તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 11th September 2026
બાયોમેટ્રિક આધાર વેરિફિકેશન વિના દેશભરમાં નહીં મળે નવું જીએસટી રજીસ્ટ્રેશન
દિલ્હી હાઈકોર્ટનો કડક આદેશ : કરોડોની કરચોરી રોકવા હાઈકોર્ટ લાલઘૂમઃ સરકાર પાસે માંગ્યો જવાબઃ ૨૨ સપ્ટેમ્બરે આગામી સુનાવણી

નવી દિલ્હી, તા.૧૧: નકલી જીએસટી રજીસ્ટ્રેશન અને ઓળખ ચોરીની વધતી જતી ઘટનાઓ પર અંકુશ મેળવવા માટે દિલ્હી હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ અને કડક વચગાળાનો આદેશ જારી કર્યો છે. કોર્ટે સ્પષ્ટપણે નિર્દેશ આપ્યો છે કે બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન વગર દેશભરમાં કોઈપણ નવું જીએસટી રજીસ્ટ્રેશન જારી કરવામાં ન આવે.
ન્યાયાધીશ અનિલ ખેતરપાલ અને એમ.એસ. શૈલી જૈનની બેન્ચે બે પીડિતો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓની સુનાવણી દરમિયાન આ આદેશ આપ્યો હતો. આ કેસમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા પીડિતોના પાન કાર્ડ અને આધાર વિગતોનો દુરુપયોગ કરી તેમના નામે નકલી જીએસટી રજીસ્ટ્રેશન મેળવવામાં આવ્યા હતા. આ નકલી ખાતાઓ દ્વારા મોટા પાયે શંકાસ્પદ નાણાકીય વ્યવહારો કરાતા પીડિતો પર જંગી કર જવાબદારીઓ ઊભી થઈ હતી, જ્યારે વાસ્તવમાં પીડિતોને આ અંગે કોઈ જ જાણ નહોતી.
કોર્ટની સુનાવણી દરમિયાન સરકારી વકીલે જણાવ્યું કે હાલમાં માત્ર જોખમી જણાતા કિસ્સાઓમાં જ બાયોમેટ્રિક આધાર ચકાસણી થાય છે. જો કે, કોર્ટનું ધ્યાન રાજ્યસભામાં નાણા રાજ્યમંત્રી દ્વારા રજૂ કરવામાં આવેલા ચોંકાવનારા આંકડાઓ તરફ દોરવામાં આવ્યું હતું.
વર્ષ ૨૦૨૩-૨૪માં ચોરાયેલા અથવા સ્થિર પાન/આધારનો ઉપયોગ કરીને ૨,૮૦૦ નકલી જીએસટી નોંધણીઓ થઈ હતી, જેનાથી રૂ.૧૫,૦૮૫ કરોડની કરચોરી થઈ હતી. વર્ષ ૨૦૨૪-૨૫માં આવા ૧,૬૫૪ કેસ સામે આવ્યા હતા, જેમાં રૂ.૧૩,૧૦૯ કરોડની કરચોરીનો સમાવેશ થાય છે.
દિલ્હી હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી કે સંસદમાં મંત્રીના નિવેદનના એક વર્ષ પછી પણ કાયદો સંપૂર્ણપણે લાગુ કરવામાં આવ્યો નથી. કોર્ટે જણાવ્યું કે આનાથી સરકારને મોટું રાજસ્વ નુકસાન તો થાય જ છે, સાથેસાથે નિર્દોષ નાગરિકો પણ હેરાન થાય છે. આ પ્રકરણની આગામી સુનાવણી આગામી ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ હાથ ધરવામાં આવશે
(3:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
