<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th July 2026

કર્ણાટકમાં નવો રાજકીય ભૂકંપ: ચૂંટણી પંચના SIR પહેલાં સિદ્ધારમૈયા સરકારનો 'PRC કાર્ડ' દાંવ : ભાજપ લાલચોળ

કર્ણાટક કોંગ્રેસ સરકાર દ્વારા વિવાદાસ્પદ કાયમી રહેઠાણ પ્રમાણપત્રો (PRC) ના વિતરણથી બંધારણીય કટોકટી સર્જાઈ : નાગરિકતા અને વસ્તી ગણતરીના કેન્દ્રીય અધિકારો પર તરાપ મારવાનો ભાજપના સાંસદ જગદીશ શેટ્ટરનો આરોપ

બેંગલુરુ: દક્ષિણ ભારતના રાજકારણમાં ફરી એકવાર કેન્દ્ર વિરુદ્ધ રાજ્ય સરકારની ભયાનક લડાઈના મંડાણ થયા છે. કર્ણાટકની કોંગ્રેસ સરકારે ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીના સુધારા માટે લાગુ કરવામાં આવનારા સ્પેશિયલ ઇન્સ્ટિટ્યુશનલ રિવ્યુ (SIR) પહેલાં જ એક નવો માસ્ટરસ્ટ્રોક અથવા રાજકીય ખેલ રમીને સનસનાટી મચાવી દીધી છે. રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને ખાસ 'કાયમી નિવાસી પ્રમાણપત્ર' (PRC) વિતરણ કરવાની શરૂઆત કરાતા જ દેશનું રાજકીય તાપમાન વધી ગયું છે. ભાજપ આ પગલાથી અત્યંત ગુસ્સામાં છે અને તેનો દાવો છે કે કોંગ્રેસ સરકારે ચૂંટણી પંચની કડક દેખરેખ (SIR) ની અસરોને બેઅસર કરવા માટે આ આડકતરો રસ્તો અપનાવ્યો છે, જેનાથી આગામી ચૂંટણીઓની પારદર્શિતા જોખમાઈ શકે છે.

આ વિવાદ પર પ્રહાર કરતા ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ જગદીશ શેટ્ટરે સીધો સવાલ ઉઠાવ્યો છે કે આ કાયમી નિવાસી પ્રમાણપત્ર આપવા પાછળનો અસલી હેતુ શું છે? શેટ્ટરે સત્તાવાર રીતે આક્ષેપ કર્યો છે કે ભારતના બંધારણ મુજબ દેશમાં કોઈપણ વ્યક્તિને નાગરિકતા આપવી, કાયમી રહેઠાણ નક્કી કરવું કે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવી, એ માત્ર અને માત્ર કેન્દ્ર સરકારનો વિશેષાધિકાર છે. રાજ્ય સરકાર પાસે આવો કોઈ કાયદાકીય અધિકાર જ નથી. કોંગ્રેસ સરકારનું આ પગલું સીધેસીધું ભારતીય બંધારણ અને દેશના કાયદાઓનું ઉલ્લંઘન છે, અને જો કોઈ આ મામલે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવશે તો આ કાળો કાયદો અને પ્રમાણપત્રો તુરંત જ રદ થઈ જશે તે નક્કી છે.

બીજી તરફ, આ આખા વિવાદ વચ્ચે ડિફેન્સિવ મોડમાં આવેલી કર્ણાટક સરકારે પોતાની સફાઈ રજૂ કરી છે. સરકારનું કહેવું છે કે આ પ્રમાણપત્રો માત્ર એવા જ સ્થાનિક લોકોને આપવામાં આવી રહ્યા છે જેઓ વર્ષોથી કર્ણાટકમાં રહે છે અને તમામ સરકારી શરતો પૂરી કરે છે. આ વિતરણ પાછળનો હેતુ માત્ર એટલો જ છે કે શિક્ષણ, રોજગાર અને કલ્યાણકારી યોજનાઓનો સીધો લાભ રાજ્યના સાચા હકદાર નાગરિકો સુધી પહોંચાડી શકાય. જો કે, જ્યાં પણ મતદાર સુધારા માટે SIR લાગુ થયું છે ત્યાં વિપક્ષી ગઠબંધનને ભારે મુશ્કેલી પડી છે, તેથી જ ચૂંટણી પંચના આ કાયદાકીય સકંજાથી બચવા માટે કોંગ્રેસે ચૂંટણી પહેલાં આ આવાસ પ્રમાણપત્રનો 'પ્લાન B' અમલમાં મૂક્યો હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.

(11:12 PM IST)