<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

નવી દિલ્હી અને કોલકાતામાં બાંગ્લાદેશી રાજદૂતોની નિમણૂક પર મોટો વિવાદ! ભારત વિરોધી ઝેર ઓકનારા પત્રકારોને ડિપ્લોમેટ બનાવતાં વિદેશ મંત્રાલયમાં ચર્ચા ગરમાઈ

શેખ હસીનાના પતન બાદ ભારત સાથે સંબંધો સુધારવાનો દાવો કરતા બાંગ્લાદેશની બેવડી નીતિ ખુલ્લી પડી: સોશિયલ મીડિયા પરથી ભારત વિરોધી પોસ્ટ ડિલીટ કરીને ઉભો કરાયો નવો વિવાદ

નવી દિલ્હી, તા.૨૩: ઓગસ્ટ ૨૦૨૪ માં શેખ હસીના સરકારના પતન બાદ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના રાજદ્વારી સંબંધો વણસ્યા હતા. હવે જ્યારે બંને દેશો દ્વિપક્ષીય સંબંધોને ફરીથી સામાન્ય બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે બાંગ્લાદેશ સરકારના એક નવા નિર્ણયે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. ભારતમાં સ્થિત બાંગ્લાદેશી હાઈકમિશન અને ડેપ્યુટી હાઈકમિશનમાં અત્યંત સંવેદનશીલ એવા 'પ્રેસ મંત્રી' અને 'પ્રથમ સચિવ' ના હોદ્દા પર એવા પત્રકારોની નિમણૂક કરવામાં આવી છે, જેઓ ભૂતકાળમાં સોશિયલ મીડિયા પર ભારત વિરોધી ઝેરીલા વિચારો રજૂ કરી ચૂક્યા છે.
કોણ છે આ વિવાદિત પત્રકારો?
બાંગ્લાદેશના જાહેર વહીવટ મંત્રાલય દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ:
૧. મોહમ્મદ સૈદુર રહેમાન: બાંગ્લાદેશના દૈનિક 'ધ ડેઇલી ઇત્તેફાક' ના વરિષ્ઠ પત્રકાર રહેમાનને નવી દિલ્હી સ્થિત બાંગ્લાદેશ હાઇ કમિશનમાં મંત્રી (પ્રેસ) તરીકે એક વર્ષના કરાર પર નિયુક્ત કરવામાં આવ્યા છે.
૨. ઉમ્મે મારુફા: 'ન્યૂઝ૨૪' ટીવી ચેનલના ખાસ સંવાદદાતા ઉમ્મે મારુફાને કોલકાતામાં બાંગ્લાદેશ ડેપ્યુટી હાઇ કમિશન ખાતે ફર્સ્ટ સેક્રેટરી (પ્રેસ) તરીકે નામાંકિત કરાયા છે.
ભારતના વિજય અને સાર્વભૌમત્વ પર ઉઠાવ્યા હતા સવાલો
આ બંને અધિકારીઓની ભૂતકાળની સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ બહાર આવતાં જ ભારે વિરોધ શરૂ થયો છે:
•    ૧૯૭૧ ના મુક્તિ યુદ્ધનો અનાદર: ડિસેમ્બર ૨૦૨૪ માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૯૭૧ ના ભારત-પાક યુદ્ધના શહીદોને શ્રદ્ધાંજલિ આપી ત્યારે સૈદુર રહેમાને ફેસબુક પર પોસ્ટ લખીને ભારતની સૈન્ય ભૂમિકાને નકારી કાઢી હતી. તેણે દાવા સાથે લખ્યું હતું કે "૧૯૭૧ નો વિજય ભારતનો નથી પરંતુ અમારો છે" અને ભારત પર બાંગ્લાદેશને "વસાહતી પકડ" (Colonial Grip) માં રાખવાનો આક્ષેપ કર્યો હતો.
•    ઉત્તર-પૂર્વીય રાજ્યો (સેવન સિસ્ટર્સ) પર વિવાદિત ટિપ્પણી: ઉમ્મે મારુફાએ બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસની એ ટિપ્પણીને સમર્થન આપતી પોસ્ટ્સ શેર કરી હતી, જેમાં ભારતના ઉત્તર-પૂર્વીય ૭ રાજ્યોને 'લેન્ડલોક્ડ' ગણાવી ચીન સામે બાંગ્લાદેશને સમુદ્રી માર્ગનો એકમાત્ર રક્ષક ગણાવાયો હતો.
વિવાદ વધતાં સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાંથી પોસ્ટ્સ ગાયબ
ભારતીય મીડિયા અને રાજદ્વારી વર્તુળોમાં આ નિમણૂકો સામે અવાજ ઉઠતાં જ, બંને પત્રકારોએ પોતાની જૂની તમામ ભારત વિરોધી ફેસબુક પોસ્ટ્સ કાં તો ડિલીટ કરી દીધી છે અથવા પ્રાઈવેટ કરી દીધી છે. જોકે, આ પોસ્ટ્સના સ્ક્રીનશોટ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યા છે.
રાજકીય વિશ્લેષકોના મતે, બાંગ્લાદેશ ભારત સાથે સંબંધો સુધારવાની વાત કરે છે પરંતુ નવી દિલ્હીમાં પોતાના સત્તાવાર ચહેરા તરીકે ભારત વિરોધી માનસિકતા ધરાવતા લોકોને બેસાડીને વિરોધાભાસી સંકેતો આપી રહ્યું છે. ભારત સરકાર આ નિમણૂકોને કેટલી ગંભીરતાથી લે છે તેના પર હવે સૌની નજર ટકેલી છે.

(4:47 PM IST)