<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th September 2026

દિલ્હીમાં વાયુ પ્રદૂષણનો નવો ખતરો: ફેફસાં જ નહીં: કિડની પર પણ પ્રહાર! ચોંકાવનારા સંશોધનમાં તથ્યો સામે આવ્યા

ચેન્નાઈની તુલનામાં દિલ્હીવાસીઓની કિડનીની ક્ષમતા છ ગણી વધુ ઘટી: PM 2.5 અને ઝેરી કણો ધીમે-ધીમે કિડનીને 'સાયલન્ટલી' કરી રહ્યા છે ક્ષતિગ્રસ્ત!

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં શિયાળાની શરૂઆત સાથે જ વાયુ પ્રદૂષણ અને સ્મોગનું ઝેરી ધાબળો પથરાઈ જાય છે. અત્યાર સુધી લોકો પ્રદૂષણને માત્ર શ્વાસ, હૃદય અને ફેફસાંની બીમારીઓ સાથે જ જોડતા હતા, પરંતુ તાજેતરના એક સંશોધન અને તબીબી નિષ્ણાતોના દાવાઓએ ભારે આંચકો આપ્યો છે. દિલ્હીનું પ્રદૂષણ માત્ર ફેફસાં જ નહીં, પરંતુ માનવ શરીરના અત્યંત મહત્વપૂર્ણ અંગ ગણાતી કિડનીને પણ ગંભીર નુકસાન પહોંચાડી રહ્યું છે. તબીબોએ સ્પષ્ટ સલાહ આપી છે કે જો તમે દિલ્હીમાં રહો છો તો ફેફસાંની સાથે કિડનીનું પણ વિશેષ રક્ષણ કરવું અનિવાર્ય બની ગયું છે.


'સ્ટડી સેન્ટર ફોર ક્રોનિક ડિસીઝ'ના સિદ્ધાર્થ મંડલના નેતૃત્વ હેઠળ દિલ્હી અને ચેન્નાઈના ૧૨,૨૭૧ પુખ્ત વયના લોકો પર એક વિશેષ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. સંશોધકોએ પાંચ વર્ષ દરમિયાન અલગ-અલગ સમયે તેમના ઘરો આસપાસના PM 2.5 ના સ્તર અને તેમની કિડનીની કાર્યક્ષમતાનું માપન કર્યું હતું.

સર ગંગારામ હોસ્પિટલના નેફ્રોલોજી વિભાગના વાઇસ ચેરમેન ડૉ. મનીષ મલિકના જણાવ્યા મુજબ, શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશતા ઝેરી કણો, PM 2.5, PM 10 અને ભારે ધાતુઓ (Heavy Metals) લોહીમાં ભળે છે. શરીરના કચરાને બહાર ફેંકવાનું કામ કિડની અને લીવર કરે છે.

RML હોસ્પિટલના પ્રદૂષણ ક્લિનિકના ડૉ. અમિત જિંદાલે જણાવ્યું હતું કે દેશના આ પ્રથમ પ્રદૂષણ ક્લિનિકમાં પલ્મોનરી સિવાય કાર્ડિયોલોજી અને મનોચિકિત્સા વિભાગના ડોકટરો પણ સેવા આપે છે. દિલ્હીમાં AQI અત્યંત ખરાબ શ્રેણીમાં હોવા છતાં સોમવારે, ૧ ડિસેમ્બરે પ્રદૂષણ ક્લિનિકમાં ઓછા દર્દીઓ આવ્યા હતા, પરંતુ મંગળવારે સવારે શ્વસન વિભાગની OPD માં ૧૦૦ થી વધુ દર્દીઓ નોંધાયા હતા.

તબીબોએ દિલ્હી અને એનસીઆરના રહીશોને પ્રદૂષણથી બચવા માટે પૂરતું પાણી પીવાની અને વર્ષમાં ઓછામાં ઓછી એકવાર કિડનીની નિયમિત તપાસ કરાવવાની અપીલ કરી છે.

(6:58 PM IST)