<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

યુએસ-ઈરાન સંબંધોમાં નવો તણાવ: ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે વધુ એક લશ્કરી કાર્યવાહીની આપી ચેતવણી

ફ્લોરિડાની રેલીમાં ટ્રમ્પે 'એપિક ફ્યુરી' ઓપરેશનનો ઉલ્લેખ કરી ઈરાનને સમજૂતી કરવા અથવા ગંભીર પરિણામો ભોગવવાની કરી અલ્ટીમેટમ

વોશિંગ્ટન : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વૈશ્વિક સ્તરે એક મોટું અને ચેતવણીરૂપ નિવેદન આપ્યું છે. ફ્લોરિડામાં યોજાયેલી એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે પ્રમુખ ટ્રમ્પે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે જો ઈરાન યોગ્ય રીતે સમજૂતી નહીં કરે, તો યુએસ સેના દ્વારા ઈરાન વિરુદ્ધ વધુ એક સૈન્ય કાર્યવાહી (એપિક ફ્યુરી) હાથ ધરવામાં આવી શકે છે. આ નિવેદનને કારણે આંતરરાષ્ટ્રીય રાજકારણ અને મધ્ય પૂર્વના દેશોમાં ફરી એકવાર યુદ્ધના વાદળો ઘેરાવા લાગ્યા છે.

 

પ્રાપ્ત વિગતો અનુસાર, ટ્રમ્પે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે અગાઉ પણ અમેરિકાએ ઈરાનના પરમાણુ કાર્યક્રમ અને ગતિવિધિઓ સામે કડક પગલાં લીધા છે. તેમણે કહ્યું કે, "આપણે બીજી નાની 'એપિક ફ્યુરી' કરી શકીએ છીએ." અહીં ઉલ્લેખનીય છે કે 'એપિક ફ્યુરી' એ યુએસ સૈન્ય દ્વારા ઈરાન સામેની સૈન્ય કાર્યવાહી માટે વપરાતું કોડનેમ છે. ટ્રમ્પે ઈરાની નેતૃત્વ પર કટાક્ષ કરતા ઉમેર્યું હતું કે જો ત્યાંના શાસકો સમજદાર હશે તો તેઓ તાત્કાલિક ધોરણે વાટાઘાટોના ટેબલ પર આવીને સમજૂતી કરશે, અન્યથા પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે.

 

આ અગાઉ ફેબ્રુઆરી મહિનામાં અમેરિકા અને ઇઝરાયલ દ્વારા સંયુક્ત રીતે ઈરાન પર હુમલા કરવામાં આવ્યા હતા, જેના જવાબમાં ઈરાન દ્વારા પણ ખાડી દેશોમાં આવેલા યુએસ સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ લાંબા સંઘર્ષના કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલ અને ગેસના ભાવો પર પણ ભારે અસર પડી છે. આગામી ૩ નવેમ્બરે યોજાનારી યુએસ મધ્યવર્તી ચૂંટણીઓ પહેલાં આ ભૌગોલિક રાજકીય તણાવ અમેરિકન રાજકારણમાં પણ એક મોટો મુદ્દો બની ગયો છે, કારણ કે રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ વચ્ચે સંસદના નિયંત્રણ માટે રસાકસી ચાલી રહી છે.

 

બદલાતા ઘટનાક્રમ વચ્ચે ઈરાની સુરક્ષા અધિકારીઓ દ્વારા પણ આક્રમક પ્રતિક્રિયાઓ સામે આવી છે. ઈરાની અધિકારીઓના જણાવ્યા અનુસાર, જો અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ફરીથી કોઈપણ પ્રકારનો લશ્કરી હુમલો કરવામાં આવશે, તો તેહરાન દ્વારા અત્યંત મોટા પાયે વળતો પ્રહાર કરવામાં આવશે. ઈરાને ખાસ કરીને ખાડી ક્ષેત્રમાં આવેલા સમુદ્રી સંદેશાવ્યવહાર કેબલ્સ (અંડરસી કેબલ્સ) ને નિશાન બનાવવાની વિગતવાર યોજનાઓ તૈયાર કરી હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે, જે વૈશ્વિક ડિજિટલ અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે.

 

અમેરિકા દ્વારા તાજેતરમાં જ સાઉદી અરેબિયા સ્થિત પોતાના દૂતાવાસોમાંથી બિન-આવશ્યક કર્મચારીઓને પરત બોલાવવાનો આદેશ આપવામાં આવ્યો છે, જે સુરક્ષા જોખમોની ગંભીરતા દર્શાવે છે. યુરોપિયન અને પ્રાદેશિક દેશોના વિદેશ મંત્રીઓ પણ આ વધતા તણાવને રોકવા માટે સતત બેઠકો યોજી રહ્યા છે. તેમ છતાં, પ્રમુખ ટ્રપના તાજેતરના આક્રમક તેવરથી સ્પષ્ટ થાય છે કે આગામી દિવસોમાં યુએસ-ઈરાન સંબંધો વધુ તણાવપૂર્ણ બની શકે છે.

 

વૈશ્વિક અર્થતંત્ર, ઇંધણના ભાવ અને પ્રાદેશિક સુરક્ષાની દ્રષ્ટિએ આ પરિસ્થિતિ અત્યંત સંવેદનશીલ બની ચૂકી છે. તમામ દેશોની નજર હવે અમેરિકા અને ઈરાન વચ્ચેના આગામી રાજદ્વારી અને સૈન્ય પગલાંઓ પર ટકેલી છે, અને આ સંઘર્ષ વૈશ્વિક શાંતિ માટે એક મોટો પડકાર બનીને ઉભરી રહ્યો છે.

(9:33 PM IST)