<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

ફિટનેસ જગતમાં નવો ખુલાસો: 'યો-યો ડાયેટિંગ' વિશેનો ડર માત્ર વહેમ? વારંવાર વજન ઘટવું અને વધવું શરીર માટે એટલું નુકસાનકારક નથી જેટલું લોકો વિચારે છે

કોપનહેગન યુનિવર્સિટી અને જર્મન સંશોધકોનો દાવો; વજન કાયમ માટે ન ઘટે તો પણ થોડા સમય માટે વજન ઘટાડવાના ફાયદા તેનાથી થતા સંભવિત જોખમો કરતાં ઘણા વધારે

નવી દિલ્હી : આજના સમયમાં વજન ઘટાડવું (Weight Loss) એ એક મોટો ટ્રેન્ડ બની ગયો છે, પરંતુ તેની સાથે જોડાયેલી એક સમસ્યા 'યો-યો ડાયેટિંગ' (Yo-Yo Dieting) અથવા 'વેઇટ સાયકલિંગ' લોકોને ખૂબ ડરાવે છે. યો-યો ડાયેટિંગ એટલે કે કડક ડાયેટ ફોલો કરીને વજન ઘટાડવું અને ડાયેટ છોડતાં જ વજન ફરી પાછું વધી જવું. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે આ રીતે વારંવાર વજન વધ-ઘટ થવાથી શરીરના મેટાબોલિઝમ (ચયાપચય) ને ભારે નુકસાન થાય છે અને ટાઇપ-૨ ડાયાબિટીસ કે હૃદય રોગનું જોખમ વધે છે. જો કે, તાજેતરમાં વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા એક વ્યાપક વિશ્લેષણમાં આ ચિંતાઓને મોટાભાગે પાયાવિહોણી અને ખોટી ગણાવવામાં આવી છે.

ડેનમાર્કની કોપનહેગન યુનિવર્સિટીના પોષણ, વ્યાયામ અને રમતગમત વિભાગના પ્રોફેસર ફેઇડન મેગ્કોસ અને તેમની ટીમે ઉપલબ્ધ ક્લિનિકલ ટ્રાયલ્સ, પ્રાણીઓ પરના અભ્યાસો અને ઓબ્ઝર્વેશનલ રિસર્ચની ઊંડી સમીક્ષા કરી છે. પ્રોફેસર મેગ્કોસે જણાવ્યું હતું કે, "ઘણા લોકો માત્ર એ ડરથી વજન ઘટાડવાનો પ્રયાસ જ નથી કરતા કે જો ભવિષ્યમાં વજન પાછું વધી જશે તો શરીર બગડી જશે. પરંતુ અમારું સંશોધન દર્શાવે છે કે વજન ઘટાડવાથી શરીરને જે સ્વાસ્થ્ય લાભ થાય છે, તે પાછળથી વજન વધવાના સંભવિત જોખમો કરતાં ઘણા વધારે છે."

વજન પાછું વધવું એ કોઈ નવું નુકસાન નથી: વૈજ્ઞાનિકોની સ્પષ્ટતા

જર્મન સેન્ટર ફોર ડાયાબિટીસ રિસર્ચ (DZD) અને યુનિવર્સિટી હોસ્પિટલ ટુબિન્જેનના પ્રોફેસર નોર્બર્ટ સ્ટેફને આ અહેવાલમાં ઉમેર્યું કે, જ્યારે તમે ઉંમર, હીસ્ટ્રી અને સ્થૂળતાના એકંદર પાસાઓને ધ્યાનમાં લો છો, ત્યારે યો-યો ડાયેટિંગની કહેવાતી હાનિકારક અસરો અદૃશ્ય થઈ જાય છે. વાસ્તવમાં, મુખ્ય જોખમ વજનની વધ-ઘટ નથી, પરંતુ વ્યક્તિની 'સ્થૂળતાની ડિગ્રી' (તમે કેટલા વધારે ઓવરવેઇટ છો) છે.

વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ કર્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ વજન ઘટાડ્યા પછી તેને જાળવી શકતી નથી અને વજન પાછું વધે છે, ત્યારે તેનો અર્થ એ નથી કે તેની સ્થિતિ પહેલા કરતાં વધુ ખરાબ થઈ ગઈ છે. વજન વધવાથી તમે માત્ર તમારા જૂના જોખમના સ્તર પર પાછા ફરો છો, તેનાથી આગળ કોઈ નવું નુકસાન થતું નથી. 'ફાયદો ગુમાવવો' અને 'શરીરને નુકસાન પહોંચાડવું' એ બંને વચ્ચે મોટો તફાવત છે.

વજન ઘટાડવાની આધુનિક દવાઓ અને તેના ફાયદા

આજના સમયમાં વજન ઉતારવા માટેની વિવિધ દવાઓ (Weight Loss Drugs) ખૂબ લોકપ્રિય બની છે. આ દવાઓ લેવાથી વજન ઝડપથી ઘટે છે પરંતુ દવા બંધ કરતાની સાથે જ વજન ફરી વધી જાય છે. લેખકોના મતે, આ પેટર્નને ખરાબ માનવાની જરૂર નથી. સમયાંતરે ટૂંકા ગાળા માટે પણ વજનમાં થતો ઘટાડો શરીરના મેટાબોલિક હેલ્થને સુધારે છે અને વ્યક્તિના જીવનની ગુણવત્તા (Quality of Life) માં અર્થપૂર્ણ સુધારો લાવે છે. તેથી, વજન ફરી વધી જવાના ડરથી ડર્યા વિના, વજન નિયંત્રિત કરવાના પ્રયાસો સતત ચાલુ રાખવા જોઈએ.

યો-યો ડાયેટિંગ રિસર્ચના મુખ્ય તારણો:

·         ભ્રમ ભાંગ્યો: વારંવાર વજન વધવું કે ઘટવું એ શરીર અથવા ચયાપચય (Metabolism) ને કાયમી નુકસાન કરતું નથી.

·         મુખ્ય વિગત: રોગોનું અસલી કારણ વજનની વધ-ઘટ નહીં, પરંતુ શરીરમાં રહેલી સ્થૂળતા (Obesity) નું પ્રમાણ છે.

·         પોઝિટિવ પોઇન્ટ: ટૂંકા ગાળા માટે પણ વજન ઘટાડવાથી શરીરને મેટાબોલિક સુધારો અને હેલ્થ બેનિફિટ્સ મળે જ છે.

·         નિષ્ણાતની સલાહ: ભવિષ્યમાં વજન પાછું વધવાના ડરથી વજન ઘટાડવાના પ્રયાસો બંધ ન કરવા જોઈએ.

(9:09 PM IST)