News of Thursday, 7th May 2026
મુંબઈમાં તરબૂચ ખાધા બાદ પરિવારના ચાર સભ્યોના મોતમાં નવો વળાંક: ઉંદર મારવાના ઝેર 'ઝીંક ફોસ્ફાઈડ'થી થયા મોત !
તરબૂચમાંથી મળ્યું ઉંદર મારવાનું ઘાતક 'ઝીંક ફોસ્ફાઈડ' ઝેર: ફોરેન્સિક તપાસમાં તરબૂચ અને શરીરમાં ઝેરની પુષ્ટિ: આકસ્મિક ઘટના કે કોઈ મોટું કાવતરું? પોલીસે તપાસ તેજ કરી

મુંબઈના ભીંડી બજાર વિસ્તારમાં તરબૂચ ખાધા બાદ ડોકાડિયા પરિવારના ચાર સભ્યોના રહસ્યમય મોતની ઘટનામાં ફોરેન્સિક તપાસ દરમિયાન સનસનીખેજ સત્ય બહાર આવ્યું છે. અત્યાર સુધી જે ઘટનાને ફૂડ પોઈઝનિંગ માનવામાં આવતી હતી, તે હકીકતમાં ઉંદર મારવાના અત્યંત ઘાતક ઝેર 'ઝીંક ફોસ્ફાઈડ'ના કારણે બની હોવાની પુષ્ટિ થઈ છે. આ ખુલાસા બાદ હવે સમગ્ર મામલામાં કોઈ ગંભીર કાવતરું હોવાની શંકા દ્રઢ બની છે.
ગઈ 26 એપ્રિલની રાત્રે 44 વર્ષીય અબ્દુલ્લા ડોકાડિયા, તેમની પત્ની નસરીન (35) અને બે દીકરીઓ આયશા (16) તથા ઝૈનબ (13) એ રાત્રિના સમયે તરબૂચ ખાધું હતું. થોડા જ કલાકોમાં આખા પરિવારની તબિયત લથડી હતી અને ટૂંકા ગાળામાં જ ચારેય સભ્યોએ દમ તોડી દીધો હતો. શરૂઆતમાં આશંકા સેવાતી હતી કે તરબૂચમાં કોઈ ચેપ અથવા ફૂડ પોઈઝનિંગ હશે, પરંતુ ફોરેન્સિક રિપોર્ટે આ થિયરી નકારી દીધી છે.
ફોરેન્સિક રિપોર્ટ મુજબ, ચારેય મૃતકોના શરીર અને તેમણે ખાધેલા તરબૂચના નમૂનામાં ઝીંક ફોસ્ફાઈડના અંશ મળી આવ્યા છે. આ કેમિકલ સામાન્ય રીતે ઉંદર મારવાની દવા તરીકે વપરાય છે. તે શરીરમાં જઈને પેટના એસિડ સાથે પ્રતિક્રિયા આપે છે અને 'ફોસ્ફીન ગેસ' બનાવે છે, જે સીધી રીતે હૃદય, લિવર અને ફેફસાંને નિષ્ફળ બનાવે છે. મુંબઈ પોલીસે અગાઉ તરબૂચમાં કોઈ ઈન્ફેક્શન હોવાની વાત નકારી હતી, પણ હવે આ રાસાયણિક ઝેર કઈ રીતે તરબૂચમાં પહોંચ્યું તે તપાસનો વિષય બન્યો છે. શું આ કોઈ માનવીય બેદરકારી હતી કે પછી કોઈએ જાણીજોઈને પરિવારને ખતમ કરવા માટે આ કૃત્ય કર્યું હતું? પોલીસ હવે આ દિશામાં કડીઓ જોડી રહી છે.
(8:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
