તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th June 2026
કેન્સર સામેના જંગમાં નવી આશા: ભારતમાં લૉન્ચ થઈ ₹૨.૧૫ લાખની દવા : જાણો કેટલી છે અસરકારક
અમેરિકન ફાર્મા કંપની એલી લીલીએ ભારતીય બજારમાં ઉતારી 'Tanstrive' નામની અત્યાધુનિક કેપ્સ્યુલ: સામાન્ય કીમોથેરાપીના બદલે સીધા કેન્સરના મૂળ એટલે કે ખામીયુક્ત જનીન પર વાર કરવાની ક્ષમતા

નવી દિલ્હી. ભારતમાં ઘાતક કેન્સરના વધી રહેલા કેસો વચ્ચે તબીબી જગતમાંથી એક ખૂબ જ આશાસ્પદ અને મોટા સમાચાર સામે આવ્યા છે. વિશ્વપ્રસિદ્ધ અમેરિકન ફાર્માસ્યુટિકલ કંપની 'એલી લીલી એન્ડ કંપની' એ કેન્સરની સારવાર માટેની તેની અત્યંત અદ્યતન દવા 'ટેનસ્ટ્રાઇવ' ) ને સત્તાવાર રીતે ભારતીય બજારમાં લૉન્ચ કરી દીધી છે. આ દવા કેન્સરની પરંપરાગત સારવાર પદ્ધતિઓ કરતાં બિલકુલ અલગ છે અને તે એવા દર્દીઓ માટે સંજીવની સમાન સાબિત થઈ શકે છે જેમના શરીરમાં કેન્સર 'RET' નામના એક ચોક્કસ જનીન (Gene) પરિવર્તનના કારણે ફેલાઈ રહ્યું હોય. જો કે, આ અદભુત દવાની કિંમત પ્રતિ બોક્સ આશરે ₹૨.૧૫ લાખ હોવાથી હાલ તે ભારે ચર્ચાનો વિષય બની છે.
વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ દવાની સૌથી મોટી ખાસિયત એ છે કે તે 'પ્રિસિઝન થેરાપી' એટલે કે ચોક્કસ લક્ષ્ય પર કામ કરે છે. સામાન્ય કીમોથેરાપીમાં કેન્સરના કોષોની સાથે શરીરના સારા કોષો પણ નાશ પામે છે, જેના કારણે દર્દીને ભારે આડઅસરો (Side Effects) વેઠવી પડે છે. પરંતુ 'ટેનસ્ટ્રાઇવ' શરીરના અન્ય ભાગોને નુકસાન પહોંચાડ્યા વિના, કેન્સરના કોષોને ઝડપથી વધવા માટે પ્રેરિત કરતા ખામીયુક્ત RET જનીનના ખોટા સંકેતોને સીધા બ્લોક કરી દે છે. સરળ શબ્દોમાં કહીએ તો, આ દવા કેન્સરની ગાંઠના મૂળ કારણ પર જ સીધો હુમલો કરીને તેની વૃદ્ધિને અટકાવવામાં સક્ષમ છે.
કંપનીના જણાવ્યા અનુસાર, ભારતમાં આ દવા 40mg, 80mg, 120mg અને 160mg ના ચાર અલગ-અલગ ડોઝમાં ટેબ્લેટ સ્વરૂપે ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેને દર્દીએ ડૉક્ટરની સલાહ મુજબ દિવસમાં બે વાર લેવાની રહેશે. ₹૨.૧૫ લાખની કિંમતના એક બોક્સમાં માત્ર ૧૪ દિવસ એટલે કે બે અઠવાડિયાની સારવારનો જ પુરવઠો આવે છે, જે સામાન્ય પરિવારો માટે ખૂબ જ ખર્ચાળ છે. એલી લીલી ઇન્ડિયાના પ્રમુખ વિન્સલો ટકરે જણાવ્યું કે, વૈશ્વિક સ્તરે હવે જનીન-આધારિત સારવારનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે અને આ દવા ભારતીય દર્દીઓ માટે કેન્સર સામે લડવા માટે એક અત્યંત પ્રભાવશાળી અને આધુનિક હથિયાર સાબિત થશે.
(10:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
