<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

પ્રવાસન ક્ષેત્રે ભારત-રશિયાના સંબંધોમાં નવો અધ્યાય: મુંબઈ અને સેન્ટ પીટર્સબર્ગ વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ કરવાનો માસ્ટરપ્લાન

સિસ્ટર સિટી પાર્ટનરશિપના ૬૦ વર્ષની ઉજવણી પૂર્વે હવાઈ જોડાણ મજબૂત કરવા મહારાષ્ટ્ર ટુરિઝમ અને રશિયન કોન્સ્યુલેટ વચ્ચે મહત્વની બેઠક; મુસાફરીનો સમય ઘટશે અને વેપાર-રોકાણને મળવાનો નવો વેગ

મુંબઈ : બદલાતા વૈશ્વિક પ્રવાસન પ્રવાહો વચ્ચે ભારત અને રશિયા વચ્ચે દ્વિપક્ષીય પ્રવાસન અને વ્યાપારિક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર ટુરિઝમ અને રશિયન ફેડરેશનના કોન્સ્યુલેટ જનરલના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે યોજાયેલી બેઠકમાં મુંબઈ (BOM) અને રશિયાના સાંસ્કૃતિક કેન્દ્ર એવા સેન્ટ પીટર્સબર્ગ (LED) વચ્ચે સીધી એરલાઇન સેવાઓ શરૂ કરવાની પ્રસ્તાવના મૂકવામાં આવી છે.

મુસાફરીનો સમય ઘટશે: વેપાર અને ટૂરિઝમને મોટો ફાયદો

હાલમાં મુંબઈ અને સેન્ટ પીટર્સબર્ગ વચ્ચે પ્રવાસ કરતા મુસાફરોએ મધ્ય પૂર્વના દેશો કે અન્ય કનેક્ટિંગ ફ્લાઇટ્સ પર નિર્ભર રહેવું પડે છે. આ નવી 'પોઇન્ટ-ટુ-પોઇન્ટ એર કોરિડોર' સેવા શરૂ થવાથી મુસાફરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો થશે.

·         રોકાણ અને હોસ્પિટાલિટી: સીધી ફ્લાઇટ્સથી બંને પ્રદેશો વચ્ચે સરહદ પાર રોકાણ, વેપાર અને હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી તકો ઊભી થશે.

·         સાંસ્કૃતિક વિનિમય: રશિયન આઉટબાઉન્ડ પ્રવાસીઓ માટે મહારાષ્ટ્રના દરિયાકાંઠા અને ઐતિહાસિક સ્થળો પ્રિય બની રહ્યા છે, જ્યારે યુનેસ્કો હેરિટેજ આર્કિટેક્ચર અને હર્મિટેજ મ્યુઝિયમ ધરાવતું સેન્ટ પીટર્સબર્ગ ભારતીયો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

સિસ્ટર સિટીની ૬૦મી વર્ષગાંઠ અને આગામી આયોજન

વર્ષ ૧૯૬૭ માં શરૂ થયેલી મુંબઈ-સેન્ટ પીટર્સબર્ગ ‘સિસ્ટર સિટી પાર્ટનરશિપ’ ને ટૂંક સમયમાં ૬૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ નિમિત્તે સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે સેન્ટ પીટર્સબર્ગનું એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સપ્ટેમ્બર ૨૦૨૬ માં મુંબઈની મુલાકાત લેશે, જ્યાં ભારતીય ટૂર ઓપરેટરો અને ટ્રાવેલ મીડિયા માટે વિશેષ ડેસ્ટિનેશન શોકેસનું આયોજન કરવામાં આવશે.

મહારાષ્ટ્રના ટુરિઝમ ડિરેક્ટર મંગેશ જોશીએ જણાવ્યું હતું કે, "અમે રશિયન પ્રતિનિધિમંડળના પ્રસ્તાવોનું સ્વાગત કરીએ છીએ અને હવાઈ જોડાણ તથા પરસ્પર પ્રવાસન પ્રમોશન માટે સાથે મળીને કામ કરવા ઉત્સાહિત છીએ."

(8:42 PM IST)