News of Sunday, 24th May 2026
ન્યુરાલિંક ચિપ પર ઇલોન મસ્કના વિવાદાસ્પદ નિવેદનથી વૈશ્વિક સ્તરે મોટો હોબાળો : ટેકનોલોજીની સરખામણી ઈસુ ખ્રિસ્તના ચમત્કારો સાથે કરી
ટેસ્લા અને સ્પેસએક્સના વડાના દાવા સામે ધાર્મિક સંગઠનો અને વૈજ્ઞાનિકોમાં ભારે આક્રોશ : મગજની ચિપ દ્વારા અસાધ્ય રોગો મટાડવાના નિવેદનને અહંકારી ગણાવ્યું

ન્યૂયોર્ક: વિશ્વના અબજોપતિ ઉદ્યોગપતિ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સના માલિક ઇલોન મસ્કે તેમની બ્રેઈન-ચિપ કંપની ‘ન્યુરાલિંક’ (Neuralink) ને લઈને એક અત્યંત ચોંકાવનારી અને વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. ઇલોન મસ્કે દાવો કર્યો છે કે ન્યુરાલિંક ટેકનોલોજી ભવિષ્યમાં માનવ ઇતિહાસમાં ઈસુ ખ્રિસ્તના સ્તરના ચમત્કારો (Jesus-Level Miracles) કરવા માટે સક્ષમ બનશે. આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ વૈશ્વિક સ્તરે એક નવો મોટો વિવાદ અને ધાર્મિક જંગ ફાટી નીકળ્યો છે.
ઇલોન મસ્કે એક જાહેર કાર્યક્રમ દરમિયાન ન્યુરાલિંકના ભવિષ્યના રોડમેપ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, આ નાની ચિપ મનુષ્યના મગજમાં ફિટ કરીને અંધ લોકોને ફરીથી દ્રષ્ટિ આપી શકાશે અને જેઓ જન્મથી ચાલી શકતા નથી તેવા લકવાગ્રસ્ત દર્દીઓને પણ ફરીથી ચાલતા કરી શકાશે. તેમણે આ તબીબી ક્રાંતિની સરખામણી બાઇબલમાં વર્ણવેલા ઈસુ ખ્રિસ્તના ચમત્કારો સાથે કરી દીધી હતી. વિવેચકોના મતે, ઇલોન મસ્ક પોતાની બ્રાન્ડનું માર્કેટિંગ કરવા માટે ધાર્મિક લાગણીઓનો દુરુપયોગ કરી રહ્યા છે.
આ વિવાદાસ્પદ સરખામણીના કારણે દુનિયાભરના વિવિધ ઈસાઈ (ખ્રિસ્તી) ધાર્મિક સંગઠનો અને ચર્ચના વડાઓએ ઇલોન મસ્ક સામે આકરો વિરોધ નોંધાવ્યો છે. ધાર્મિક નેતાઓનું કહેવું છે કે વૈજ્ઞાનિક શોધ અને આસ્થા બે અલગ બાબતો છે અને કોઈ પણ જીવંત મનુષ્ય કે ટેકનોલોજી ઈસુ ખ્રિસ્તના પવિત્ર ચમત્કારોની બરાબરી કરી શકે નહીં. ઇલોન મસ્કનું આ વલણ અત્યંત અહંકારી અને કરોડો લોકોની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડનારું છે.
બીજી તરફ, તબીબી જગતના વૈજ્ઞાનિકો અને ન્યુરોલોજીસ્ટ્સે પણ આ બાબતે ચિંતા વ્યક્ત કરી છે. નિષ્ણાતોનું કહેવું છે કે ન્યુરાલિંક હજુ પ્રારંભિક હ્યુમન ટ્રાયલના તબક્કામાં છે અને તેના લાંબા ગાળાના પરિણામો કે આડઅસરો વિશે કોઈ ચોક્કસ વૈજ્ઞાનિક પુરાવા નથી. આવા સમયે મનુષ્યોને અવાસ્તવિક આશાઓ આપવી અને મોટા દાવા કરવા તે તબીબી નૈતિકતાની વિરુદ્ધ છે. આ આખા વિવાદ પર સોશિયલ મીડિયા યુઝર્સ પણ બે ભાગમાં વહેંચાઈ ગયા છે.
(11:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
