તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th September 2026
નેપાળ દુર્ઘટના: ૬૦૦થી વધુ માસુમ બાળકો ગુમ થતાં નેપાળમાં ભારે અરેરાટી અને રાહત કાર્યોમાં કુદરતી અવરોધ
સ્થાનિક શિક્ષણ મંત્રાલયના રિપોર્ટ અનુસાર, ૨૨ શાળાઓ પૂરમાં પ્રભાવિત થઈ : જેમાંથી ૧૨ શાળાઓ કાદવ અને કાટમાળમાં ગરકાવ થઈને નાશ પામી

કાઠમંડુ : નેપાળના રાસુવા અને નુવાકોટ જિલ્લામાં કુદરતે એવું કાળઝાળ દ્રશ્ય સર્જ્યું છે જેણે સમગ્ર દક્ષિણ એશિયાને ધ્રુજાવી દીધું છે. ૨૬ ઓગસ્ટના રોજ વહેલી સવારે ભોટકોશી નદીમાં આવેલા વિનાશક પૂરના પ્રચંડ મોજાઓએ જોતજોતામાં અનેક હસતા-રમતા ગામડાઓ અને શૈક્ષણિક સંસ્થાઓનો સફાયો કરી નાખ્યો છે. આ ભયાનક આફતમાં રાસુવા અને નુવાકોટના આશરે ૬૦૦થી વધુ નિર્દોષ વિદ્યાર્થીઓ અને ૨૨ જેટલા શિક્ષકો તથા શાળા સ્ટાફ કાટમાળ હેઠળ કે નદીના વહેણમાં ગુમ થઈ ગયા છે. અનેક સ્થળોએ આખી ને આખી શાળાની ઈમારતો ગાયબ થઈ ગઈ છે અને ત્યાં માત્ર રેતીના પટ જ બાકી રહ્યા છે. આ કરૂણ હોનારતમાં અનેક માસુમ બાળકોએ પોતાના માતાપિતા ગુમાવ્યા છે, તો બીજી તરફ પોતાના વહાલસોયા સંતાનોની શોધમાં ભટકતા વાલીઓના આક્રંદથી પહાડો ગુંજી ઉઠ્યા છે.
આપત્તિના દિવસો વિતી ગયા હોવા છતાં રાહત અને બચાવ કામગીરીમાં હિમાલય જેવા વિરાટ સવાલો ઉભા થઈ રહ્યા છે. પૂરના કારણે નેપાળનો સમગ્ર સંદેશાવ્યવહાર (અને માળખાકીય સુવિધાઓ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે, જેના લીધે બચાવ ટુકડીઓને દૂરના વિસ્તારો સુધી પહોંચવામાં અને સચોટ ડેટા એકત્ર કરવામાં અત્યંત મુશ્કેલી પડી રહી છે. સ્થાનિક શિક્ષણ મંત્રાલયના રિપોર્ટ અનુસાર, ૨૨ શાળાઓ પૂરમાં પ્રભાવિત થઈ છે, જેમાંથી ૧૨ શાળાઓ કાદવ અને કાટમાળમાં ગરકાવ થઈને નાશ પામી છે. ગોસાઈકુંડ યાત્રાધામ પર ગયેલા અનેક શિક્ષકો પણ આ પૂરમાં ફસાઈ ગયા છે. જે બચેલી શાળાઓ છે, ત્યાં હાલ વિસ્થાપિત થયેલા બેઘર ગ્રામજનોને આશ્રય આપવામાં આવી રહ્યો હોવાથી શિક્ષણ કાર્ય સંપૂર્ણપણે અટકી પડ્યું છે.
પરિસ્થિતિની ભયાનકતાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે ગોસાઈકુંડ, ઉત્તરગયા, કાલિકા, અમાચોડિંગ્મો અને વિદુર નગરપાલિકાની તમામ શાળાઓ અનિશ્ચિત મુદત માટે બંધ કરી દીધી છે. આ હોનારતથી ૭,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ સીધી રીતે પ્રભાવિત થયા છે. શિક્ષણ મંત્રાલયે નુકસાનનું આંકલન કરવા અને કટોકટી પુનઃપ્રાપ્તિ યોજના તૈયાર કરવા માટે ઉચ્ચ-સ્તરીય ટેકનિકલ ટીમોને અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલી આપી છે, જેઓ સાત દિવસમાં પોતાનો રિપોર્ટ સોંપશે. સ્થાનિક અધિકારીઓનું કહેવું છે કે આઘાતમાંથી પસાર થઈ રહેલા બાળકોને માનસિક રીતે સામાન્ય સ્થિતિમાં લાવ્યા બાદ જ શાળાઓ શરૂ કરવાનો વિચાર કરી શકાશે. હાલમાં સમગ્ર સરકારી તંત્ર, સેના અને સ્થાનિક સ્વયંસેવકો ગુમ થયેલા બાળકોને શોધવા અને કાટમાળ હટાવવાના અવિરત પ્રયાસોમાં જોડાયેલા છે.
(7:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
