તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th July 2026
અયોધ્યામાં નવો કાનૂની સંગ્રામ: રામ મંદિર ભંડોળમાં ચોરીનો આક્ષેપ : ૨૦૧૯ ના ચુકાદાના ભંગ બદલ નિર્મોહી અખાડો સુપ્રીમ કોર્ટમાં
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ' ને પબ્લિકમાંથી પ્રાઇવેટ બનાવી દેવાયાનો સનસનાટીપૂર્ણ દાવો : રામલલાની પૂજા પદ્ધતિ બદલવા અને પવિત્ર ફંડના ફોરેન્સિક ઓડિટની માંગ સાથે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા

અયોધ્યા: અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે તેના સંચાલન અને અબજો રૂપિયાના ભંડોળને લઈને એક મોટો ધાર્મિક અને કાનૂની વિવાદ ફાટી નીકળ્યો છે. રામ જન્મભૂમિ વિવાદમાં સદીઓથી મુખ્ય પક્ષકાર રહેલા 'નિર્મોહી અખાડા' એ સીધો સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરીને કેન્દ્ર સરકાર અને વર્તમાન મંદિર ટ્રસ્ટ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. અખાડાનો દાવો છે કે સુપ્રીમ કોર્ટના વર્ષ ૨૦૧૯ ના ઐતિહાસિક અને સીમાચિહ્નરૂપ ચુકાદાને તેની મૂળ ભાવના અનુસાર લાગુ કરવામાં આવ્યો નથી અને કેન્દ્ર સરકારે કોર્ટના આદેશોની ઘોર ઉપેક્ષા કરીને આ વર્તમાન વિવાદાસ્પદ સ્થિતિ ઊભી કરી છે.
નિર્મોહી અખાડાએ પોતાની નવેસરથી દાખલ કરેલી અરજીમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની કામગીરી અને તેના માળખા પર તીખા સવાલો ઉઠાવ્યા છે. અખાડાએ સનસનાટીપૂર્ણ આરોપ લગાવતા કહ્યું છે કે, આ પવિત્ર જાહેર ટ્રસ્ટને આડકતરી રીતે કેટલાક લોકોએ પોતાના અંગત સ્વાર્થ માટે 'ખાનગી પ્રોપર્ટી' માં ફેરવી નાખ્યું છે, અને ટ્રસ્ટના અમુક સભ્યો પવિત્ર ભંડોળની ચોરી તેમજ ભ્રષ્ટાચારમાં પણ સંડોવાયેલા હોવાની આશંકા છે. અરજીમાં ભારપૂર્વક જણાવાયું છે કે, કોઈપણ મંદિરનું સંચાલન તેના પરંપરાગત સેવકો (શેબૈત) વિના અધૂરું છે, જ્યારે વર્તમાન ટ્રસ્ટમાં એવા અજાણ્યા ચહેરાઓ ઘૂસી ગયા છે જેમનો શ્રી રામ જન્મભૂમિ સાથે કોઈ ઐતિહાસિક, ધાર્મિક કે કાનૂની સંબંધ જ નથી. આથી આખા ટ્રસ્ટનું તાત્કાલિક પુનર્ગઠન કરી નિર્મોહી અખાડાને યોગ્ય અને મુખ્ય ભૂમિકા સોંપવામાં આવે.
આ કાનૂની લડાઈ માત્ર વહીવટ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેમાં કરોડો ભક્તોના દાનના હિસાબ-કિતાબનો પણ મોટો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. અખાડાએ અત્યાર સુધી થયેલા તમામ નાણાકીય વ્યવહારોનું કોઈ નિષ્પક્ષ એજન્સી દ્વારા 'ફોરેન્સિક ઓડિટ' કરાવવાની કડક માંગ કરી છે. આ ઉપરાંત, રામલલાની પૂજા, આરતી, સેવા અને પ્રસાદ વિતરણની વ્યવસ્થા કડક રીતે 'રામાનંદી સંપ્રદાય' ની સનાતન પરંપરાઓ અનુસાર જ થાય અને સંકુલમાં શ્રી રામલલા વિરાજમાનની મૂળ અને પ્રાચીન મૂર્તિઓને જ ફરીથી મુખ્ય સ્થાને સ્થાપિત કરવામાં આવે તેવી દાદ માંગવામાં આવી છે. દેશના કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા સાથે જોડાયેલા આ સંવેદનશીલ મામલે હવે સુપ્રીમ કોર્ટ આગામી દિવસોમાં શું વલણ અપનાવે છે તેના પર સમગ્ર દેશની નજર મંડાયેલી છે.
(10:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
