<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

કાશ્મીરમાં ઘૂસણખોરી માટે ISIના નવા ચીફ મેજર જનરલ મુહમ્મદ શમરેઝ ખાનની નાપાક ચાલ: ભારત વિરુદ્ધ તૈનાત કરી ખતરનાક 'બેટ' ટીમો

પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીના નવા વડાએ આતંકવાદીઓ અને સેનાના પ્રમુખો સાથે બેઠકો યોજીને જમ્મુ-કાશ્મીરમાં ઘુસાડવા માટે નાની અને અત્યંત ઘાતક બોર્ડર એક્શન ટીમ (BAT) ની રચના શરૂ કરી છે.

નવી દિલ્હી, તા.૨૩: પાકિસ્તાનની કુખ્યાત ગુપ્તચર એજન્સી ઇન્ટર-સર્વિસ ઇન્ટેલિજન્સ (ISI) માં તાજેતરમાં થયેલા મોટા સંગઠનાત્મક ફેરફારો બાદ કાશ્મીર ઘીટીમાં ભારતના સુરક્ષા દળો સામે નવું અને મોટું જોખમ ઊભું થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. પાકિસ્તાન દ્વારા મેજર જનરલ મુહમ્મદ શમરેઝ ખાનને ISI ના નવા વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા બાદથી જ ભારત વિરોધી ગતિવિધિઓને વેગ મળ્યો છે. પીઓકે (PoK) માં આવેલા આતંકી લૉન્ચપેડ્સ પરથી ભારતમાં ઘૂસણખોરી કરાવવામાં સતત નિષ્ફળ જઈ રહેલા પાકિસ્તાની શાસકો હવે નવા વડાના નેતૃત્વ હેઠળ પોતાની રણનીતિમાં ધરમૂળથી ફેરફાર કરી રહ્યા છે, જે અંતર્ગત સીમા પર ખતરનાક 'બેટ' (BAT) ટીમોને સક્રિય કરવામાં આવી છે.

ભારતીય ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) ના સૂત્રોના હવાલાથી પ્રાપ્ત અહેવાલો મુજબ, મેજર જનરલ શમરેઝ ખાને પદ સંભાળ્યા બાદથી કોઈ ઉતાવળ દાખવવાને બદલે અત્યંત સાવચેતીપૂર્વક અને ઘાતક રણનીતિ પર કામ શરૂ કર્યું છે. તેઓ હાલ લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીન જેવા કુખ્યાત આતંકવાદી સંગઠનોના ટોચના કમાન્ડરો સાથે સતત ગુપ્ત બેઠકો યોજી રહ્યા છે. પાકિસ્તાની સેના પ્રમુખ અસીમ મુનીર અને ISI ના નવા ચીફ વચ્ચે થયેલી આ બેઠકોનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય સરહદમાં મોટા પ્રમાણમાં આતંકવાદીઓની એન્ટ્રી સુનિશ્ચિત કરવાનો અને લાંબા સમય સુધી તેમને સક્રિય રાખવાનો છે.

આ નવી વ્યૂહરચનાના ભાગરૂપે, સરહદ પર બોર્ડર એક્શન ટીમ્સ (BAT) ને અત્યંત મજબૂત બનાવવામાં આવી રહી છે. અગાઉ આ 'બેટ' ટીમોમાં ૭ થી ૧૦ સભ્યો સામેલ થતા હતા, પરંતુ હવે ભારતીય સુરક્ષા દળોની નજરથી બચવા માટે આ ટીમોનું કદ નાનું અને ચપળ રાખવામાં આવ્યું છે. નવી યોજના મુજબ દરેક ટીમમાં માત્ર ૪ થી ૫ સભ્યો જ હશે, જેમાં બે પાકિસ્તાની કમાન્ડો અને બે આતંકવાદીઓનો સમાવેશ થાય છે. નાની કદની આવી અનેક ટીમો તૈયાર કરીને ભારતીય સુરક્ષા દળોનું ધ્યાન ભટકાવવા અને ગૂંચવણમાં મૂકવાનું મોટું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે.

મેજર જનરલ શમરેઝ ખાનની આ પૃષ્ઠભૂમિની વાત કરીએ તો, તેઓ ૪૦ ફિલ્ડ રેજિમેન્ટના અધિકારી રહી ચૂક્યા છે અને ISI વડા બનતા પહેલા સિંધ રેન્જર્સનું નેતૃત્વ સંભાળતા હતા. વર્ષ ૨૦૨૩માં બઢતી મળ્યા બાદ તેમણે ખારિયાંમાં ૧૭મી ઇન્ફન્ટ્રી ડિવિઝનની કમાન સંભાળી હતી, જે 'બેટ' દળોને હેન્ડલ કરવાનો સારો એવો ફિલ્ડ અનુભવ ધરાવે છે. જો કે તેમની પાસે કાગળ પર ગુપ્તચર કામગીરીનો લાંબો અનુભવ નથી, પરંતુ જમીની સ્તરે સૈન્ય ઓપરેશન્સ અને આક્રમક યુદ્ધનીતિમાં તેમની પક્ડ મજબૂત હોવાનું માનવામાં આવે છે.

છેલ્લા એક મહિનાથી પાકિસ્તાની સૈન્ય વડા અને આતંકી આકાઓ સાથેની તેમની આ બેઠકો સ્પષ્ટ સંકેત આપે છે કે પાકિસ્તાન પોતાની જૂની હરકતોથી बाज આવવા તૈયાર નથી. જમ્મુ-કાશ્મીરમાં શાંતિ ડહોળવા માટે ISI દ્વારા રચવામાં આવી રહેલા આ નવા ષડયંત્રને ધ્યાનમાં રાખીને ભારતીય સુરક્ષા એજન્સીઓ અને સેના પણ સરહદ પર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગઈ છે અને દરેક નાપાક હરકતને જડબાતોડ જવાબ આપવા માટે સજ્જ છે.

(4:28 PM IST)