<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

સંયુક્ત રાષ્ટ્ર (UN) ના ૮૦ વર્ષના ઇતિહાસમાં સર્જાશે નવો ઇતિહાસ: પ્રથમ વખત કોઈ મહિલા સંભાળી શકે છે સેક્રેટરી-જનરલનું પદ; રેસમાં બે અગ્રણી મહિલા નેતાઓ સૌથી આગળ

વર્તમાન વડા એન્ટોનિયો ગુટેરેસના સ્થાને લેટિન અમેરિકા પ્રદેશમાંથી નવી પસંદગીની શક્યતા; ગુયાનાના કેરોલિન રોડ્રિગ્સ અને કોસ્ટા રિકાના રેબેકા ગ્રીન્સપાન વચ્ચે ખીલ્યો સ્પર્ધાનો જંગ

નવી દિલ્હી : વિશ્વની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય સંસ્થા સંયુક્ત રાષ્ટ્ર (UN) હાલમાં પોતાના આગામી સેક્રેટરી-જનરલની પસંદગી માટેની જટિલ પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. યુએનના ૮૦ વર્ષના ઐતિહાસિક કાર્યકાળમાં અત્યાર સુધી ક્યારેય કોઈ મહિલા આ સર્વોચ્ચ પદ પર બિરાજમાન થઈ નથી. પરંતુ આ વખતે વર્તમાન મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસનો કાર્યકાળ પૂર્ણ થતાં, કોઈ મહિલા નેતા જ યુએનની કમાન સંભાળે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. પરંપરાગત ભૌગોલિક વારા મુજબ આ વખતે આ પદ લેટિન અમેરિકન અને કેરેબિયન પ્રદેશના ફાળે જઈ રહ્યું છે.

 

આગામી મહાસચિવ માટેની આ પસંદગી અત્યંત પડકારજનક સમયમાં થઈ રહી છે. હાલમાં યુએન ગંભીર નાણાકીય સંકટ, યુએસ દ્વારા ફંડિંગમાં કપાત, તેમજ ગાઝા, યુક્રેન અને સુદાન જેવા વૈશ્વિક સંઘર્ષો ઉકેલવામાં સુરક્ષા પરિષદની નિષ્ફળતા જેવા મોટા પ્રશ્નોનો સામનો કરી રહ્યું છે. નવેમ્બર ૨૦૨૫ થી શરૂ થયેલી આ ચૂંટણી પ્રક્રિયામાં ૧૫ સભ્યોની સુરક્ષા પરિષદ ગુપ્ત 'સ્ટ્રો પોલ' (Straw Polls) મારફતે ઉમેદવારોનું મુલ્યાંકન કરી રહી છે, જે બાદ ૧૯૩ દેશોની મહાસભા આ નામ પર આખરી મંજૂરીની મહોર મારશે.

 

રેસમાં આગળ ચાલી રહેલી બે શક્તિશાળી મહિલાઓ


 

  • કેરોલિન રોડ્રિગ્સ-બિર્કેટ્ટ (ગુયાના): યુએનમાં ગુયાનાના રાજદૂત અને પૂર્વ વિદેશ મંત્રી કેરોલિન હાલમાં આ રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા છે. ઓગસ્ટના સ્ટ્રો પોલમાં તેમને સૌથી વધુ સમર્થન મળ્યું હતું. તેઓ નાના દેશોના હિતોનું રક્ષણ કરવા, શાંતિ, સુરક્ષા અને માનવ અધિકારો વચ્ચે સંતુલન જાળવવા અને વૈશ્વિક નાણાકીય પ્રણાલીમાં સુધારા કરવાના સ્પષ્ટ વિઝન સાથે મેદાનમાં છે.

 

  • રેબેકા ગ્રીન્સપાન (કોસ્ટા રિકા): 'UNCTAD' ના વર્તમાન સેક્રેટરી-જનરલ અને કોસ્ટા રિકાના પૂર્વ ઉપપ્રમુખ રેબેકા ગ્રીન્સપાન પણ મજબૂત દાવેદાર છે. ૨૦૨૨ ની બ્લેક સી ગ્રેન ઇનિશિયેટિવમાં મહત્વની ભૂમિકા ભજવનાર રેબેકા સંસ્થાની કાર્યક્ષમતા વધારવા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ઉપયોગ અને ગરીબ દેશો પરના દેવાના બોજને હળવો કરવા પર ભાર મૂકી રહ્યા છે.

 

જોકે, આખરી નિર્ણય સુરક્ષા પરિષદના વીટો પાવર ધરાવતા ૫ કાયમી સભ્યો (અમેરિકા, રશિયા, ચીન, બ્રિટન અને ફ્રાન્સ) ની સર્વસંમતિ પર આધાર રાખશે. જો કોઈ દેશ વીટોનો ઉપયોગ નહીં કરે, તો આવતા મહિને જનરલ એસેમ્બલીની બેઠક બાદ વિશ્વને તેના પ્રથમ મહિલા યુએન વડા મળી શકે છે, જેઓ ૧ જાન્યુઆરીથી પોતાનો પદભાર સંભાળશે.

 

(8:46 PM IST)