<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

નેપાળ સરકારનો મોટો યુ-ટર્ન: ભારતથી આવતી ચીજવસ્તુઓ પરની આકરી કસ્ટમ ડ્યુટી પાછી ખેંચાશે? પ્રચંડ જનઆક્રોશ સામે ‘બાલેન શાહ’ સરકાર ઝૂકી

માત્ર 100 રૂપિયાથી વધુની વસ્તુઓ પર ટેક્સ લાદતા નેપાળમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન; ‘અઘોષિત નાકાબંધી’ જેવી સ્થિતિ સર્જાતા સરહદી વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત, દબાણ વધતા નિર્ણય પર પુનઃવિચારણા શરૂ

કાઠમંડુ: ભારત અને નેપાળ વચ્ચેના વર્ષો જૂના મૈત્રીપૂર્ણ અને ખુલ્લા સરહદી સંબંધોમાં તાજેતરમાં કસ્ટમ ડ્યુટીને લઈને આવેલી તિરાડ હવે શાંત પડતી જણાય છે. નેપાળ સરકાર દ્વારા ભારતથી લાવવામાં આવતી નજીવી કિંમતની વસ્તુઓ પર પણ આકરો ટેક્સ લાદવાના નિર્ણયનો દેશભરમાં ભારે વિરોધ થયા બાદ, હવે સરકાર આ નિર્ણય પાછો ખેંચવાની તૈયારી કરી રહી છે.

શું હતો વિવાદ?

એપ્રિલ 2026 માં નેપાળી નવા વર્ષ બાદ, બાલેન શાહની આગેવાની હેઠળની સરકારે એક જૂના કસ્ટમ નિયમનો કડક અમલ શરૂ કર્યો હતો. આ નિયમ મુજબ, ભારતથી નેપાળમાં લાવવામાં આવતી 100 નેપાળી રૂપિયા (અંદાજે 62 ભારતીય રૂપિયા) થી વધુની કિંમતની કોઈપણ વસ્તુ પર કસ્ટમ ડ્યુટી વસૂલવાનું નક્કી કરાયું હતું. કેટલીક ચીજવસ્તુઓ પર તો આ ટેક્સ 80% સુધી પહોંચી જતો હતો. સોશિયલ મીડિયા પર એવા વીડિયો પણ વાયરલ થયા હતા જેમાં નેપાળી સત્તાવાળાઓ લોકો પાસેથી ચિપ્સના પેકેટ જેવી સામાન્ય વસ્તુઓ પણ જપ્ત કરતા જોવા મળ્યા હતા.

‘અઘોષિત નાકાબંધી’ સામે ઉગ્ર વિરોધ

નેપાળ સરકારના આ કડક વલણને કારણે સરહદી નગરો જેવા કે વીરગંજ અને ભૈરહવામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. પ્રદર્શનકારીઓએ તેને ‘અઘોષિત નાકાબંધી’ ગણાવી હતી, કારણ કે તેનાથી સ્થાનિક લોકોનું રોજિંદુ જીવન, ખેતીવાડી અને ધાર્મિક પ્રસંગો માટેની ખરીદી પર માઠી અસર પડી હતી. કાઠમંડુમાં પણ આ નિર્ણય સામે રાજકીય સ્તરે વિરોધ જોવા મળ્યો હતો.

રાજકીય સંકટ અને પીછેહઠ

એક તરફ જનતાનો આક્રોશ અને બીજી તરફ ગૃહમંત્રી સુદન ગુરુંગના રાજીનામાને કારણે સર્જાયેલા રાજકીય સંકટ વચ્ચે નેપાળ સરકાર હવે બેકફૂટ પર આવી ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત સાથેના સંબંધોમાં ખટાશ ન આવે અને સ્થાનિક વેપાર પર અસર ન પડે તે હેતુથી આ ટેક્સ મર્યાદામાં ફેરફાર અથવા સંપૂર્ણપણે પાછી ખેંચવાની વિચારણા ચાલી રહી છે. ભારત અને નેપાળ વચ્ચેની વિઝા-મુક્ત અવરજવર અને રોટી-બેટીના વ્યવહારમાં આ ટેક્સ એક મોટું વિઘ્ન બની રહ્યો હતો.

(9:12 PM IST)