<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

ભારતીય સિનેમામાં નવો ઈતિહાસ: કન્નડ ફિલ્મ 'લંબોદર 2.0'માં નો-VFX કે નો-એનિમેશન, બેંગલુરુમાં તૈયાર કરાયેલ 'જિયા' (JIA) નામની સાચી હ્યુમનોઇડ રોબોટ પ્રથમવાર પ પડદા પર મુખ્ય અભિનેત્રી તરીકે ચમકશે

​પ્રખ્યાત ડાયરેક્ટર સિમ્પલ સુનીના વિજ્ઞાન અને સોશિયલ થ્રિલર આધારિત નવા પ્રોજેક્ટમાં ડિજિટલ યુગના ખતરાઓ, સોશિયલ મીડિયાનું વ્યાસન અને માનવીય એકલતાની વાર્તા દર્શાવાશે; બોલિવૂડ કલાકાર કુણાલ કપૂરનું કન્નડ ડેબ્યૂ અને અનિલ શેટ્ટી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

​બેંગલુરુ: ​ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ટેકનોલોજી અને સિનેમાના અનોખા સંગમ સાથે એક નવો જ ઈતિહાસ રચાવા જઈ રહ્યો છે. અત્યાર સુધી ભારતીય ફિલ્મોમાં રોબોટના પાત્રો માટે કમ્પ્યુટર ગ્રાફિક્સ (VFX), સ્પેશિયલ ઈફેક્ટ્સ કે કોસ્ચ્યુમ પહેરેલા કલાકારોનો ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ હવે કન્નડ સિનેમાના જાણીતા દિગ્દર્શક સિમ્પલ સુની પોતાની આગાઉની સાયન્સ-ફિક્શન થ્રિલર ફિલ્મ 'લંબોદર 2.0' (Lambodhara 2.0) મારફતે એક અભૂતપૂર્વ પ્રયોગ કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મમાં કોઈ બનાવટી ઈફેક્ટ વિના, બેંગલુરુ સ્થિત 'મચાની રોબોટિક્સ' દ્વારા વિશેષરૂપે વિકસાવવામાં આવેલી 'જિયા' (JIA) નામની વાસ્તવિક હ્યુમનોઇડ રોબોટ પડદા પર એક મહત્વપૂર્ણ પાત્ર ભજવતી જોવા મળશે.

​ડિજિટલ યુગની આધુનિક સચ્ચાઈ અને તેનાથી માનવ જીવન પર પડતી અસરોને વણેલી આ ફિલ્મનું શૂટિંગ તાજેતરમાં જ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. આ વિજ્ઞાન અને સોશિયલ થ્રિલર કથામાં વર્તમાન યુવાનો સામે ઉભા થયેલા વિવિધ પડકારો જેવા કે સોશિયલ મીડિયાની ઘેલછા, ડિજિટલ એડિક્શન, વર્ચ્યુઅલ વર્લ્ડ પાછળની ભાગદોડ, ડિજિટલ દેખરેખ અને તેના કારણે સમાજમાં વધી રહેલી એકલતા તથા માનસિક તણાવ જેવા ગંભીર મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે. ટેકનોલોજી કેવી રીતે માનવીય સંવેદનાઓ, સંબંધો અને નિર્ણયોને પ્રભાવિત કરે છે તેનો તાદ્રશ્ય ચિતાર આ ફિલ્મ દ્વારા આપવામાં આવ્યો છે.

​ફિલ્મની સ્ટારકાસ્ટ અને પાત્રોની વાત કરીએ તો, 'લંબોદર 2.0' દ્વારા અનિલ શેટ્ટી મુખ્ય અભિનેતા તરીકે પોતાની એક્ટિંગ કરિયરનો પ્રારંભ કરી રહ્યા છે, જ્યારે સાચી બિન્દ્રા મુખ્ય અભિનેત્રીની ભૂમિકામાં છે. આ ઉપરાંત, 'રંગ દે બસંતી' અને 'ડોન 2' ફેમ બોલિવૂડના જાણીતા કલાકાર કુણાલ કપૂર આ ફિલ્મ દ્વારા કન્નડ સિનેમામાં પદાર્પણ કરવા જઈ રહ્યા છે અને તેમનું પાત્ર વાર્તામાં એક મહત્વનો ટ્વિસ્ટ લાવશે. ફિલ્મમાં મેઘના ગાવંકર પણ અગત્યના રોલમાં નજરે પડશે.

​સિનેમાજગતના નિષ્ણાતોના મતે, રીઅલ-લાઈફ હ્યુમનોઇડ રોબોટને ફિલ્મનો હિસ્સો બનાવીને દિગ્દર્શકે ભારતીય ફિલ્મ મેકિંગ ક્ષેત્રે એક નવી દિશા ચીંધી છે. ટેકનોલોજી અને મનોરંજનના આ અદ્ભુત સમન્વયને કારણે 'લંબોદર 2.0' અત્યારથી જ દક્ષિણ ભારત સહિત દેશભરના સિનેપ્રેમીઓ અને ટેક-ઉત્સાહીઓમાં ભારે આકર્ષણ અને કૌતુકનું કેન્દ્ર બની છે.

(1:56 PM IST)