તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th September 2026
મોદી સરકારમાં રેલ્વે પાટા પરથી પ્રગતિની નવી ગતિઃ ૨૦૧૪થી સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીની ભારતીય રેલ્વેની પરિવર્તનની સફર
‘‘ઉપલબ્ધિ + પ્રગતિ + વિકાસ +આંકડા ના આયના''માં કેપેક્સ, વીજળીકરણ, વંદે ભારત, ટ્રેક ક્ષમતા, સુરક્ષા, સ્ટેશન આધુનિકીકરણ, માલવહન અને હાઈ-સ્પીડ રેલ જેવા ક્ષેત્રોમાં અભુતપૂર્વ ફેરફાર : ૧૨ વર્ષની રેલવેની મોટી ઉપલબ્ધીઓ

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ નરેન્દ્રભાઇ મોદીની સરકાર એટલે રેલવે માટે પાટા પર થી પ્રગતિની નવી ગતિ, ૨૦૧૪ થી સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી ભારતીય રેલવે ના પરિવર્તનની સફર , ‘‘જૂની રેલવે વ્યવસ્થા થી આધુનિક, ટેક્રોલોજી આધારિત અને ક્ષમતા વધારતી રેલવે તરફ..''
નરેન્દ્રભાઇ મોદી વડાપ્રધાન બન્યા બાદ ભારતીય રેલવે માં થયેલા પરિવર્તન ને માત્ર નવી ટ્રેનોની સંખ્યા કે નવા સ્ટેશનોના નિર્માણથી માપી શકાય નહી, છેલ્લા એક દાયકાથી રેલવેના બજેટ, ટ્રેક ક્ષમતા, વીજળીકરણ, સુરક્ષા ટેકનોલોજી, આધુનિક ટ્રેનો, સ્ટેશન વિકાસ અને માલ વહન ક્ષમતા માં નોંધપાત્ર વધારો થયો છે.
સરકારી આંકડાઓ મુજબ ૨૦૧૪-૧૫ માં રેલવે માટેનું ગ્રોસ બજેટરી સપોર્ટ આશરે રૂ.૩૨,૩૦૦ કરોડ હતું, જે ૨૦૨૫-૨૬માં રૂ.૨.૫૨ લાખ કરોડ સુધી પહોંચ્યું અને ૨૦૨૬-૨૭ માટે રૂ.૨.૭૮ લાખ કરોડ થયું , એટલે કે એક દાયકા થી થોડા વધુ સમય માં રેલવે માટે ઉપલબ્ધ બજેટરી સપોર્ટ માં લગભગ આઠ ગણો વધારો થયો છે.
આંકડાના આયનામાં રેલવેનું બજેટ
રેલવે ના વિકાસમાં સૌથી મોટો ફેરફાર મૂડી રોકાણ ના સ્તરે જોવા મળે છે , ૨૦૨૪-૨૫ માટે રેલવે નું કેપિટલ એક્સપેન્ડિચર રૂ.૨.૬૫ લાખ કરોડના સ્તરે હતું, જ્યારે ૨૦૨૬-૨૭ માટે કેપેક્સનો રેકોર્ડ રૂ.૨,૯૩,૦૩૦ કરોડ રાખવામાં આવ્યો છે, આ મૂડી નો ઉપયોગ નવી લાઇનો, ડબલિગ, મલ્ટિ-ટ્રેકિગ, વીજળીકરણ, સ્ટેશન વિકાસ, રોલિગ સ્ટોક અને સુરક્ષા વ્યવસ્થાઓ માં થઈ રહ્યો છે , અર્થાત્ રેલવે માં માત્ર ટ્રેન વધારવાની જગ્યા એ સમગ્ર નેટવર્કની ક્ષમતા વધારવા પર ભાર મૂકાયો છે.
ડીઝલથી ઇલેક્ટ્રિક તરફ રેલવે વીજળી કરણની મોટી છલાંગ
૨૦૧૪ પહેલાં ભારતીય રેલવેના બ્રોડગેજ નેટવર્કનો માત્ર આશરે ૨૦ ટકા હિસ્સો વીજળી કૃત હતો , જુલાઈ ૨૦૨૬ સુધી આ પ્રમાણ વધી ને ૯૯.૬ ટકા થયું હોવાનું રેલવે મંત્રાલયના તાજેતરના આંકડા દર્શાવે છે, આ પરિવર્તનનો સીધો સંબંધ ઇંધણની કાર્યક્ષમતા, ઓપરેશનલ ખર્ચ, ઝડપ અને પર્યાવરણ સાથે છે , ભારતીય રેલવે હવે લગભગ સંપૂર્ણ બ્રોડગેજ વીજળી કરણની દિશામાં આગળ વધી ચૂકી છે.
‘‘કવચ'': રેલવે સુરક્ષામાં ટેકનોલોજીનો પ્રવેશ
રેલવેની આધુનિકીકરણ યાત્રામાં સૌથી મહત્વપૂર્ણ બાબતોમાંની એક છે કવચ ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ, કવચ એવી સ્વદેશી ટેકનોલોજી છે જે ચોક્કસ પરિસ્થિતિમાં ડ્રાઇવર સમયસર બ્રેક ન લગાવે તો આપ મેળે બ્રેકિગ માં મદદ કરી શકે છે , જુલાઈ ૨૦૨૬ સુધી ૨,૬૩૩ રૂટ કિલોમીટર પર કવચ ૪.૦ કમિશન થઈ ચૂક્યું હતું, જેમાં દિલ્હી-મુંબઈ અને દિલ્હી-હાવડા જેવા મહત્વપૂર્ણ રૂટનો સમાવેશ થાય છે , રેલવે સુરક્ષા સંબંધિત ખર્ચ પણ ૨૦૧૩-૧૪ ના આશરે રૂ.૩૯,૨૦૦ કરોડ થી વધીને ૨૦૨૬-૨૭માં રૂ ૧,૨૦,૩૮૯ કરોડ ના બજેટ સ્તરે પહોંચ્યો છે.૨૦૨૫-૨૬ માં ગંભીર ટ્રેન અકસ્માતો ની સંખ્યા ૧૬ રહી હોવા નું રેલવે મંત્રાલયે એપ્રિલ ૨૦૨૬ માં જણાવ્યું હતું.
પાટા વધ્યા, ક્ષમતા વધી
રેલવે માં મુસાફરો અને માલવહન બંને ની વધતી માંગ ને પહોંચી વળવા નવી લાઇનો, ગેજ કન્વર્ઝન, ડબલિગ અને મલ્ટિ-ટ્રેકિગ પર ભાર મૂકાયો છે , રેલવે મંત્રાલય ના જણાવ્યા પ્રમાણે ૨૦૧૪ માં નવી ટ્રેક લાઇન ઉમેરવા ની ગતિ આશરે ૪ કિમી પ્રતિ દિવસ હતી, જે ૨૦૨૪ ની આસપાસ લગભગ ૧૫ કિમી પ્રતિ દિવસ સુધી પહોંચી હતી , ૨૦૨૩-૨૪ માં આશરે ૫,૨૦૦ કિમી નવા ટ્રેક ઉમેરાયા હતા , ૨૦૨૬ માં રેલવે દ્વારા લગભગ રૂ.૮.૩૧ લાખ કરોડ ની કિમત ના ૫૧૪ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ, આશરે ૪૦,૦૦૦ કિમી વિસ્તાર ને આવરી લેતા, મંજૂર કરાયા હોવાનું પીઆઈબી એ જણાવ્યું છે.
સ્ટેશન હવે માત્ર પ્લેટફોર્મ નહીં, ‘‘અમૃત ભારત સ્ટેશન''
રેલવે સ્ટેશનોના આધુનિકીકરણ માટે અમૃત ભારત સ્ટેશન યોજના શરૂ કરવામાં આવી , ૨૦૨૬ સુધી ૧,૩૪૦ સ્ટેશનોને આ યોજના હેઠળ વિકાસ માટે ઓળખવામાં આવ્યા હતા અને ૧૮ જુલાઈ ૨૦૨૬ સુધી ૨૬૧ સ્ટેશનો નું પુનર્વિકાસ કાર્ય પૂર્ણ થયું હોવા નું સરકારી ફેક્ટશીટ માં જણાવાયું છે, આ યોજના નો ઉદ્દેશ સ્ટેશન ને માત્ર ટ્રેન પકડવાની જગ્યા તરીકે નહીં પરંતુ આધુનિક મુસાફર સુવિધાઓ, વધુ સારી કનેક્ટિવિટી, સુવિધાજનક પ્રવેશ-નિર્ગમન અને શહેર ના મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે વિકસાવવા નો છે.
ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર મુસાફર અને માલગાડી માટે અલગ ક્ષમતા
ભારતીય રેલવે ના વ્યસ્ત નેટવર્ક પર પેસેન્જર અને માલગાડી બંનેને ઝડપથી ચલાવવાનો પડકાર હતો, તે માટે વેસ્ટર્ન અને ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર જેવા પ્રોજેક્ટ્સ દ્વારા માલવહન માટે વિશેષ ક્ષમતા ઉભી કરવામાં આવી, તેનો લાંબા ગાળાનો હેતુ માલગાડી ઓની ઝડપ અને વિશ્વસનીયતા વધારવા સાથે મુખ્ય પેસેન્જર રૂટ પરની ક્ષમતા પણ મુક્ત કરવાનો છે.
‘‘મેક ઇન ઇન્ડિયા'' અને રેલવેનું સ્વદેશીકરણ
વંદે ભારત, આધુનિક કોચ, લોકોમોટિવ, ઇલેક્ટ્રિક ટ્રેક્શન સિસ્ટમ અને સુરક્ષા ટેકનોલોજી માં દેશ ની સ્થાનિક ઉત્પાદન ક્ષમતા વધારવા નો પ્રયાસ થયો છે, ૨૦૨૬માં ભારતે સ્વદેશી રીતે વિકસાવેલી હાઇડ્રોજન ફયુઅલ સેલ ટ્રેનસેટ પણ રજૂ કરી હોવાનું સરકારી ફેક્ટશીટ માં જણાવાયું છે , આ ૧૦-કોચ ની ટ્રેન છે અને તેમાં આશરે ૨,૬૦૦ મુસાફરો ની ક્ષમતા હોવાનું જણાવાયું છે , આ રીતે રેલવે હવે માત્ર પરિવહન વ્યવસ્થા નહીં પરંતુ દેશ ના ઔદ્યોગિક ઉત્પાદન અને ટેકનોલોજી ઇકો સિસ્ટમ નો પણ ભાગ બની રહી છે.
મુંબઈઅમદાવાદ હાઈ-સ્પીડ રેલઃ બુલેટ ટ્રેન તરફ ભારતનું પગલું
ભારતીય રેલવે ના વિકાસ માં સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટો માં મુંબઈઅમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર નો સમાવેશ થાય છે , આ પ્રોજેક્ટ લગભગ ૫૦૮ કિમી લાંબો છે અને ડિઝાઇન સ્પીડ ૩૫૦ કિમી પ્રતિ કલાક રાખવામાં આવી છે , આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ ભારત ની હાઈ-સ્પીડ રેલ ટેકનોલોજી ક્ષમતા માં મહત્વનો ઉમેરો થવાનો છે, એમ પણ કહી શકાય કે છેલ્લા એક દાયકા માં રેલવેનું ધ્યાન ‘‘નવી ટ્રેન'' થી આગળ વધીને ‘‘નવી ક્ષમતા + નવી + ટેકનોલોજી +નવી સુરક્ષા ‘‘નવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર'' તરફ ગયું છે.
એક દાયકાની રેલવે યાત્રાનો સાર
નરેન્દ્રભાઇ મોદી સરકારના સમયગાળામાં ભારતીય રેલવેમાં મુખ્ય પરિવર્તનને પાંચ મોટા શબ્દોમાં સમજી શકાય મોટું મૂડીરોકાણ - ઝડપી વીજળીકરણ - આધુનિક ટ્રેનો - ટેકનોલોજી આધારિત સુરક્ષા - ક્ષમતા વિસ્તરણ. ૨૦૧૪ પછીનો તબક્કો માત્ર નવી ટ્રેનો શરૂ કરવાનો નહીં પરંતુ સમગ્ર રેલવે નેટવર્ક ને આધુનિક બનાવવાનો રહ્યો છે , જોકે, આ પરિવર્તનનું સંપૂર્ણ મૂલ્યાંકન કરવા માટે બજેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે મુસાફરોની સેવા, ભાડું, ભીડ, સમયપાલન, અકસ્માતો અને પ્રોજેક્ટ પૂર્ણતાની ગતિ જેવા પરિબળો પણ સાથે જોવાના રહે છે, ૨૦૧૪થી ૨૦૨૬ સુધીની આ યાત્રાને એક વાક્યમાં કહીએ તો,‘‘ભારતીય રેલવે હવે માત્ર પાટા પર દોડતી ટ્રેન નથી તે ક્ષમતા, ટેક્રોલોજી, સુરક્ષા અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરફ આગળ વધતું વિશાળ રાષ્ટ્રીય પરિવહન નેટવર્ક બની રહ્યું છે.''
(2:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
