News of Sunday, 3rd May 2026
નેપાળની મોટી ભૂલ કે રણનીતિક અવગણના? અમેરિકી રાજદૂત સર્જિયો ગોરનું અપમાન ભારત સામે લાલબત્તી!
માલદીવ બાદ હવે નેપાળમાં પણ સર્જિયો ગોરને મળવાનો વડાપ્રધાન બાલેન શાહનો ઇનકાર : પ્રોટોકોલના બહાને સુપર પાવર અમેરિકાની અવગણના નેપાળી અર્થતંત્ર અને વિદેશ નીતિ માટે ખતરનાક સાબિત થઈ શકે છે

કાઠમંડુ : નેપાળના રાજકીય ગલિયારાઓમાં અત્યારે એકાએક ગરમાવો આવી ગયો છે. દક્ષિણ અને મધ્ય એશિયા માટેના અમેરિકી ખાસ દૂત અને ભારતમાં કાર્યરત વરિષ્ઠ રાજદૂત સર્જિયો ગોરની નેપાળ મુલાકાત વિવાદોના વંટોળમાં ફસાઈ છે. વડાપ્રધાન બાલેન શાહે 'વ્યસ્તતા' અને 'સ્થાનિક પ્રાથમિકતાઓ'નું બહાનું ધરીને ગોર સાથે મુલાકાત કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા જગાવી છે, કારણ કે સર્જિયો ગોર એ જ અધિકારી છે જેમને તાજેતરમાં માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઆઝુએ પણ મળવાનો ઇનકાર કર્યો હતો. આ પ્રકારનું વર્તન દક્ષિણ એશિયાના નાના દેશોની બદલાતી વિદેશ નીતિ અને અમેરિકા પ્રત્યેના તેમના કડક વલણને સૂચવે છે.
બાલેન શાહના આ નિર્ણયથી નેપાળના વિદેશ મંત્રાલયમાં પણ ફાળ પડી છે. મંત્રાલયના અનેક ઉચ્ચ અધિકારીઓએ વડાપ્રધાનને સમજાવવાની કોશિશ કરી હતી કે અમેરિકા જેવા શક્તિશાળી દેશના પ્રતિનિધિને મળવું નેપાળના હિતમાં છે, પરંતુ વડાપ્રધાન શાહે પોતાના 'પ્રોટોકોલ' પર મક્કમ રહીને મુલાકાત ટાળી દીધી. જોકે, સર્જિયો ગોરે આ મુલાકાત દરમિયાન નેપાળી કોંગ્રેસ અને નેશનલ ઇન્ડિપેન્ડન્ટ પાર્ટીના નેતાઓ રવિ લામિછાને અને સ્વર્ણિમ વાગલે સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજી હતી. ગોરે નેપાળના ટેક સેક્ટરમાં અમેરિકી રોકાણ અને આર્થિક સહયોગ વધારવા અંગે ચર્ચા કરી, પરંતુ વડાપ્રધાન સાથેની મિટીંગ ન થતા આ મુલાકાતનો રાજકીય સૂર બદલાઈ ગયો છે.
નેપાળની નવી સરકાર માટે આ નિર્ણય લાંબા ગાળે મોંઘો પડી શકે છે. અમેરિકા નેપાળને માત્ર આર્થિક મદદ જ નથી કરતું, પરંતુ તેના સાંસ્કૃતિક વારસાને જાળવવામાં પણ મદદરૂપ થાય છે, જેનો પુરાવો ગોરે અક્ષોભ્ય બુદ્ધની પ્રતિમા પરત કરવાના સમારોહમાં હાજરી આપીને આપ્યો હતો. એવરેસ્ટ બેઝ કેમ્પની મુલાકાત લઈને તેમણે ડ્રોન ટેકનોલોજી દ્વારા પહાડી વિસ્તારોમાં મદદ પહોંચાડવાના અમેરિકી વિઝનને પણ રજૂ કર્યું હતું. જાણકારોનું માનવું છે કે જો નેપાળ પણ માલદીવની જેમ અમેરિકા સામે આડું ચાલશે, તો તેને આંતરરાષ્ટ્રીય સુરક્ષા અને રોકાણના મોરચે મોટા નુકસાનનો સામનો કરવો પડી શકે છે.
(6:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
