<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th July 2026

"નેતન્યાહુ બરાબર જાણે છે કે બોસ કોણ છે" - વ્હાઇટ હાઉસમાં સંભવિત મુલાકાત પહેલાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું અને વિવાદાસ્પદ નિવેદન

ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ વ્હાઇટ હાઉસમાં બેઠક માટે સમય માંગ્યો : લેબનોન સરહદે સૈન્ય કાર્યવાહી અને ઇરાન સાથે યુદ્ધના મુદ્દે ટ્રમ્પ અને નેતન્યાહુના સંબંધોમાં ભારે ખટરાગ વચ્ચે આગામી દિવસોમાં યોજાશે હાઈ-પ્રોફાઈલ મુલાકાત

વોશિંગ્ટન: ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા સૈન્ય તણાવ અને પશ્ચિમ એશિયાના યુદ્ધની સ્થિતિ વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને લઈને એક અત્યંત ચોંકાવનારો અને વિવાદાસ્પદ દાવો કર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે એક સંક્ષિપ્ત ટેલિફોનિક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ઇઝરાયેલના વડાપ્રધાને તેમને વ્હાઇટ હાઉસમાં મુલાકાત માટે વિનંતી કરી છે, જે આગામી સપ્તાહે જ યોજાઈ શકે છે. પોતાની આગવી શૈલીમાં વાત કરતા ટ્રમ્પે પોતાના તરફ ઈશારો કરીને ઉમેર્યું હતું કે, "અમારા સંબંધો ખૂબ જ સારા છે અને નેતન્યાહુ બરાબર જાણે છે કે બોસ કોણ છે."

 

ફેબ્રુઆરીની કટોકટી ભરી બેઠક બાદ બંને નેતાઓ પ્રથમવાર મળશે:

ટ્રમ્પ અને નેતન્યાહુ વચ્ચેની આ સંભવિત મુલાકાત રાજદ્વારી સ્તરે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ગત ફેબ્રુઆરી મહિનામાં વ્હાઇટ હાઉસના 'સિચ્યુએશન રૂમ'માં બંને નેતાઓ વચ્ચે એક ડ્રામેટિક અને ભારે તણાવપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં નેતન્યાહુએ ઇરાન સામે સંયુક્ત યુદ્ધ શરૂ કરવાની પોતાની આક્રમક યોજના રજૂ કરી હતી. એ ઐતિહાસિક બેઠક બાદ આ બંને વૈશ્વિક નેતાઓ વચ્ચે આ પ્રથમ સીધી મુલાકાત હશે. જોકે, ઇઝરાયેલના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે આગામી સપ્તાહ કદાચ આ મુલાકાત માટે ઘણું વહેલું ગણાશે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ તારીખ ૭-૮ જુલાઈના રોજ તુર્કી ખાતે યોજાનારી નાટો (NATO) સમિટમાં ભાગ લેવા જવાના છે. આથી, આ બેઠક તેના પછીના અઠવાડિયે યોજાય તેવી પ્રબળ શક્યતા છે.

 

અમેરિકાના ૨૫૦મા સ્વતંત્રતા દિવસ પર નેતન્યાહુએ ફોન કર્યો હતો:

બીજી તરફ, ઇઝરાયેલના વડાપ્રધાન કાર્યાલયે આ બાબતે સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે, વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ શુક્રવારે ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કરીને અમેરિકાના ૨૫૦મા સ્વતંત્રતા દિવસ (ઇન્ડિપેન્ડન્સ ડે) નિમિત્તે હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. આ વાતચીત દરમિયાન નેતન્યાહુએ જણાવ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સ વૈશ્વિક સ્વતંત્રતાનું ગેરંટર છે અને ઇઝરાયેલ બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધોને ખૂબ જ મૂલ્યવાન માને છે. આ ટેલિફોનિક ચર્ચા દરમિયાન જ બંને નેતાઓ અમેરિકામાં ટૂંક સમયમાં મળવા માટે સંમત થયા હતા.

 

ઇઝરાયેલ અને યુદ્ધ નીતિ અંગે ટ્રમ્પ અને નેતન્યાહુ વચ્ચે મતભેદો ઉગ્ર બન્યા:

વ્હાઇટ હાઉસના આંતરિક વર્તુળો અને ટ્રમ્પના નજીકના સલાહકારોના જણાવ્યા અનુસાર, ફેબ્રુઆરીની બેઠક બાદ ટ્રમ્પની ટીમ નેતન્યાહુની નીતિઓથી ભારે નિરાશ અને શંકાશીલ બની છે. એક અમેરિકી અધિકારીએ તો ત્યાં સુધી કહ્યું કે, ટ્રમ્પના અગ્રણી સલાહકારો માને છે કે નેતન્યાહુ દરેક બાબતમાં ખોટા સાબિત થયા છે. ગયા મહિને એક ફોન કોલ દરમિયાન ટ્રમ્પે લેબનોનમાં ઇઝરાયેલ દ્વારા લશ્કરી કાર્યવાહી વધારવા બદલ નેતન્યાહુ પર ભારે આક્રોશ ઠાલવ્યો હતો અને તેમને 'ક્રેઝી' કહીને અહેસાનફરામોશ હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. આ તણાવને કારણે રિપબ્લિકન પાર્ટીમાં પણ બે ફાડિયા થઈ ગયા છે, જેમાં ટકર કાર્લસન જેવા પ્રભાવશાળી લોકો ટ્રમ્પ પર નેતન્યાહુના દબાણ હેઠળ કામ કરવાનો આરોપ લગાવી રહ્યા છે.

 

ઇરાન સાથેના પરમાણુ કરાર અને યુદ્ધના મુદ્દે પણ બંને નેતાઓના હિતો અલગ પડી રહ્યા છે. નેતન્યાહુના ભારે વિરોધ છતાં ટ્રમ્પે ગયા મહિને ઇરાન સાથે યુદ્ધવિરામ લંબાવવા અને નવી પરમાણુ વાટાઘાટો શરૂ કરવા માટે એક સમજૂતી પત્ર (MOU) પર હસ્તાક્ષર કર્યા હતા. આ ઉપરાંત ટ્રમ્પે ઇઝરાયેલ પર દબાણ લાવ્યું હતું કે તેઓ લેબનોનમાં આઈડીએફ (IDF) ના સૈન્ય ઓપરેશનો અટકાવે અને દક્ષિણ લેબનોનમાંથી સેના પાછી ખેંચવાના ફ્રેમવર્ક એગ્રીમેન્ટ પર સહી કરે. ઇઝરાયેલમાં આગામી ઓક્ટોબર મહિનામાં ચૂંટણીઓ યોજાવાની છે અને પોલ્સમાં નેતન્યાહુ પાછળ ચાલી રહ્યા છે, તેથી પોતાની ઝુંબેશની શરૂઆતમાં ટ્રમ્પ સાથેની વ્હાઇટ હાઉસની આ બેઠક નેતન્યાહુ માટે રાજકીય રીતે સંજીવની સમાન સાબિત થઈ શકે છે.

 

ઇરાની સુપ્રીમ લીડર ખામીનેઈની અંતિમયાત્રા અને વાટાઘાટો સ્થગિત:

ઇન્ટરવ્યુ દરમિયાન ટ્રમ્પે એ પણ જણાવ્યું કે તેઓ ઇરાનના ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા અલી ખામીનેઈની અંતિમયાત્રા પર નજીકથી નજર રાખી રહ્યા છે, જેઓ યુદ્ધના પ્રથમ દિવસે જ અમેરિકા અને ઇઝરાયેલના સંયુક્ત ઓપરેશનમાં માર્યા ગયા હતા. ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઇરાન અત્યારે કરાર કરવા માટે કરગરી રહ્યું છે, પરંતુ બંને પક્ષોએ ખામીનેઈની અંતિમવિધિના કાર્યક્રમો પૂરા ન થાય ત્યાં સુધી વાટાઘાટોમાંથી એક અઠવાડિયાનો બ્રેક લેવાનું નક્કી કર્યું છે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ પક્ષ એકબીજા પર ફાયરિંગ કરશે નહીં. ટ્રમ્પે તેમની લાક્ષણિક શૈલીમાં ઉમેર્યું કે, "તેઓ (ઇરાનના તમામ નેતાઓ) ત્યાં અંતિમયાત્રામાં હાજર છે. અમારો માત્ર એક જ શૉટ તેમને બધાને ખતમ કરી શકે છે, પરંતુ અમે એવું નહીં કરીએ કારણ કે જો એમ કરીશું તો અમારી પાસે વાટાઘાટો કરવા માટે કોઈ બચશે નહીં." તેમણે ખામીનેઈની અંતિમયાત્રામાં રડતા ઇરાની નાગરિકો વિશે આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું કે, લોકો તો ખામીનેઈને નફરત કરતા હતા, આ આંસુ કદાચ નકલી પણ હોઈ શકે છે.

(12:12 PM IST)