂર્ણ કાવતરાનો પર્દાફાશ કરી શકે તેમ છે. આ કોડ વર્ડ્સનો અર્થ અને તેનો ચોક્કસ હેતુ શું હતો, તે જાણવા માટે સાયબર નિષ્ણાતોની મદદ લેવામાં આવી રહી છે.
કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, પુણે ગ્રામીણ પોલીસે કોર્ટમાં વધુ રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ સુનાવણી બાદ કોર્ટે બંને આરોપીઓને ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલ હવાલે મોકલી દીધા છે. નોંધનીય છે કે ૧૮ જૂનના રોજ સિયા અને ચેતને કેતનને લોહગઢ કિલ્લાના ખડક પરથી ધક્કો મારીને તેની હત્યા કરી હતી. શરૂઆતમાં સિયાએ આ ઘટનાને અકસ્માત ગણાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કડક પૂછપરછ બાદ બંનેએ પોતાનો ગુનો કબૂલ્યો હતો.
તપાસ અધિકારીઓના મતે, આરોપીઓએ ડિલીટ કરેલી ચેટ્સ અને કોલ રેકોર્ડ્સ રિકવર કરવાની પ્રક્રિયા હજુ ચાલુ છે. પોલીસ એવી આશંકા પણ સેવી રહી છે કે આ હત્યાકાંડમાં અન્ય કોઈ ત્રીજી વ્યક્તિની સંડોવણી હોઈ શકે છે કે કેમ, તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આરોપીઓ દ્વારા કોર્ટ કાર્યવાહી દરમિયાન કરવામાં આવેલી કેટલીક હરકતો પણ ચર્ચાનો વિષય બની છે, જેનાથી આ કેસમાં પોલીસ માટે પડકારો વધ્યા છે. હવે ફોરેન્સિક રિપોર્ટ અને નવા મળી આવેલા ડિજિટલ પુરાવાઓ આ હત્યાકાંડના રહસ્યને સંપૂર્ણપણે ઉજાગર કરશે તેમ માનવામાં આવી રહ્યું છે.
(10:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
