તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 3rd October 2026
મોંઘવારીનો નવો ઝટકો: ખાનગી ક્ષેત્રની નાયરા એનર્જીએ ઇંધણના ભાવમાં મસમોટો વધારો ઝીંક્યો; પેટ્રોલ પ્રતિ લિટર ₹૫ અને ડીઝલ ₹૩ મોંઘું થયું
આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલની કિંમતોમાં અસ્થિરતા વચ્ચે ખાનગી ઓઇલ માર્કેટિંગ કંપનીએ ભાવ વધારાની પહેલ કરી; સરકારી કંપનીઓ તરફથી હજુ સુધી ભાવ બદલાવ અંગે કોઈ સત્તાવાર નિર્ણય નહીં

અમદાવાદ / મુંબઈ: દેશમાં ઈંધણના ભાવને લઈને સામાન્ય જનતા અને વાહનચાલકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ખાનગી ક્ષેત્રની જાણીતી ઓઈલ માર્કેટિંગ કંપની 'નાયરા એનર્જી' (Nayara Energy) દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તાત્કાલિક અસરથી મોટો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. કંપનીના આ નિર્ણય બાદ નાયરા એનર્જીના પેટ્રોલ પંપો પર પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર ₹૫ સુધીનો અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ₹૩ સુધીનો વધારો અમલી બની ગયો છે.
અગાઉ પણ જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષના કારણે વૈશ્વિક સ્તરે તેલના ભાવમાં ભડકો થયો હતો, ત્યારે માર્ચ મહિના દરમિયાન સૌથી પહેલા ઈંધણના દર વધારવામાં નાયરા એનર્જી જ આગળ રહી હતી. હવે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (ક્રૂડ ઓઇલ)ની કિંમતોમાં જોવા મળી રહેલા ચડાવ-ઉતાર અને નાણાકીય દબાણને ટાંકીને કંપનીએ પોતાના રિટેલ આઉટલેટ્સ પર ઈંધણના દરમાં આ વધારો ઝીંકી દીધો છે.
બીજી તરફ, ઈન્ડિયન ઓઈલ (IOCL), ભારત પેટ્રોલીયમ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલીયમ (HPCL) જેવી સરકારી ક્ષેત્રની મુખ્ય ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા ઈંધણના ભાવ વધારવા અંગે હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. જોકે, ખાનગી ક્ષેત્રની અગ્રણી કંપની દ્વારા કરવામાં આવેલા આ જંગી ભાવવધારા બાદ હવે સરકારી તેલ કંપનીઓ પણ આગામી દિવસોમાં ભાવવધારો કરશે કે કેમ તે અંગે વાહનચાલકો અને વેપારી આલમમાં મોટો ઉત્સુકતા અને ચિંતાનો માહોલ સર્જાયો છે.
નાયરા એનર્જીના આ અચાનક લેવાયેલા નિર્ણયના કારણે ખાસ કરીને જે વાહનચાલકો નાયરાના આઉટલેટ્સ પરથી નિયમિત ઈંધણ પુરાવે છે તેમના ખિસ્સા પર સીધો આર્થિક બોજ વધશે. આ સિવાય ડીઝલના ભાવ વધવાથી માલસામાનની હેરફેર (ટ્રાન્સપોર્ટેશન) મોંઘી થવાની અને તેના લીધે દૈનિક જરૂરિયાતની વસ્તુઓના ભાવ પર પણ તેની પરોક્ષ અસર પડવાની શંકા સેવવામાં આવી રહી છે.
(3:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
