તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 23rd November 2026
સબરીમાલા શ્રદ્ધાળુઓ માટે નવો નિયમઃ પમ્બા નદીમાં કપડાં ફેંકશે તો રૂપિયા ૫૦૦૦નો દંડ...
દરરોજ પમ્બા નદીમાં હજારો ટન કપડા ફેંકવામાં આવે છેઃ હવે ધાર્મિક પરંપરાની આડમાં નદીને પ્રદૂષિત કરવાના આ ચલણને રોકવા માટે તૈયારીઓ

સબરીમાલા,તા.૨૩: કેરળના પ્રસિદ્ધ સબરીમાલા ભગવાન અયપ્પા મંદિરે આવતા શ્રદ્ધાળુઓ માટે નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જેમાં મંદિરના દર્શને આવતા શ્રદ્ધાળુઓ પમ્બા નદીમાં કપડાં ફેંકશે અથવા પ્રદૂષણ ફેલાવશે, તેમને રૂપિયા ૫૦૦૦ સુધીનો દંડ કરવામાં આવશે. આ નિયમ નદીમાં વધી રહેલા પ્રદૂષણને રોકવા લેવામાં આવ્યો છે.
કેરળના સબરીમાલા મંદિરમાં હાલ મકર વિલક્કુ ઉત્સવ ચાલી રહ્યો છે. જેના પગલે ભગવાન અયપ્પાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સબરીમાલા મંદિર પહોંચી રહ્યા છે. તેમજ નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં અહીં ભક્તોની ભારે ભીડ જામે છે. મંદિરમાં આવતા ભક્તો માટે પમ્બા નદીમાં સ્નાન એ એક મહત્વપૂર્ણ ધાર્મિક પરંપરા છે. તેમજ સ્નાન કર્યા બાદ ઘણા શ્રદ્ધાળુઓ તેમના ભીના કપડા નદીમાં જ મૂકી દે છે. જેના કારણે નદીમાં કપડાના ઢગલા જામી રહ્યા છે અને જળ પ્રદુષણની સમસ્યા સતત વધી રહી છે.
વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, દરરોજ પમ્બા નદીમાં હજારો ટન કપડા ફેંકવામાં આવે છે. હવે ધાર્મિક પરંપરાની આડમાં નદીને પ્રદૂષિત કરવાના આ ચલણને રોકવા માટે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. જેના લીધે જિલ્લા વહીવટીતંત્રે દંડની જોગવાઈ કરતો નવો આદેશ જાહેર કર્યો છે. આ અંતર્ગત નદીમાં કપડા ફેંકનારા પર ૫૦૦૦ રૂપિયા સુધીનો આર્થિક દંડ થઈ શકે છે.
(10:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
