<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

પશ્ચિમ કાંઠે બે ઇઝરાયેલી સૈનિકોની હત્યા બાદ નેતન્યાહુનો આક્રમક આદેશ : હેબ્રોનમાં મોટાપાયે સૈન્ય તૂટી પડ્યું: બે પેલેસ્ટિની બંદૂકધારીઓ ઠાર : ઘેરઘેર તપાસ ચાલુ, મકાનો તોડવાની કાર્યવાહી શરૂ; સમગ્ર પશ્ચિમ કાંઠાને બંધ કરવાની તૈયારી

જેરુસલેમ, તા. ૨૪ : ઇઝરાયેલી સેનાએ હેબ્રોન વિસ્તારમાં સશસ્ત્ર હુમલાના જવાબમાં કાર્યવાહી શરૂ કરી છે. બે સૈનિકનાં મૃત્યુ અને ત્રણને ઇજા થઈ છે. વડાપ્રધાન નેતન્યાહુએ કડક સુરક્ષા પગલાં લેવાની જાહેરાત કરી છે.

ઇઝરાયેલના કબજા હેઠળના પશ્ચિમ કાંઠાના હેબ્રોન શહેર નજીક શુક્રવારે થયેલા ગોળીબારમાં બે ઇઝરાયેલી સૈનિકો માર્યા ગયા હતા અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા. જવાબી ગોળીબારમાં બે પેલેસ્ટિની બંદૂકધારીઓ પણ માર્યા ગયા હતા. હુમલા બાદ ઇઝરાયેલી સેનાએ હેબ્રોન વિસ્તારમાં વિશેષ સૈન્ય કાર્યવાહી શરૂ કરી છે.

વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હેબ્રોનને તાત્કાલિક ઘેરાબંધી હેઠળ મૂકવા અને સમગ્ર પશ્ચિમ કાંઠાને બંધ કરવાની તૈયારી કરવા આદેશ આપ્યો છે. તેમણે હુમલાખોરોના વિસ્તારમાં ઘેરઘેર તપાસ, હથિયારો જપ્ત કરવા અને શંકાસ્પદ માળખાં તોડી પાડવાની જાહેરાત કરી છે.

સૈન્યએ હેબ્રોનમાં શસ્ત્રો શોધવા અને શંકાસ્પદોની પૂછપરછ શરૂ કરી છે. અસરગ્રસ્ત વિસ્તારમાંથી નાગરિકો માત્ર ત્રણ નિર્ધારિત માર્ગો મારફતે સુરક્ષા તપાસ બાદ બહાર નીકળી શકશે. કેટલાક પેલેસ્ટિની મકાનો તોડવાની કાર્યવાહી પણ શરૂ થઈ છે.

આ કાર્યવાહી આગામી કેટલાક દિવસો સુધી ચાલી શકે છે. આગામી ૨૭ ઓક્ટોબરે ઇઝરાયેલમાં સંસદીય ચૂંટણી યોજાવાની હોવાથી આ ઘટનાએ રાજકીય અને સુરક્ષા તણાવ વધાર્યો છે.

 

(9:38 AM IST)