<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

નેપાળ ફૂટબોલ પર આંતરરાષ્ટ્રીય સ્તરે મોટો વીજળીકડાકો: નિયમોના ભંગ બદલ FIFA એ ‘ઓલ નેપાળ ફૂટબોલ એસોસિએશન’ને કર્યું સસ્પેન્ડ; તમામ સ્પર્ધાઓ પર તાત્કાલિક પ્રતિબંધ!

સરકારી કે ત્રીજી પાંખની દખલગીરી સહન નહીં થાય: ફિફાએ આકરા વલણ સાથે નેપાળનું ફંડિંગ અને ટ્રેનિંગ પ્રોગ્રામ્સ પણ રોક્યા; નિયમોનું પાલન ન થાય ત્યાં સુધી ફૂટબોલ પ્રવૃત્તિઓ ઠપ્પ

કાઠમંડુ : આંતરરાષ્ટ્રીય ફૂટબોલ જગતમાંથી આ ક્ષણના સૌથી મોટા અને આંચકાજનક સમાચાર સામે આવી રહ્યા છે. વિશ્વ ફૂટબોલની સર્વોચ્ચ સંસ્થા 'ફિફા' (FIFA) એ સત્તાવાર રીતે કડક કાર્યવાહી કરતા 'ઓલ નેપાળ ફૂટબોલ એસોસિએશન' (ANFA) ને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ (નિલંબિત) કરી દીધું છે. ફૂટબોલ એસોસિએશનના આંતરિક શાસન અને વહીવટમાં ત્રીજા પક્ષની (બહારની અથવા સરકારી) દખલગીરીને લગતા ફિફાના કાયદાઓનું ગંભીર ઉલ્લંઘન કરવા બદલ નેપાળ વિરુદ્ધ આ આકરું પગલું ભરવામાં આવ્યું છે. ૨૪ જૂનથી અમલમાં આવેલા આ સસ્પેન્શનના કારણે નેપાળના રમત જગતમાં ભારે સન્નાટો વ્યાપી ગયો છે.

નેપાળની રાષ્ટ્રીય ટીમો અને ક્લબો આઉટ!

ફિફા દ્વારા લાદવામાં આવેલા આ કડક પ્રતિબંધનો સીધો અને મોટો ફટકો નેપાળના ખેલાડીઓને પડવાનો છે. આ સસ્પેન્શનના કારણે હવે આગામી કોઈ નવી સૂચના કે આદેશ ન આવે ત્યાં સુધી નેપાળની કોઈ પણ રાષ્ટ્રીય ફૂટબોલ ટીમ (પુરુષ કે મહિલા) અથવા ત્યાંની સ્થાનિક ક્લબો ફિફા (FIFA) અને એશિયન ફૂટબોલ કોન્ફેડરેશન (AFC) દ્વારા આયોજિત કોઈ પણ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ કે સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહીં. આ આદેશથી નેપાળના ફૂટબોલના ભવિષ્ય પર મોટું પ્રશ્નાર્થચિહ્ન મુકાઈ ગયું છે.

ફંડિંગ અને ટ્રેનિંગ પર પણ વાગી ગઈ બ્રેક

માત્ર મેચ રમવા પર જ નહીં, પરંતુ ફિફાએ નેપાળ ફૂટબોલના આર્થિક અને માળખાકીય સોર્સ પર પણ તાળું મારી દીધું છે. સસ્પેન્શનના ગાળા દરમિયાન ‘એનફા’ (ANFA), તેના વરિષ્ઠ અધિકારીઓ અને તેની સાથે જોડાયેલી તમામ સભ્ય સંસ્થાઓને ફિફા અને એએફસી તરફથી મળતું કરોડો રૂપિયાનું આંતરરાષ્ટ્રીય ભંડોળ (ગ્રાન્ટ) મળતું બંધ થઈ જશે. આ ઉપરાંત, નેપાળી ફૂટબોલના વિકાસ માટે ચાલતા સ્પેશિયલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ અને ખેલાડીઓ તેમજ કોચ માટેની આંતરરાષ્ટ્રીય તાલીમ (ટ્રેનિંગ) ની તકો પણ તાત્કાલિક અસરથી છીનવાઈ ગઈ છે.

ફિફાના મુખ્ય મથકેથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, જ્યાં સુધી એસોસિએશનમાં બહારની દખલગીરીના મુદ્દાઓનું સંપૂર્ણ અને કાયદેસર નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ સસ્પેન્શન યથાવત રહેશે. જોકે, ફિફાએ નરમ વલણની એક બારી ખુલ્લી રાખતા ઉમેર્યું છે કે, જો નેપાળ ફૂટબોલ એસોસિએશન આગામી સમયમાં ફિફાની તમામ શરતો અને નિયમોનું ચુસ્તપણે પાલન કરી દેશે, તો આગામી યોજાનારી 'ફિફા કોંગ્રેસ' (FIFA Congress) ની બેઠક પહેલાં આ પ્રતિબંધ હટાવવા પર વિચાર કરી શકાય છે.

(8:37 PM IST)