<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

ભિવંડી ફાર્મહાઉસ ગેંગરેપ કેસમાં નવો વળાંક: ભાજપના પૂર્વ ધારાસભ્યની જામીન અરજી પર કોર્ટે આદેશ અનામત રાખ્યો, ચોંકાવનારા દાવો સામે આવ્યા!

ફાર્મહાઉસમાં સિગ્નલ જામર અને રિમોટ ગેટ હોવાથી પીડિતા મદદ ન માગી શકી: પોલીસની કોર્ટમાં દલીલ; પૂર્વ ધારાસભ્ય નરેન્દ્ર પવારે આરોપોને ગણાવ્યા ષડયંત્ર.

ભિવંડી : મહારાષ્ટ્રના ભિવંડી તાલુકાના બાપગાંવ સ્થિત એક હાઇટેક ફાર્મહાઉસમાં ૨૨ વર્ષીય યુવતી પર થયેલા કથિત ગેંગરેપના ચકચારી કેસમાં ગરમ રાજકારણ વચ્ચે નવો મોટો વળાંક આવ્યો છે. કલ્યાણ પશ્ચિમના ભાજપના પૂર્વ ધારાસભ્ય નરેન્દ્ર પવાર દ્વારા દાખલ કરવામાં આવેલી આગોતરા જામીન અરજી પર ભિવંડીની એડિશનલ સેશન્સ કોર્ટમાં ગુરુવારે ધારદાર દલીલો પૂર્ણ થઈ હતી. એડિશનલ સેશન્સ જજ એ. એ. કરંદેની અદાલતે બંને પક્ષોની કલાક સુધી ચાલેલી દલીલો સાંભળ્યા બાદ જામીન અરજી પરનો ચુકાદો અનામત રાખ્યો છે.

 

સુનાવણી દરમિયાન બચાવ પક્ષના વકીલે પીડિતાની વોટ્સએપ ચેટ્સ અને ઘટનાના દવાનો ઉલ્લેખ કરતા સવાલો ઉઠાવ્યા હતા કે જો પીડિતાએ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો તો તેણે તુરંત કોઈનો સંપર્ક કેમ ન કર્યો. આ દલીલના જવાબમાં તપાસ અધિકારી દીપાલી લંભટે અને પોલીસે અદાલત સમક્ષ સનસનાટીભર્યા ખુલાસા કર્યા હતા. પોલીસે જણાવ્યું કે ઘટના સ્થળ એવા ફાર્મહાઉસના દરવાજા રિમોટ કન્ટ્રોલથી સંચાલિત હતા અને ત્યાં 'સિગ્નલ જામર' લગાવેલું હતું, જેના કારણે પીડિતા ભયના ઓથાર હેઠળ મદદ માટે બહાર ફોન કરી શકી નહોતી.

 

પડઘા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી આ એફઆઈઆરમાં માજી ધારાસભ્ય નરેન્દ્ર પવાર અને બરતરફ કરાયેલા પોલીસ કર્મચારી શૈલેષ પાટીલને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા છે, જેઓ હાલ પોલીસ પકડથી દૂર છે. બીજી તરફ, નરેન્દ્ર પવારે પોતાની સામેના તમામ આરોપોને સખત શબ્દોમાં ફગાવી દેતા તેને પોતાની રાજકીય છબી ખરાબ કરવાનું આયોજિત કાવતરું ગણાવ્યું છે. હવે આ સમગ્ર મામલે કોર્ટના આગામી નિર્ણય પર સૌની નજર ટકેલી છે.

(8:49 PM IST)