News of Saturday, 25th July 2026
પાકિસ્તાનમાં નવો રાજકીય ભૂકંપ: પરમાણુ બોમ્બનું બટન હવે અસીમ મુનીરના હાથમાં : પીએમ માત્ર 'શોપીસ' બન્યા!
નેશનલ સ્ટ્રેટેજિક કમાન્ડની સ્થાપના સાથે પાકિસ્તાનની પરમાણુ તાકાત પર સેનાનું સંપૂર્ણ આધિપત્ય : ચીનના PLA મોડલ પર આધારિત નવા માળખાથી સેના પ્રમુખનો પ્રભાવ આસમાને પહોંચ્યો

ઈસ્લામાબાદ : પાકિસ્તાનની શક્તિ સંરચનામાં એક એવો ઐતિહાસિક અને જોખમી ફેરફાર થયો છે જેણે સમગ્ર દક્ષિણ એશિયાના સુરક્ષા સમીકરણો બદલી નાખ્યા છે. દેશની નવી સ્થાપિત 'નેશનલ સ્ટ્રેટેજિક કમાન્ડ' હેઠળ હવે પરમાણુ શસ્ત્રો અને તમામ વ્યૂહાત્મક મિસાઇલ સિસ્ટમ્સનો સીધો કન્ટ્રોલ સેના પ્રમુખ અને ચીફ ઓફ ડિફેન્સ ફોર્સિસ ફિલ્ડ માર્શલ અસીમ મુનીરના હાથમાં આવી ગયો છે. આ ફેરફાર બાદ હવે પાકિસ્તાનમાં સરકાર કે રાજકારણ નહીં, પરંતુ કેન્દ્રીય લશ્કરી કમાન્ડનો જ આખરી હુકમ ચાલશે તે બાબત સ્પષ્ટ થઈ ગઈ છે.
અગાઉ નેશનલ કમાન્ડ ઓથોરિટી (NCA) ના માધ્યમથી પાકિસ્તાનના વડાપ્રધાન પાસે પરમાણુ શસ્ત્રોના ઉપયોગ અને નિર્ણય પ્રક્રિયામાં નિર્ણાયક નાગરિક નેતૃત્વની ભૂમિકા રહેતી હતી. પરંતુ નવા સુધારાઓ બાદ ઓપરેશનલ કમાન્ડ સીધો આર્મીના હાથમાં જતો રહ્યો છે અને વડાપ્રધાનની ભૂમિકા માત્ર માહિતી મેળવવા પૂરતી મર્યાદિત બની ગઈ છે. આ ઘટનાક્રમે પાકિસ્તાની લોકશાહીના અસ્તિત્વ પર ફરી એકવાર મોટો પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધો છે અને વડાપ્રધાન પદને માત્ર એક 'શોપીસ' બનાવી દીધું છે.
સૌથી ચિંતાજનક બાબત એ છે કે NSCનું આ નવું માળખું ચીનના 'PLA રોકેટ ફોર્સ' મોડલથી પ્રેરિત થઈને તૈયાર કરવામાં આવ્યું છે. સેના, નૌકાદળ, વાયુસેના અને રોકેટ ફોર્સને એક જ છત નીચે લાવીને પરમાણુ ભંડારનું સંચાલન એકીકૃત કરી દેવાયું છે. ચીન અને પાકિસ્તાન વચ્ચે વધતા સંરક્ષણ સહયોગનું આ ઉદાહરણ ભારત સહિત સમગ્ર વિશ્વ માટે મોટો સુરક્ષા પડકાર ઊભો કરી રહ્યું છે, કારણ કે પાકિસ્તાનના પરમાણુ કોડ્સ હવે માત્ર એક લશ્કરી જનરલની આંગળીઓના ટેરવે છે.
(6:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
