<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

ભારતીય ચેસ જગતમાં નવો ઇતિહાસ: ૧૭ વર્ષીય અસ્વથ એસ બન્યો દેશનો ૯૮મો ગ્રાન્ડમાસ્ટર, પુણે ઇન્ટરનેશનલમાં મેળવ્યો આખરી જીએમ નોર્મ

અમેરિકાના એફએમ વૈદ્યનાથનને હરાવીને ચેસ સનસનાટી અસ્વથે હાંસલ કરી મોટી સિદ્ધિ: સેંચુરી તરફ આગળ વધતું ભારત, હવે ૨૬૦૦ Elo રેટિંગ આંક વટાવવાનું લક્ષ્ય

પુણે : વૈશ્વિક સ્તરે ભારતીય ચેસના સુવર્ણકાળ વચ્ચે દેશને વધુ એક નવો ચેસ ચેમ્પિયન મળ્યો છે. કન્યાકુમારીના માત્ર ૧૭ વર્ષના ઉભરતા સ્ટાર ખેલાડી અસ્વથ એસ. બુધવારે પુણે ઇન્ટરનેશનલ ગ્રાન્ડમાસ્ટર રાઉન્ડ રોબિન ઇવેન્ટમાં શાનદાર પ્રદર્શન કરીને સત્તાવાર રીતે ભારતનો ૯૮મો ગ્રાન્ડમાસ્ટર (GM) બની ગયો છે. અસ્વથની આ ઐતિહાસિક સફળતા સાથે જ હવે ભારત ચેસ જગતમાં ગ્રાન્ડમાસ્ટર્સની સદી (૧૦૦ જીએમ) ફટકારવાની ખૂબ જ નજીક પહોંચી ગયું છે. હાલમાં જ હર્ષવર્ધન જી.બી. ભારતના ૯૭મા જીએમ બન્યા હતા અને તેના ગણતરીના અઠવાડિયામાં જ અસ્વથે દેશનું ગૌરવ વધાર્યું છે.

વર્ષ ૨૦૦૮ માં જન્મેલા અસ્વથને ચેસની રમત વારસામાં મળી છે. તમિલનાડુના નાગરકોઇલમાં રહેતા અસ્વથના પિતા એસી શિવ પોતે ફૂલ-ટાઇમ કોચ છે અને ત્યાં કેપ ચેસ એકેડેમી ચલાવે છે, જ્યારે તેની માતા શીલા પણ એકેડેમીમાં શિખાઉ બાળકોને ચેસના દાવપેચ શીખવે છે. અસ્વથે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, "જ્યારે હું માત્ર ત્રણ વર્ષનો હતો ત્યારે મેં ચેસ રમવાનું શરૂ કર્યું હતું. તે ઉંમરે હું માત્ર એકેડેમીમાં ચેસના મોહરાના નામ બોલતો ફરતો હતો અને ચાર વર્ષની ઉંમરે મેં પહેલીવાર પ્રોફેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો." બાળપણમાં તમિલનાડુ અંડર-૭ સ્ટેટ ચેમ્પિયનશિપમાં ૯/૯ નો પરફેક્ટ સ્કોર કરીને અસ્વથે પોતાની પ્રતિભા સાબિત કરી દીધી હતી.

આખરી રાઉન્ડમાં કાળા મહોરા સાથે મેળવી વિજયી લીડ:

અસ્વથે પુણે ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટના છેલ્લા નિર્ણાયક રાઉન્ડમાં અમેરિકાના મજબૂત ખેલાડી એફએમ કન્નન વૈદ્યનાથનને કાળા મહોરા (Black Pieces) થી માત આપીને પોતાનો ત્રીજો અને અંતિમ જીએમ નોર્મ હાંસલ કર્યો હતો. જોકે, આ ટુર્નામેન્ટની શરૂઆત અસ્વથ માટે ખરાબ રહી હતી અને તે પ્રથમ મેચ જીએમ અભિજીત ગુપ્તા સામે હારી ગયો હતો. પરંતુ, અદભુત પુનરાગમન કરીને તેણે ૬ જીત, ૨ ડ્રો અને માત્ર ૧ હાર સાથે ૭/૯ નો શાનદાર સ્કોર બનાવ્યો અને ટુર્નામેન્ટમાં બીજું સ્થાન મેળવ્યું. આ પહેલા તેણે ગયા વર્ષે ગ્રેન્કે ઓપનમાં પ્રથમ જીએમ નોર્મ અને ડિસેમ્બરમાં બીજો જીએમ નોર્મ મેળવ્યો હતો.

અસ્વથ હાલમાં જીએમ શ્યામ સુંદર હેઠળ કઠિન તાલીમ લઈ રહ્યો છે. ભવિષ્યના લક્ષ્યો વિશે વાત કરતા આ યુવા ગ્રાન્ડમાસ્ટરે ભારે આત્મવિશ્વાસ સાથે કહ્યું કે, "હું બધું શક્ય એટલું સરળ રાખવા માંગતો હતો. હવે મારું આગામી લક્ષ્ય વહેલામાં વહેલી તકે ૨૬૦૦ Elo રેટિંગ માર્ક સુધી પહોંચવાનું છે, ત્યારબાદ ૨૭૦૦ અને અંતે ૨૮૦0 સુધી પહોંચીને વિશ્વના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાં સ્થાન મેળવવાનું છે." આર પ્રજ્ઞાનંધા, ડી ગુકેશ અને આર વૈશાલી જેવા દિગ્ગજોની વૈશ્વિક સફળતા બાદ હવે અસ્વથ જેવી નવી પેઢી ભારતીય ચેસના વિજય રથને આગળ ધપાવી રહી છે.

(7:52 PM IST)