<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

પાકિસ્તાનમાં આતંકનું નવું સરનામું: 'ઇત્તેહાદ-ઉલ-મુજાહિદ્દીન'નો લોહીયાળ ખેલ : એકસાથે 15 સૈનિકોના લીધા જીવ

ત્રણ ખૂંખાર જૂથોના વિલીનીકરણથી બનેલા આ સંગઠને સોશિયલ મીડિયા પર પ્રચાર કર્યા બાદ બન્નુમાં કર્યો આત્મઘાતી હુમલો : સેનાના મજબૂત ગઢ ગણાતા વિસ્તારમાં થયેલા આ વિસ્ફોટથી પાકિસ્તાન સરકાર અને સુરક્ષા એજન્સીઓ સ્તબ્ધ

ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં સુરક્ષા વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતા એક નવા આતંકવાદી સંગઠન 'ઇત્તેહાદ-ઉલ-મુજાહિદ્દીન'એ પોતાનો આતંક ફેલાવવાનું શરૂ કરી દીધું છે. વર્ષ 2025માં સ્થપાયેલા આ સંગઠને રવિવારે બન્નુ વિસ્તારમાં પાકિસ્તાની સેના પર ભયાનક આત્મઘાતી હુમલો કર્યો, જેમાં 15 સૈનિકોએ જીવ ગુમાવ્યા છે. નોંધનીય છે કે આ હુમલા પહેલા સંગઠને છેલ્લા એક વર્ષથી સોશિયલ મીડિયા અને ટેલિગ્રામ પર જોરશોરથી પ્રચાર કરીને લશ્કરી સ્થાપનોને ઉડાવી દેવાની ધમકી આપી હતી. જે વિસ્તારને પાકિસ્તાની સેના સુરક્ષિત હોવાનો દાવો કરતી હતી, ત્યાં જ આટલો મોટો હુમલો થવો એ વહીવટી તંત્રની નિષ્ફળતા પર મોટા સવાલો ઉભા કરે છે.

આ આતંકવાદી સંગઠનનો ઇતિહાસ જોતા જણાય છે કે તે ઇસ્લામિક ક્રાંતિ, લશ્કર-એ-ઇસ્લામ અને હાફિઝ ગુલ બહાદુરના જૂથના મિશ્રણથી બન્યું છે. ખાસ વાત એ છે કે હાફિઝ ગુલના જૂથને અગાઉ પાકિસ્તાની સરકારે 'ગુડ તાલિબાન' ગણાવ્યું હતું, જે હવે ભસ્માસુર સાબિત થઈ રહ્યું છે. આ સંગઠન મુખ્યત્વે અફઘાન સરહદ પાસે આવેલા ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સક્રિય છે. પોતાની ઓળખ છુપાવવા માટે આ જૂથે કોઈ સત્તાવાર નેતા જાહેર કર્યો નથી, પરંતુ મહમુદુલ હસન નામનો આતંકવાદી તેનો પ્રવક્તા હોવાનું માનવામાં આવે છે, જે અંગ્રેજી, ઉર્દૂ અને પશ્તોમાં ઝેરીલો પ્રચાર કરે છે.

પાકિસ્તાન સરકારે આ લોહીયાળ હુમલાનો દોષ અફઘાનિસ્તાન પર ઢોળતા દાવો કર્યો છે કે આતંકવાદીઓને પાડોશી દેશ તરફથી ઈશારો મળ્યો હતો. જોકે, નિષ્ણાતો માને છે કે TTP અને બલૂચ લિબરેશન આર્મી નબળા પડતા હવે ઇત્તેહાદ-ઉલ-મુજાહિદ્દીન તે જગ્યા લેવાનો પ્રયાસ કરી રહ્યું છે. પાકિસ્તાન સરકાર અને સેનાએ આ સંગઠનને જડબાતોડ જવાબ આપવાની વાત કરી છે, પરંતુ સોશિયલ મીડિયાના માધ્યમથી જે રીતે આ જૂથ યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યું છે તે દેશ માટે લાંબા ગાળાનું જોખમ બની શકે છે. બન્નુની આ ઘટનાએ સાબિત કર્યું છે કે પાકિસ્તાનની 'આતંકવાદને પોષવાની' નીતિ હવે તેના પોતાના માટે જ ઘાતક બની રહી છે.

(7:30 PM IST)