<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

ન તો રમકડું, ન તો કોઈ રમત! છતાં પર્વતો વચ્ચે દોડતી ટ્રેનને કેમ કહેવામાં આવે છે 'ટોય ટ્રેન'? જાણો ૧૮૫૩થી શરૂ થયેલો બ્રિટિશ કાળનો રસપ્રદ ઇતિહાસ!

ગરમીથી બચવા અને ચાના વેપારને વેગ આપવા અંગ્રેજોએ પહાડો ચીરીને બનાવી હતી સાંકડી રેલવે લાઇન; સ્થાનિક લોકોના મોઢેથી નીકળેલું 'રમકડું' નામ આજે વિશ્વભરમાં બન્યું આકર્ષણનું કેન્દ્ર.

નવી દિલ્હી, તા. ૦૮: ભારતની મુલાકાતે આવતા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે શિસ્તબદ્ધ રીતે પર્વતોના વાંકાચૂંકા રસ્તાઓ પરથી પસાર થતી 'ટોય ટ્રેન' (Toy Train) ની સવારી હંમેશા રોમાંચનો વિષય રહી છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, સંપૂર્ણપણે વાસ્તવિક એન્જિન અને પાટા પર દોડતી આ પેસેન્જર ટ્રેનને 'રમકડાંની ટ્રેન' કેમ કહેવામાં આવે છે? તેની પાછળ બ્રિટિશ શાસનકાળનો એક અત્યંત રસપ્રદ ઇતિહાસ અને ભારતીય ભૌગોલિક પરિસ્થિતિઓની અનોખી વાર્તા છુપાયેલી છે.

વાત ૧૮૫૩ની છે, જ્યારે ભારતના ગવર્નર જનરલ લોર્ડ ડેલહાઉસીએ દેશભરમાં રેલવે નેટવર્કનો પાયો નાખ્યો હતો. જોકે, ભારતના દુર્ગમ પર્વતીય વિસ્તારો સુધી પહોંચવું તે સમયે અત્યંત મુશ્કેલ અને ખતરનાક હતું. લોકોએ કાં તો ઘોડા, પાલખી કે પગપાળા લાંબી યાત્રા કરવી પડતી હતી. બ્રિટિશરોને ભારતની ભીષણ ગરમી માફક આવતી ન હોવાથી તેઓ હિલ સ્ટેશનો તરફ સ્થળાંતર કરતા હતા, અને ચીન સાથે વેપાર બંધ થતાં આસામ તથા દાર્જિલિંગમાં ચાના બગીચાઓનો વિકાસ કરાયો હતો. આ વેપારી જરૂરિયાતો અને આરામદાયક મુસાફરી માટે બ્રિટિશ એન્જિનિયરોએ પહાડોને કોતરીને ૮૮ કિલોમીટર લાંબી નેરોગેજ લાઇન તૈયાર કરી હતી.

ભારતની સૌપ્રથમ ટોય ટ્રેન 'દાર્જિલિંગ હિમાલયન રેલવે' તરીકે ૪ જુલાઈ, ૧૮૮૧ના રોજ સિલિગુડી અને દાર્જિલિંગ વચ્ચે સત્તાવાર રીતે શરૂ થઈ હતી. બ્રહ્દ રેલવેના મોટા એન્જિનો અને વિશાળ ડબ્બાઓની સરખામણીમાં આ પર્વતીય ટ્રેનના ડબ્બા, એન્જિન, નાના સ્ટેશનો અને સાંકડા પાટા ખૂબ જ નાના દેખાતા હતા. આ ટ્રેન અંધારી ટનલો, ઝિગ-ઝેગ વળાંકો અને લૂપ્સમાંથી ખૂબ જ ધીમી ગતિએ પસાર થતી હોવાથી તે સમયે સ્થાનિક લોકો તેને રમુજમાં "ખિલોના" (રમકડું) કે "ટોય ટ્રેન" કહીને બોલાવવા લાગ્યા હતા. સમય જતાં આ નામ વિશ્વભરમાં લોકપ્રિય થઈ ગયું.

આજે પણ ન્યુ જલપાઈગુડી (સમુદ્ર સપાટીથી ૧૦૦ મીટર) થી શરૂ થઈને ૨૨૦૦ મીટરની ઊંચાઈએ આવેલા દાર્જિલિંગ સુધીની આ રોમાંચક સફર પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે. ગાઢ જંગલો, વાદળોની વચ્ચેથી પસાર થતી ઠંડી હવાઓ અને ચાના લીલાછમ બગીચાઓ વચ્ચેથી પસાર થતી આ વિન્ટેજ ટ્રેન આજે યુનેસ્કો (UNESCO) ની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પામીને ભારતની શાન વધારી રહી છે.

(4:13 PM IST)