તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 3rd October 2026
ચહેરો ભાડે આપવાનો નવો ટ્રેન્ડ: AI માઇક્રોડ્રામામાં ચહેરો વાપરવા બદલ મળી રહી છે મોટી કમાણી પણ પ્રાઇવસીનું જોખમ વધ્યું
ચીનમાં ડિજિટલ પ્લેટફોર્મ પર પોતાનો ચહેરો ભાડે આપીને હજારો રૂપિયા કમાવવાનો અનોખો ટ્રેન્ડ શરૂ થયો છે, પરંતુ તેની સાથે ઓળખની ચોરી અને પ્રાઇવસીના ગંભીર જોખમો પણ સામે આવ્યા છે.

બીજિંગ : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ની ક્રાંતિએ તાજેતરમાં સામાન્ય માણસના ચહેરાને પણ કમાણીનું એક નવું સાધન બનાવી દીધું છે, જેમાં ચીન જેવા દેશોમાં ડિજિટલ પ્લેટફોર્મ્સ પર પોતાના ચહેરાનું કોમર્શિયલ લાયસન્સ વેચીને લોકો ઘરે બેઠા માતબર રકમ કમાઈ રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, એઆઈ જનરેટેડ વીડિયો ગેમ્સ, જાહેરાતો અને ટૂંકી શોર્ટ સીરિઝ એટલે કે માઇક્રોડ્રામામાં પોતાના ચહેરાના ઉપયોગના બદલામાં લોકો આસાનીથી રૂપિયા ૧,૫૦૦ થી લઈને રૂપિયા ૬૫,૦૦૦ સુધીની કમાણી કરી રહ્યા છે.
આ નવા ટ્રેન્ડ પાછળનું મુખ્ય કારણ માઇક્રોડ્રામાનો અતિશય વધતો ક્રેઝ છે, જ્યાં એકથી બે મિનિટના ટૂંકા એપિસોડવાળી સિરીઝમાં કલાકારોએ શૂટિંગ સેટ પર જઈને અભિનય કરવાની કોઈ જરૂર પડતી નથી. નિર્માતાઓને યુવાનોથી માંડીને વૃદ્ધો સુધીના વિવિધ વાસ્તવિક લુક્સની જરૂર હોવાથી, સામાન્ય નાગરિકો આસાનીથી મળતી કમાણીની લાલચમાં પોતાના ચહેરાનું ડિજિટલ લાયસન્સ આપી રહ્યા છે, અને વર્ષ ૨૦૨૬ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રીલિઝ થયેલા હજારો ડ્રામામાં એઆઈ ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ થયો છે.
આ 'ફેસ રેન્ટિંગ' સિસ્ટમની કાર્યપદ્ધતિ વિશે વાત કરીએ તો, 'એક્ટ-આઈડી' જેવા વિશિષ્ટ ડિજિટલ પ્લેટફોર્મ્સ પર રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ ઇચ્છુક લોકો સ્ટુડિયોમાં જઈને વિવિધ એંગલથી પોતાના ફોટોગ્રાફ્સ પડાવે છે. કન્ટેન્ટ પ્રોડ્યુસર્સ પોતાની સ્ક્રિપ્ટ, પાત્રની ઉંમર અને જેન્ડર મુજબ ચહેરાઓ શોર્ટલિસ્ટ કરે છે, અને મંજૂરી મળતા જ તે વ્યક્તિના ચહેરાનું ડિજિટલ મોડેલ તૈયાર કરીને તેનો ગેમિંગ કે જાહેરાતોમાં વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે.
જોકે, આ વિના મહેનતે મળતા પૈસાની પાછળ આઇડેન્ટિટી થેફ્ટ એટલે કે ઓળખની ચોરી, કોપીરાઇટનું ઉલ્લંઘન અને પ્રાઇવસીના અત્યંત ગંભીર કાનૂની જોખમો પણ ઝડપથી સામે આવી રહ્યા છે. અનેક એઆઈ કંપનીઓ નિર્ધારિત મર્યાદા વટાવીને લોકોના ચહેરાઓની ચોરી કરી રહી છે, જેના કારણે સોશિયલ મીડિયા પર બોગસ સીરિઝ બનાવી દેવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે.
આ ગંભીર વિવાદોને ધ્યાનમાં રાખીને બાઇટડાન્સ જેવી દિગ્ગજ કંપનીઓએ પણ હજારોની સંખ્યામાં ગેરકાયદેસર એઆઈ વીડિયો પ્લેટફોર્મ પરથી હટાવવા પડ્યા છે, કારણ કે એગ્રીમેન્ટની શરતો અસ્પષ્ટ હોવાને કારણે સામાન્ય લોકોને ખબર જ નથી હોતી કે તેમના ચહેરાનો ઉપયોગ કયા દેશમાં કેવા અશ્લીલ કે સંવેદનશીલ કન્ટેન્ટમાં થઈ રહ્યો છે.
પ્રાઇવસી અને ઇમેજ રાઇટ્સના આ બેફામ ઉલ્લંઘનને પગલે અદાલતોમાં કેસોનો મોટો ભરાવો જોવા મળી રહ્યો છે, જેમાં માત્ર ચીનની ગ્વાંગઝૂ ઇન્ટરનેટ કોર્ટે જ છેલ્લા ત્રણ વર્ષમાં એઆઈ સંબંધિત ફોટો ચોરીના સેંકડો કેસોની સુનાવણી હાથ ધરી છે, જે ભવિષ્ય માટે એક મોટી ચેતવણી સમાન છે.
(7:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
