<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

પૂર્વોત્તર ભારતમાં ક્રિકેટનો નવો સૂર્યોદય: PM મોદી આવતીકાલે સિક્કિમમાં ₹23 કરોડની અત્યાધુનિક ઇન્ડોર ક્રિકેટ એકેડેમીનું કરશે ઉદ્ઘાટન

BCCI ની મોટી ભેટ: ગંગટોકથી એકસાથે 6 ઉત્તર-પૂર્વીય રાજ્યોની ક્રિકેટ સુવિધાઓનું લોકાર્પણ થશે; ICC ચેરમેન જય શાહ અને દિગ્ગજ અધિકારીઓ સિક્કિમ પહોંચ્યા

ગંગટોક, તા. 27: ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં રમતગમતના માળખાને મજબૂત કરવાના હેતુથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે 28 એપ્રિલે સિક્કિમની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ સિક્કિમના રંગપો ખાતે બનેલી અત્યાધુનિક ઇન્ડોર ક્રિકેટ એકેડેમીનું ઔપચારિક ઉદ્ઘાટન કરશે. આશરે ₹23 કરોડના ખર્ચે તૈયાર થયેલી આ એકેડેમી પૂર્વોત્તરના ઉભરતા ક્રિકેટરો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
જય શાહ અને BCCI ની ટીમ બાગડોગરા પહોંચી
આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના ચેરમેન જય શાહ રવિવારે સાંજે જ પશ્ચિમ બંગાળના બાગડોગરા એરપોર્ટ પહોંચી ગયા હતા. તેમની સાથે BCCI ના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા છે. એરપોર્ટ પર સિક્કિમ ક્રિકેટ એસોસિએશન (SICA) ના પ્રમુખ ટીકા સુબ્બા અને અન્ય અધિકારીઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જય શાહની આ મુલાકાત પૂર્વોત્તર ભારતમાં ક્રિકેટના વિકાસ માટે BCCI ની ગંભીરતા દર્શાવે છે.
શું છે આ એકેડેમીની ખાસિયત?
સિક્કિમ ક્રિકેટ ગ્રાઉન્ડના પરિસરમાં વિકસાવવામાં આવેલી આ ઇન્ડોર એકેડેમી આધુનિક સુવિધાઓથી સજ્જ છે. પહાડી વિસ્તારોમાં પ્રતિકૂળ હવામાન અને વરસાદ દરમિયાન પણ ખેલાડીઓ પ્રેક્ટિસ ચાલુ રાખી શકે તે માટે અહીં 'ઇન્ડોર નેટ્સ' ની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, અહીં વર્લ્ડ ક્લાસ જિમ્નેશિયમ, સ્વિમિંગ પૂલ અને હાઈ-ટેક ટ્રેનિંગ સેન્ટર બનાવવામાં આવ્યું છે, જે સ્થાનિક પ્રતિભાઓને આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમ પૂરી પાડશે.
એક કાર્યક્રમ, છ રાજ્યોને ફાયદો
BCCI સચિવ દેવજીત સૈકિયાએ જણાવ્યું હતું કે, PM મોદી માત્ર સિક્કિમ જ નહીં પરંતુ પૂર્વોત્તરના અન્ય પાંચ રાજ્યોમાં પણ આવી જ માળખાકીય સુવિધાઓનું ઉદ્ઘાટન ગંગટોકથી રિમોટ કંટ્રોલ દ્વારા કરશે. 2019 સુધી આ પ્રદેશના માત્ર બે રાજ્યો પાસે BCCI નું કાયમી સભ્યપદ હતું, પરંતુ હવે તમામ રાજ્યોને સભ્યપદ આપીને તેમને મુખ્ય પ્રવાહમાં લાવવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.
પૂર્વોત્તરના ક્રિકેટરો માટે ગોલ્ડન ચાન્સ
2022 માં શરૂ થયેલો આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હવે પૂર્ણ થયો છે. સિક્કિમ જેવા પહાડી રાજ્યમાં ક્રિકેટની આવી સુવિધા મળવાથી ભવિષ્યમાં ભારતીય ટીમમાં પૂર્વોત્તરના વધુ ખેલાડીઓ જોવા મળી શકે છે. પ્રધાનમંત્રી મોદીના હસ્તે થનારા આ ઉદ્ઘાટનથી સ્થાનિક યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આખો ગંગટોક શહેર આ ભવ્ય ઉદ્ઘાટન સમારોહ માટે સજ્જ થઈ ગયું છે.

(5:06 PM IST)