<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

રાજકીય નેતાઓના નામ પર સાયબર ફ્રોડનો નવો ખેલ: હવે પ્રિયંકા ગાંધીનો AI-જનરેટેડ નકલી અવાજ વાપરીને રોકાણકારોને છેતરવાનો પ્રયાસ, કાર્યાલયે જાહેર કર્યું 'સ્કેમ એલર્ટ'!

WhatsApp અને Instagram પર પ્રિયંકા ગાંધીના ફોટા અને અવાજ વાળા ફેક વીડિયો વાઈરલ; લોકોને નાણાંનું રોકાણ ન કરવા અને આવી શંકાસ્પદ પોસ્ટ્સને બ્લોક-રિપોર્ટ કરવા અપીલ

નવી દિલ્હી, તા.10: દેશમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજીના વધતા ઉપયોગ સાથે સાયબર ગુનાઓના પ્રમાણમાં પણ ચિંતાજનક વધારો થયો છે. હવે સાયબર ઠગોએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાના નામ અને અવાજનો ઉપયોગ કરીને લોકોને છેતરવાનું નવું ષડયંત્ર રચ્યું છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને, પ્રિયંકા ગાંધીના કાર્યાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Instagram પર એક સત્તાવાર 'સ્કેમ એલર્ટ' (Scam Alert) જારી કરીને લોકોને સાવચેત કર્યા છે.

 

AI-જનરેટેડ ફેક વીડિયો દ્વારા રોકાણની લાલચ

 

પ્રિયંકા ગાંધીના કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, WhatsApp, Instagram અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પ્રિયંકા ગાંધીના ફોટા અને અવાજનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવેલા AI-જનરેટેડ (Deepfake) નકલી વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. આ બનાવટી વીડિયોમાં લોકોને વિવિધ યોજનાઓમાં નાણાંનું રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. કાર્યાલયે સ્પષ્ટતા કરી છે કે આવા તમામ વીડિયો સંપૂર્ણપણે છેતરપિંડીથી ભરેલા છે. લોકોને નમ્ર વિનંતી કરવામાં આવી છે કે તેઓ આવા વીડિયોમાં આપેલી કોઈ પણ લિંક પર ક્લિક ન કરે, રોકાણ ન કરે અને આવી શંકાસ્પદ પોસ્ટ્સને તરત જ રિપોર્ટ અથવા બ્લોક કરે.

 

નેતાઓ અને સેલિબ્રિટીઓના નામે વધતા સાયબર ગુના

 

ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે ઓગસ્ટ મહિનામાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણનો પણ આવો જ એક AI-જનરેટેડ બનાવટી વીડિયો સામે આવ્યો હતો, જેને સરકારે સત્તાવાર રીતે નકારી કાઢ્યો હતો. સાયબર ગુનેગારો હવે છેતરપિંડી માટે લોકપ્રિય રાજકીય નેતાઓ અને સેલિબ્રિટીઓના નકલી વીડિયો અને અવાજ તૈયાર કરવા માટે AI ટેક્નોલોજીનો દુરુપયોગ કરી રહ્યા છે. નિષ્ણાતો સલાહ આપે છે કે રોકાણ પર અવાસ્તવિક નફાની લાલચ આપતા વીડિયો કે લિંક્સથી સાવધ રહેવું જોઈએ અને કોઈ પણ રોકાણ કરતા પહેલા તેની વિશ્વસનીયતાની સત્તાવાર વેબસાઇટ પર ચકાસણી ચોક્કસપણે કરવી જોઈએ.

(5:37 PM IST)